નવજીવન ન્યૂઝ, અમદાવાદ : જનરક્ષક નામના વાહનો વાસ્તવમાં પ્રજાની સુરક્ષા માટે ફાળવવામાં આવ્યા છે, પરંતુ અમદાવાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ પોલીસની મીલીભગત (Ahmedabad Police exposed in viral video) ઉઘાડી પાડી છે. 112 જનરક્ષક બોલેરોના બોનેટ પર બેસીને એક શખસ ‘તું ખીંચ મેરી ફોટો ગીત’ પર ફોટોસેશન કરાવતો નજરે પડે છે. આસમા મણીયાર નામના શખસની પ્રોફાઈલના આધારે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે (Riverfront East Police) તપાસ શરૂ કરી વીડિયોમાં દેખાતા શખસ સુધી પહોંચવા પ્રયાસ શરૂ કર્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં 112 જનરક્ષક (112 Janarakshak video goes viral) રિવરફ્રન્ટ પર પાર્ક કરેલી દેખાય છે. ઇસ્ટ રિવરફ્રન્ટ પર આ વીડિયો બનાવવામાં આવ્યો છે. વીડિયો બનાવતી વખતે જનરક્ષકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અથવા કૉન્ટ્રાક્ટ પર રહેલા ડ્રાઈવરે પોલીસ વાનનો રજિસ્ટ્રેશન નંબર ના દેખાય તેની પૂરેપૂરી કાળજી રાખી છે. આ વીડિયો ક્યારે અને કોણે બનાવ્યો છે તેની જાણકારી મેળવવા રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ તપાસ શરૂ કરી છે. વીડિયોમાં દેખાતા શખસની પોલીસે ઓળખ મેળવી લીધી છે.








