નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : દેશમાં ડિજિટલ વસતી ગણતરી (Digital Census in India) નો આરંભ થઈ ગયો છે અને ગુજરાતમાં આગામી મહિનાથી પ્રારંભ થશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local body elections Gujarat) ને લઈને 16મી વસતી ગણતરીની કામગીરી બે મહિના પાછળ ધકેલાઈ છે. બે તબક્કામાં યોજાનારી વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં દરેક ઘરની માહિતી એકઠી કરાશે. ગણતરી માટે કર્મચારી દરેક પરિવારને 33 સવાલો પૂછશે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2011માં વસતિ ગણતરી થયા બાદ વર્ષ 2021માં થવાની હતી. જો કે, કોરોના મહામારીના કારણે મુલતવી (Census postponed due to Corona pandemic) રહી હતી.
હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે અગાઉ નાગરિકને પોતાની માહિતી જાતે નોંધાવવાની તક આપવામાં આવશે. બંને તબક્કામાં સ્વ-ગણતરી (Self Enumeration) ની ઓનલાઈન સુવિધા પણ પ્રથમ વખત આપવામાં આવી છે. સેલ્ફ-એન્યુમરેશન એક વેબ પોર્ટલ દ્વારા થશે, જેમાં લોકો ઘરે-ઘરે સર્વેક્ષણના 15 દિવસ પહેલા પોતાની માહિતી જાતે ઓનલાઈન ભરી શકશે. પોર્ટલ પર ફોર્મ ભરવા માટે 16 ભાષાઓ આપવામાં આવી છે. આ સંપૂર્ણપણે વૈકલ્પિક છે. જે લોકો સ્વ-ગણતરી નહીં કરે, તેઓ પરંપરાગત રીતે સરકારી કર્મચારી ઘરે આવે ત્યારે ડેટા આપી શકે છે. જેમણે ઑનલાઈન ફોર્મ ભર્યું છે તેમનો ડેટા ચકાસવા માટે પણ સરકારી કર્મચારી તેમના ઘરે જશે.








