Thursday, June 4, 2026
HomeNationalમમતા બેનર્જી સાથે ઠાકરે-શિંદે વાળી થવાની? બાગી જૂથને સ્પીકરે માન્યતા આપી, ઋતબ્રત...

મમતા બેનર્જી સાથે ઠાકરે-શિંદે વાળી થવાની? બાગી જૂથને સ્પીકરે માન્યતા આપી, ઋતબ્રત બેનર્જી બન્યા વિપક્ષના નેતા

- Advertisement -

Mamata Banerjee TMC West Bengal Ritabrata Banerjee Politics: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર રવિન્દ્ર નાથ બોઝે ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા (Opposition Leader) તરીકે માન્યતા આપી છે. આ નિર્ણય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ વધુ ખુલ્લો બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, મમતા બેનર્જીએ શોભનદેબ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા તરીકે જાહેર કર્યા હતા. જોકે, પક્ષના 80 ધારાસભ્યોમાંથી 60 ધારાસભ્યોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને શોભનદેબ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં 60 ધારાસભ્યોએ સ્પીકર રવિન્દ્ર નાથ બોઝ સાથે મુલાકાત કરીને પોતે જ TMCનું અસલી જૂથ હોવાનું રજૂઆત કરી હતી અને ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવા માંગ કરી હતી.

- Advertisement -

સ્પીકરે ધારાસભ્યોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી છે. તેમને વિપક્ષના નેતાના કાર્યાલયની ચાવી પણ સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે. આ જૂથમાં જાવેદ અહમદ ખાન, શબીના યાસ્મીન, શીલૂ સાહ અને સંદીપન સાહને ઉપ વિપક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે અખરૂજમા મુખ્ય ચીફ વ્હિપ તરીકે કાર્ય કરશે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પરિણામો બાદ મમતા બેનર્જીએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓના આરોપસર ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહને TMCમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ ઋતબ્રત બેનર્જીએ મમતા બેનર્જીના નેતૃત્વ સામે બળવો કર્યો હતો. વિપક્ષના નેતા તરીકે પસંદગી બાદ તેમણે જણાવ્યું હતું કે તેમની સાથે હાલમાં 60 જેટલા ધારાસભ્યો છે અને તેઓ સકારાત્મક રાજકારણ સાથે વિપક્ષની ભૂમિકા નિભાવશે. તેમણે એ પણ કહ્યું હતું કે મમતા બેનર્જી હજુ પણ તેમની નેતા છે અને તેઓ પક્ષને માર્ગદર્શન આપતા રહે તેવી અપેક્ષા છે.

ઋતબ્રત બેનર્જીએ જણાવ્યું હતું કે આ લડત વ્યક્તિવાદ સામેની સામૂહિક લડત છે. તેમણે મમતા બેનર્જીને મુખ્ય સલાહકાર ગણાવીને પક્ષને માર્ગદર્શન આપવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જરૂરી જણાશે ત્યારે સરકારના બિલોનો વિરોધ પણ કરવામાં આવશે, પરંતુ રચનાત્મક કામોની પ્રશંસા પણ કરવામાં આવશે.

- Advertisement -

તેમણે અભિષેક બેનર્જી પર પણ નિશાન સાધતા જણાવ્યું હતું કે તેઓ વિધાનસભાના સભ્ય નથી, તેથી તેઓ વિપક્ષના નેતા અંગે સ્પીકરને પત્ર લખી શકે નહીં. અગાઉ અભિષેક બેનર્જીએ સ્પીકરને પત્ર લખીને શોભનદેબ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા અને અન્ય હોદ્દેદારોની નિમણૂક અંગે માહિતી આપી હતી, પરંતુ તેને માન્યતા આપવામાં આવી નહોતી.

2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર થયા હતા, જેમાં ભાજપને 207 બેઠકો મળી હતી જ્યારે TMC 80 બેઠકો સુધી સીમિત રહી હતી. ચૂંટણીમાં પરાજય બાદ પક્ષમાં અસંતોષ ફેલાયો હતો અને અનેક નેતાઓએ મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી પર સંગઠનાત્મક નિષ્ફળતા, મનમાની અને પરિવારવાદના આક્ષેપો કર્યા હતા.

હાલ TMCના કુલ 80 ધારાસભ્યોમાંથી બે તૃતીયાંશથી વધુ એટલે કે અંદાજે 58થી 60 ધારાસભ્યો ઋતબ્રત બેનર્જીના સમર્થનમાં હોવાનું જણાવાયું છે. તેથી કાનૂની રીતે તેમનું જૂથ મજબૂત સ્થિતિમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઋતબ્રત બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ ‘હું’ નહીં પરંતુ ‘અમે’માં વિશ્વાસ રાખે છે અને તમામ નિયમોનું પાલન કરીને જ વિધાનસભામાં મુખ્ય વિપક્ષ તરીકે માન્યતા પ્રાપ્ત કરી છે.

- Advertisement -

આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ વચ્ચે મમતા બેનર્જીએ TMCની તમામ સમિતિઓ અને ફ્રન્ટલ સંગઠનોને ભંગ કરી દીધા હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ, પક્ષના વરિષ્ઠ નેતા અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મમતા બેનર્જીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હોવાનું જણાવાયું છે. રાજ્યમાં સત્તા ગુમાવ્યા બાદ TMCમાં વધતી આંતરિક ઉથલપાથલ વચ્ચે આ ઘટનાક્રમને પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular