નવજીવન ન્યૂઝ, રાજકોટ : આગામી જાન્યુઆરી 2027માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે દશાબ્દી મહોત્સવ 2027નું આયોજન કરવામાં આવ્યું છે. દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે આજે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે સર્વ સમાજને આમંત્રણ આપવા માટે માતાજીના ત્રણ રથને રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું છે. આ પ્રસંગે નરેશ પટેલે નિવૃત્તિના સંકેત આપ્યા (Khodaldham Chairman Naresh Patel hints at retirement) છે. વર્ષ 2027માં તેઓ નિવૃત્તિ લઈ શકે છે તેવા સંકેત સાથે જણાવ્યું હતું કે, અમારી ટીમ હવે સક્ષમ થઈ ગઈ છે હું આરામ કરવા માગુ છું અને મારી જગ્યાએ ક્યારેય પણ મારા પરિવારમાંથી કોઈ નહીં આવે એની ખાતરી આપું છું. અત્રે ઉલ્લેખનીય છે કે, ખોડલધામમાં થોડાક સમય પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની પુત્રી અનાર પટેલની એન્ટ્રી થઈ છે. આગામી સમયમાં નરેશ પટેલની નિવૃત્તિ બાદ અનાર પટેલ ખોડલધામ (Anar Patel Khodaldham) ની જવાબદારી સંભાળે તો નવાઈ પામવા જેવું કંઈ નથી.
ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી તારીખ 19, 20 અને 21 જાન્યુઆરી 2027ના રોજ દશાબ્દી મહોત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવશે. ખોડલધામ ટ્રસ્ટ કોઈ આમંત્રણ પત્રિકા ક્યારેય છપાવતું નથી, પરંતુ ખુદ માતાજી સાક્ષાત આમંત્રણ આપવા ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચે છે માટે આ વખતે અલગ અલગ ત્રણ ઝોનમાં માતાજીનો રથ ફરી સર્વ સમાજને દશાબ્દી મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવશે. આજે માતાજીના આ ત્રણેય રથનું પ્રસ્થાન રાજકોટ ખાતેથી કરાવવામાં આવ્યું હતું.








