નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં વિવાદીત જમીનના મામલામાં અનેક વખત હત્યા, જીવલેણ હુમલા અને ફાયરિંગની ઘટનાઓ ઘટી ચૂકી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા નહેરૂનગરમાં આવેલા કરોડોની કિંમતની જમીનમાં વિવાદ ચાલી રહ્યો છે. વિવાદીત જમીન પર કેટલાંક શખસો આવી જતાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાની પાસે રહેલી પિસ્તૉલમાંથી ફાયરિંગ કર્યા (Retired DySP opens fire in Ahmedabad) હતા. આ ઘટનાનો સંદેશો મળતાની સાથે જ સેટેલાઈટ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયરિંગની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે અને તેમાં નિવૃત્ત પોલીસ અધિકારી ગાળો બોલી હત્યા કરવાની ધમકી આપતા નજરે પડે છે.
નહેરૂનગર વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલી વિવાદીત જમીન પર બે પક્ષો વચ્ચે આજે બપોરે કબજાને લઈને માથાકૂટ થઈ હતી. પ્રાઈમ લૉકેશન પર આવેલી જમીનના મૂળ માલિક પ્રિયમ મહેતા છે અને આ જગ્યા પર અશોક ચૌહાણના પરિવારનો કબજો હતો. થોડાક સમય અગાઉ વિવાદીત જમીનમાં સ્ટૉલ ઉભા કરવામાં આવ્યા હતા. જે શરૂ નહીં થઈ શકતા ભાડું ચૂકવવામાં આવ્યું ન હતું. નિવૃત્ત DySP અશોકસિંહે સ્ટૉલ ભાડે રાખનારાઓને ડિપોઝીટ પરત નહીં આપતા હિતેશભાઈ અને હરેશભાઈ સાથે બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. અશોક ચૌહાણે પોતાની પુત્રીની હાજરીમાં બિભત્સ ગાળો બોલી લાશો પડશે તેમ કહી ઉપરાછાપરી પાંચ રાઉન્ડ ફાયર હતા. આ મામલે સેટેલાઈટ પોલીસે નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ સામે ફરિયાદ (Retired DySP Ashok Chauhan) નોંધવા કાર્યવાહી આરંભી છે.








