નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્ક બ્રિજની નીચે એક આધેડ વ્યક્તિની હત્યા (Murder in Ahmedabad City) કરવાના મામલામાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. આનંદનગર પોલીસ (Anandnagar Police) તેમજ ઝોન-7 ડીસીપી સ્કવૉડે સેટેલાઈટ રાજીવનગર ખાતે રહેતા ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. દંપતી વચ્ચે છેલ્લાં છ મહિનાથી ચાલી રહેલાં ખટરાગને લઈને પુત્રવધૂના સંબંધી સહિતના આરોપીઓએ ચાર દિવસ અગાઉ વેવાઈને પાઈપ અને લાકડીઓના ફટકા મારી પતાવી દીધા હતા. અત્રે નોંધનીય છે કે, જીવલેણ હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા નટુભાઈ આલાભાઈ પરમારના બે દીકરા પૈકી કૌશિક પરમાર (ઉ. 25) ના ચાર વર્ષ અગાઉ લગ્ન થયા હતા. છેલ્લાં છએક મહિનાથી કૌશિક પરમારના દાંપત્ય જીવનમાં ખટરાગ ચાલતો હતો. કૌશિકની પત્ની તબિયત સારી નહીં હોવાનું કહીને પિયર ચાલી ગઈ હતી. કૌશિક પરમાર તેમની પત્નીને મળવા ગયા ત્યારે સાસરી પક્ષવાળા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને કૌશિકના પિતા નટુભાઈ પરમાર (ઉ. 52) ઉપર ચારેક શખસોએ ગત શનિવારની રાતે સેટેલાઈટ રાજીવનગર પાસે લાકડી-પાઈપના ઉપરાછાપરી 36 ફટકા મારી હત્યા કરી હતી. આ મામલે આનંદનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) કૌશિકની પત્નીના કૌટુંબિક મામા હસમુખ ખુશાલજી વાઘેલા-વણકર (ઉ.34), કાંતિ વાણા ઉર્ફે કનુ (ઉ.46) અને ભાવેશ પરમાર (ઉ.36 ત્રણેય રહે. રાજીવનગર, સેટેલાઈટ, અમદાવાદ) ની હત્યા કેસમાં ધરપકડ કરી છે.








