Introduction IPS G S Malik : જ્ઞાનેન્દ્રસિંહ મલિક ગુજરાત કેડરના 1993 બેચના IPS અધિકારી છે. મલિક હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વતની છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક. અને ગુજરાત યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે. 22 મહિના સુધી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનાર જી.એસ. મલિક હવે રાજ્ય પોલીસ વડા (Gujarat New HoPF G S Malik) બની ગયા છે.
ટ્રેનિંગ બાદ જી.એસ. મલિકની એ.એસ.પી. ભુજ તરીકે નિમણૂક થઈ હતી અને ત્યારપછીની સફરમાં તેમણે છ જિલ્લા ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ અને કચ્છમાં SP તરીકે તેમજ બોર્ડર, અમદાવાદ, વડોદરા અને સુરત રેન્જના વડા તરીકે સેવા આપી ચૂક્યા છે. રાજ્યપાલના એ.ડી.સી., અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી અને અમદાવાદ શહેર તથા વડોદરા શહેરમાં એડિશનલ કમિશનર તરીકે પણ સેવા આપી છે. સીઆઈડી (ક્રાઈમ), સીઆઈડી (ઈન્ટેલિજન્સ), એન્ટી કરપ્શન બ્યૂરો, નશાબંધી અને આબકારી વિભાગ અને ગૃહ વિભાગમાં સચિવ તરીકે પણ તેઓએ સેવા આપી છે. પોલીસ કૉન્સ્ટેબલ ભરતી બોર્ડના ચેરમેન તરીકે ત્રણ વખત નિમણૂક જી.એસ. મલિક નિમણૂક મેળવી ચૂક્યાં છે. આ સમયગાળા દરમિયાન અંદાજે 24 હજાર પોલીસ કૉન્સ્ટેબલની ભરતી પારદર્શક રીતે કરી 10 મહિનાથી ઓછા સમયગાળામાં પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.
તેઓ લગભગ પાંચ વર્ષ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર રહી ચૂક્યાં છે. જેમાં લગભગ 4 વર્ષ સુધી BSFમાં ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે સેવા આપી છે. આ કાર્યકાળ દરમિયાન તેમના વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ ભારતીય સેના અને વાયુસેનાના સહયોગથી કચ્છના હરામી નાળામાં પ્રથમ વાર એક અત્યંત સાહસિક ‘હેલિબોર્ન ઓપરેશન’ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. જેના પરિણામે 11 પાકિસ્તાની બોટ જપ્ત કરી 6 પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. BSFમાં સેવા આપ્યા બાદ તેઓએ CISFમાં પણ સેવા આપી હતી. જે દરમિયાન તેમને દિલ્હીમાં ADG (નોર્થ) અને ADG (એરપોર્ટ સેક્ટર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2002માં યુગોસ્લાવિયાના કોસોવોમાં એક વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના મિશન (UN Peacekeeping Mission) ખાતે પણ તેમણે સેવા આપી છે. અત્રે નોંધનીય છે કે, ભારતીય પોલીસ સેવામાં જોડાતા પહેલાં તેઓ ONGC બોમ્બે હાઇ અને ભારતીય રેલ્વેમાં પણ સેવા આપી ચૂક્યાં છે.








