નવજીવન ન્યૂઝ. મુંબઈ: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો છેલ્લો કારોબારી દિવસ ભારે ઉતાર-ચઢાવભર્યો રહ્યો હતો. સવારે વૈશ્વિક બજારોમાંથી મળેલા હકારાત્મક સંકેતો અને અમેરિકા-ઈરાન વચ્ચે સંભવિત શાંતિ સમજૂતીની આશાના પગલે શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું, પરંતુ દિવસના અંત સુધીમાં ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. બપોર બાદ મોટા પાયે નફાવસૂલી શરૂ થતાં બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને અંતે સેન્સેક્સ 1,141.24 પોઇન્ટના કડાકા સાથે 74,726.56ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 337.95 પોઇન્ટ તૂટીને 23,569.20ના સ્તરે પહોંચી ગયો હતો.
બજારની શરૂઆત આશાવાદી માહોલ સાથે થઈ હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાની શક્યતા વ્યક્ત થતાં રોકાણકારોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 161.66 પોઇન્ટની તેજી સાથે 76,029.45 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 57.15 પોઇન્ટના વધારા સાથે 23,964 પર કારોબાર શરૂ કર્યો હતો. જોકે આ તેજી લાંબા સમય સુધી ટકી શકી નહોતી.
બજારમાં અચાનક આવેલા કડાકા પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. સવારે આઈટી શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી હતી, પરંતુ બાદમાં બેન્કિંગ, ઓટો અને એનર્જી સેક્ટરના શેરોમાં રોકાણકારોએ નફાવસૂલી શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત યુરોપમાં અપેક્ષા કરતાં વધુ આવેલા ફુગાવાના આંકડા અને અમેરિકન ફેડરલ રિઝર્વની ભાવિ નીતિને લઈને ઉભી થયેલી અનિશ્ચિતતાના કારણે વિદેશી રોકાણકારો સાવચેત બન્યા હતા. તેના પરિણામે બજારમાં વેચવાલીનું દબાણ વધી ગયું હતું.
તાજેતરમાં જાહેર થયેલા કેટલીક મોટી કંપનીઓના ચોથા ત્રિમાસિક પરિણામોમાં વધતા ઇનપુટ ખર્ચના કારણે માર્જિન પર અસર જોવા મળી હતી. જેના કારણે કોર્પોરેટ કમાણી અંગે ચિંતા વધી હતી અને રોકાણકારોએ જોખમ ઘટાડવાનું પસંદ કર્યું હતું.
બજારમાં ભારે વેચવાલી વચ્ચે પણ કેટલાક આઈટી શેરોએ મજબૂત દેખાવ કર્યો હતો. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એલ એન્ડ ટી અને ઇન્ફોસિસમાં તેજી જોવા મળી હતી. બીજી તરફ પાવર ગ્રીડ, ઈન્ડિગો, એનટીપીસી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
વિશ્લેષકોનું માનવું છે કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ફુગાવા અંગેની ચિંતા અને વ્યાજદર સંબંધિત અનિશ્ચિતતા હજુ પણ બજાર પર દબાણ જાળવી શકે છે. આગામી દિવસોમાં વિદેશી રોકાણકારોની ચાલ અને આંતરરાષ્ટ્રીય બજારોના સંકેતો ભારતીય શેરબજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.








