નવજીવન ન્યૂઝ.નડિયાદઃ કોંગ્રેસના જુના જોગી, આમ તો ભાજપના જુના જોગી કહેવા તો પણ ચાલે. ભાજપમાંથી બીજી પાર્ટીમાં, ત્યાંથી પાછા કોંગ્રેસમાં ને પાછા બીજી પાર્ટીમાં આમ તેમ પક્ષો બદલતા રહેતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નડિયાદમાં એક કાર્યક્રમ દરમિયાન પોતે હજુ પણ કોંગ્રેસની નૈયા પાર લગાવી શકે છે તેવો દાવો કર્યો છે. સાથે જ તેમણે કેટલાક કટાક્ષ પણ કર્યા છે.
કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જ નહીં કોંગ્રેસમાંથી મંત્રી પદ મેળવી ચુકેલા સંઘનો ચહેરો ઘણાતા ગુજરાતના નેતા શંકરસિંહ વાઘેલાએ એવું કહીને કોંગ્રેસ સાથે ચૂંટણી પહેલા જ છેડો ફાડી નાખ્યો કે કોંગ્રેસમાં અવગણના થાય છે. કોંગ્રેસની નેતાગીરીને ભાંડીને પક્ષ છોડી અન્ય પક્ષની રચના કરી, પાછું તે મુકીને બીજા એક પક્ષની રચના કરી. હવે તેઓ નડિયાદમાં એક કાર્યક્રમ દરમિયાન કહે છે કે, કોંગ્રેસને ખરેખર ભાજપને કાઢવામાં ખરેખર રસ હોય, તો મને કહેજો. તે વાત મેં રાહુલ ગાંધીને કરી છે.
તેમણે કહ્યું કે, મેં કોંગ્રેસને કહેવડાવ્યું છે કે ભાજપ સામે લડવાનું છે. દાતણ ચપ્પાથી કપાય પણ થડીયું હોય તો ચપ્પાથી ના કપાય. એ ભાજપ સામે ચપ્પુથી ના મથાય, આજે જ લડવું પડે, મહેનત કરવાની છે. એ મેં રાહુલ ગાંધીને કહેવડાવ્યું છે. કે જો તમને ખરેખર ભાજપને કાઢવામાં રસ હોય તો, હું ડિઝાઈન જે કરું પાર્ટીની એ તમારી તૈયારી હોય તો મને કહેજો. મારે કશું જોઈતું નથી, મારે ટિકિટ નથી લેવી, તમારે જેને મુખ્યમંત્રી બનાવવો હોય તેને બનાવજો.
તેમણે કહ્યું કે, બ્રાન્ડેડ માણસો, કે જેની સમાજમાં આબરું હોય એ જે બાજુ હોય, એ કોઈ પણ સમાજ હોય તે બાજુ લોકો જતા હોય છે. આપણે ખાલી વિધિ કરવાની નથી. સમાજમાં રેપ્યુટેશન જેની હોય. ખેડા જિલ્લો તમને ખબર છે, જુના જે પટેલો ખાદી વાળા, કોંગ્રેસ વાળા, બધા આબરુ વાળા, બધા સુખી માણસો. આબરુ વાળા માણસો. જેમના પરિવારની પ્રતિષ્ઠા છે. એ કહે તેમ લોકો જાય. પીને ટલ્લી થઈને પડ્યા હોય, એવા કહે તેમ કોઈ ના જાય. બાવળિયા નીચે પડેલા હોય અને કહે કે આમ કરો, તો કોઈ ના માને. પટેલ હોય તો પણ લોકો માને કે આ સાચુ કહે છે.








