નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં આગામી કેટલાક દિવસો દરમિયાન ગરમીનો કહેર વધુ વધી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હીટવેવની ગંભીર ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માથું ફાડી નાખે તેવી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાત, દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સક્રિય બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 11થી 14 મે દરમિયાન ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. શહેરમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે અને તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. રવિવારે સવારે 11 વાગ્યે જ અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને બપોરે 1 વાગ્યા સુધીમાં પારો 43 ડિગ્રીને પાર ગયો હતો.
તાજેતરમાં કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ઘણું વધારે માનવામાં આવે છે. સુરત, પોરબંદર, કેશોદ અને કંડલા જેવા વિસ્તારોમાં હાલ હીટવેવની સ્થિતિ યથાવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન અંગેના અનુમાન મુજબ અમદાવાદ, ગાંધીનગર અને ભુજમાં 43 ડિગ્રી, અમરેલી, વડોદરા અને રાજકોટમાં 44 ડિગ્રી, સુરત અને ભાવનગરમાં 42 ડિગ્રી, દાહોદમાં 41 ડિગ્રી અને પોરબંદરમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર 11થી 17 મે દરમિયાન સમગ્ર ગુજરાતમાં મુખ્યત્વે શુષ્ક હવામાન રહેશે. આગામી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ ઘટાડો નહીં થાય, જોકે ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેની ઝડપ 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. ઉપરાંત 13 મેએ અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય બનતા 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં ગરમી વધુ વધવાનું મુખ્ય કારણ એકસાથે સક્રિય થયેલી ચાર હવામાન સિસ્ટમ માનવામાં આવી રહી છે. હવામાન વિશેષજ્ઞ એ. ટી. દેસાઈના જણાવ્યા મુજબ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફથી આવતા ગરમ અને સૂકા પવન, એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશન, પવનની ઓછી ગતિ અને અર્બન હીટ આઈલેન્ડની અસરને કારણે શહેરમાં અગનભઠ્ઠી જેવી ગરમી અનુભવાઈ રહી છે.
શહેરના અનેક વિસ્તારોને હીટ હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. લાંભા, નારોલ, પીરાણા, વસ્ત્રાલ, રામોલ, સરદારનગર અને ગોતા સહિતના વિસ્તારોમાં અન્ય વિસ્તારો કરતાં 2થી 3 ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, ચાંદખેડા, મકતમપુરા, અસલાલી અને લાંભાના કેટલાક વિસ્તારો છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત સૌથી વધુ ગરમ રહ્યા હોવાનું મ્યુનિસિપલ એજન્સીના મેપિંગમાં સામે આવ્યું છે.
અર્બન હીટ આઈલેન્ડની અસરને કારણે શહેરમાં કોંક્રીટના રસ્તા, ઊંચી ઇમારતો, વાહનો અને એસીના ઉત્સર્જનથી ગરમી ઝડપથી ઓછી થતી નથી. પરિણામે રાત્રિના સમયે પણ બફારો અને ગરમી યથાવત રહે છે.
IMD અનુસાર મેદાની વિસ્તારોમાં 40 ડિગ્રીથી વધુ, દરિયાકાંઠાના વિસ્તારોમાં 37 ડિગ્રીથી વધુ અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રીથી વધુ તાપમાન રહે ત્યારે હીટવેવ ગણવામાં આવે છે. જો તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી વધુ હોય તો હીટવેવ અને 6.4 ડિગ્રીથી વધુ હોય તો સિવિયર હીટવેવ ગણાય છે.








