Tuesday, May 12, 2026
HomeNationalNEET UG 2026 પેપર લીક મામલે કડક કાયદો શું કહે છે? દોષિતોને...

NEET UG 2026 પેપર લીક મામલે કડક કાયદો શું કહે છે? દોષિતોને કેટલી સજા થઈ શકે, જાણો સંપૂર્ણ માહિતી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 ફરી એકવાર વિવાદમાં આવી છે. 3 મે 2026ના રોજ યોજાયેલી પરીક્ષા પેપર લીક, ગેરરીતિ અને પરીક્ષામાં ધાંધલીના ઇનપુટ્સ સામે આવતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા રદ કરી દીધી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે CBI તપાસના આદેશ પણ આપ્યા છે. આ નિર્ણયથી દેશભરના અંદાજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત બન્યા છે. વિદ્યાર્થીઓની મહીનાઓની તૈયારી, કોચિંગ અને મહેનત વચ્ચે હવે ફરી પરીક્ષાની રાહ જોવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. NTAના મહાનિદેશક અભિષેક સિંહના જણાવ્યા મુજબ CBI તપાસની પ્રાથમિક વિગતો આવ્યા બાદ જ ફરી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ફરીથી ફોર્મ ભરવાની જરૂર નહીં પડે.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર દેશની પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કર્યા છે. સતત પેપર લીકના બનાવો સામે આવતા સરકારે 2024માં એક કડક કાયદો અમલમાં મૂક્યો હતો, જેને ‘જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) અધિનિયમ, 2024’ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદાનો મુખ્ય હેતુ પેપર લીક, સંગઠિત નકલ મફિયા અને પરીક્ષા ગેરરીતિઓ પર કડક નિયંત્રણ લાવવાનો છે.

- Advertisement -

છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે ભરતી, શિક્ષક ભરતી, પોલીસ ભરતી, NEET, NET સહિતની અનેક પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિના આરોપો સામે આવ્યા હતા. અનેક કેસોમાં સંગઠિત ગેંગ કરોડો રૂપિયામાં પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા હોવાનું બહાર આવ્યું હતું. ક્યાંક પરીક્ષા કેન્દ્રોની સાંઠગાંઠ તો ક્યાંક OMR શીટમાં ચેડાં અને સર્વર હેકિંગ જેવા ગંભીર મુદ્દાઓ પણ સામે આવ્યા હતા. આવી પરિસ્થિતિ બાદ સરકારે કડક કાનૂની જોગવાઈઓ લાવવાનો નિર્ણય કર્યો હતો.

આ કાયદો દેશની મોટી કેન્દ્રિય પરીક્ષાઓ પર લાગુ પડે છે. તેમાં UPSC, SSC, રેલવે ભરતી, બેન્કિંગ પરીક્ષાઓ, NEET, JEE, CUET, NET અને કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત અન્ય જાહેર પરીક્ષાઓનો સમાવેશ થાય છે.

કાયદા મુજબ પરીક્ષા શરૂ થાય તે પહેલાં પ્રશ્નપત્ર અથવા આન્સર કી લીક કરવી ગંભીર ગુનો છે. માત્ર લીક કરનાર જ નહીં પરંતુ લીક કરાવવામાં મદદ કરનાર વ્યક્તિ પણ ગુનેગાર ગણાશે. પરીક્ષા બાદ OMR શીટમાં ચેડાં કરવી, ગુણ વધારવા માટે ડેટામાં ફેરફાર કરવો અથવા ઉત્તરપત્રિકામાં ગેરરીતિ કરવી પણ દંડનીય ગુનો છે.

- Advertisement -

જો કોઈ ઉમેદવારની જગ્યાએ અન્ય વ્યક્તિ પરીક્ષા આપે અથવા બહારથી જવાબ પહોંચાડવાની ગેરરીતિ કરવામાં આવે તો તે પણ આ કાયદાના દાયરામાં આવે છે. ફેક વેબસાઈટ બનાવી વિદ્યાર્થીઓને છેતરવા, નકલી પરીક્ષા પોર્ટલ તૈયાર કરવું અથવા કમ્પ્યુટર સિસ્ટમ હેક કરવી જેવી સાઇબર ગેરરીતિઓને પણ કડક ગુનામાં ગણવામાં આવી છે.

સંગઠિત નકલ ગેંગ સામે આ કાયદામાં સૌથી કડક જોગવાઈઓ છે. જો કોઈ ગેંગ અથવા સિન્ડિકેટ મળીને પરીક્ષામાં ધાંધલી કરે તો તેને સંગઠિત ગુનો ગણવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર, ટેક્નિકલ કંપની અથવા સર્વિસ પ્રોવાઈડરની સંડોવણી સામે આવે તો તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થઈ શકે છે. પરીક્ષાથી જોડાયેલી ગોપનીય માહિતી ફાયદા માટે શેર કરવી, પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો કરવો અથવા સુરક્ષા ધોરણોનો ભંગ કરવો પણ ગુનો ગણાશે.

સજાની વાત કરીએ તો, સામાન્ય રીતે પેપર લીક, OMRમાં ચેડાં અથવા ગેરરીતિમાં દોષિત સાબિત થનારને ઓછામાં ઓછી 3 વર્ષની જેલ અને વધુમાં વધુ 5 વર્ષની સજા થઈ શકે છે. સાથે 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. જો સંગઠિત ગેંગ સંડોવાયેલી હોય તો 5થી 10 વર્ષની જેલ અને ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે.

- Advertisement -

જો પરીક્ષા યોજનારી કંપની અથવા એજન્સી દોષિત સાબિત થાય તો 1 કરોડ રૂપિયા સુધીનો દંડ, 4 વર્ષ સુધી પરીક્ષા યોજવા પર પ્રતિબંધ અને પરીક્ષાનો સંપૂર્ણ ખર્ચ વસૂલવાની જોગવાઈ છે. કંપનીના ડિરેક્ટર, મેનેજર અથવા અધિકારી સંડોવાયેલા હોય તો તેમને 3થી 10 વર્ષની જેલ થઈ શકે છે. ગંભીર કેસોમાં સંપત્તિ જપ્ત કરવાની પણ જોગવાઈ છે.

આ કાયદા હેઠળ નોંધાતા ગુનાઓ સંજ્ઞેય અને બિનજામીનપાત્ર છે. એટલે પોલીસ વોરંટ વિના ધરપકડ કરી શકે છે અને સહેલાઈથી જામીન મળતા નથી. સામાન્ય વિદ્યાર્થીઓ માટે અલગ પરિસ્થિતિ હોઈ શકે છે, પરંતુ જો કોઈ વિદ્યાર્થી જાણપૂર્વક પેપર લીક ગેંગ સાથે સંકળાયેલો હોય, પૈસા આપી પ્રશ્નપત્ર ખરીદે અથવા સંગઠિત ગેરરીતિનો ભાગ બને તો તેના વિરુદ્ધ પણ આ જ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

હાલ દેશભરના વિદ્યાર્થીઓની નજર NEET UG 2026ની નવી પરીક્ષા તારીખ પર ટકેલી છે. હવે CBI તપાસ શું બહાર લાવે છે અને પેપર લીક પાછળ કોણ છે તે જોવાનું રહેશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular