કિરણ કાપૂરે – નવજીવન ન્યૂઝ, અમદાવાદ : દેશની એક સમયની પ્રતિષ્ઠિત ચેનલ ‘ન્યૂ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ’(New Delhi Television Limited) ની સ્થાપના જાણીતા પત્રકાર અને અર્થશાસ્ત્રી પ્રણવ રૉય (Pranav Roy) અને પત્રકાર રાધિકા રૉયે (Radhika Roy) કરી હતી. મૂળે આ ચેનલ સ્થપાઈ હતી 1984માં; તે પછી ન્યૂઝ ચેનલનો યુગ શરૂ થયો અને તેમાં ‘આજ તક’, ‘ઝી ન્યૂઝ’ જેવી ચેનલોની વચ્ચે ‘એનડીટીવી’ વર્ષોથી તટસ્થ રીતે ન્યૂઝનું પ્રસારણ કરતું રહ્યું. એવું નથી કે ‘એનડીટીવી’ બેદાગ રહ્યું; પણ અન્ય ચેનલોની મુકાબલે તેનું રિપોર્ટિંગ અને અહેવાલ તટસ્થ અને જોવાલાયક રહેતા. હવે આ ‘એનડીટીવી’ અદાણી ગ્રૂપ (NDTV Adani Group) ના હસ્તક થઈ ચૂક્યું છે અને તેનો સ્ટાફ વેરવિખેર થઈ ચૂક્યો છે. ઉપરાંત તેના સ્થાપક પ્રણવ રૉય પણ 2024થી તેઓ પોતાની જ યૂટ્યુબ ન્યૂઝ ચેનલ ‘ડિકોડર’ (DeKoder) પર દેખાતા હતા, જોકે હવે જે રીતે તેમણે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કવરેજ કર્યું છે તે રીતે તેમની ફરી ન્યૂઝ જગતમાં એન્ટ્રી થઈ છે. 76 વર્ષના પ્રણવ રૉય હાલમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને આસામમાં થઈ રહેલા વિધાનસભાની ચૂંટણીના ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા જોવા મળ્યા. તેમણે પોતાનું ‘ડિકોડર’નામનું સાહસ શરૂ કર્યું છે. તેમની આ ચેનલ થકી રજૂ થયેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ ચારેય રાજ્યોની સ્થિતિનો અંદાજ કાઢી શકાય એમ છે. તેમની ચેનલમાં યૂટ્યુબ સબસ્ક્રાઇબર્સની સંખ્યા હજુ તો કોઈ ગુજરાતી ન્યૂઝ યૂટ્યુબર્સ જેટલી પણ થઈ નથી, તેમ છતાં પ્રણવ રૉયના ગ્રાઉન્ડ રિપોર્ટિંગનું સૌકોઈના ધ્યાને આવે એવું રહ્યું છે.
આપણા દેશમાં ન્યૂઝ ચેનલનો ઉભાર થયો અને તેમાં જે ચર્ચિત નામો રહ્યા તેમાંનું એક નામ પ્રણવ રૉયનું રહ્યું છે. તેમણે ખૂબ ઝડપથી એ પારખી લીધું કે દેશમાં ઉદારીકરણ સાથે સાથે ન્યૂઝ ચેનલનો યુગ આવશે અને ત્યારે ન્યૂઝ ચેનલના પ્લેટફોર્મને અવસર રહેશે. તેથી જ દેશમાં ‘એનડીટીવી’ પ્રથમ સ્વતંત્ર રીતે ચાલતું ન્યૂઝ નેટવર્ક બન્યું હતું. જોકે તે વખતે પૂરા દિવસની ન્યૂઝ ચેનલનું પ્રસારણ કરવાની ભાગીદારી ‘સ્ટાર ઇન્ડિયા’ સાથે પ્રણવ રૉયે કરી હતી. તે સમયગાળો 1998નો હતો. સ્વાભાવિક છે કે ‘એનડીટીવી’ની શરૂઆત જો દેશમાં પહેલીવહેલી હોય તો તેનું કદ કેટલું વધ્યું હશે. આજે પણ મહદંશે જે ચહેરા ન્યૂઝ ટેલિવિઝનમાં ચમકી રહ્યા છે તેમની માતૃસંસ્થા ‘એનડીટીવી’ રહી છે. તે નોંધપાત્ર નામોમાં પંકજ પચૌરી (Pankaj Pachauri), વિનોદ દુઆ (Vinod Dua), રવિશ કુમાર (Ravish Kumar), બરખા દત્ત (Barkha Dutt), રાજદિપ સરદેસાઈ (Rajdeep Sardesai), પુણ્ય પ્રસૂન વાજપેયી (Punya Prasoon Vajpayee), અર્ણબ ગોસ્વામી (Arnab Goswami), વિક્રમ ચંદ્રા (Vikram Chandra) અને નિધી રાજદાન (Nidhi Razdan) જેવા નામો છે. ‘એનડીટીવી’માં એ રીતે દેશભરનું પ્રતિનિધિત્વ જોવા મળતું હતું. ‘એનડીટીવી’ આ રીતે વિસ્તર્યું અને તેમાં નોંધપાત્ર પત્રકારત્વ થયું તેનું એક મહત્ત્વનું કારણ પ્રણવ રૉય હતા. તેઓ પોતે પત્રકાર હતા અને તેથી પણ તેમની અંતર્ગત કાર્ય કરનારા પત્રકારોને સ્વતંત્ર્ય-તટસ્થ પત્રકારત્વ કરવાનો અવસર મળ્યો.
આજે જ્યારે મીડિયામાં તામઝામ વધી ચૂક્યા છે. મોટાં મોટાં સ્ટુડિયો એ ન્યૂઝ ટેલિવિઝનની પાયાની જરૂરિયાત બની ચૂક્યા છે – તે વખતમાં એક સમયના જાયન્ટ ન્યૂઝ ચેનલના સ્થાપક હવે એક યૂટ્યુબ ચેનલ પર પોતાનું પત્રકારત્વ કરી રહ્યા છે. તેમની પાસે ન તો કોઈ મોટી ટીમ છે, ન કોઈ હાલના મીડિયા જેવી ઝાકમઝોળ. તેમ છતાં તેમની રજૂઆત લોકોને સ્પર્શી રહી છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ‘ડિકોડર’ ચેનલનું મહદંશે પ્રસારણ અંગ્રેજી ભાષામાં થાય છે. પરંતુ હવે અંગ્રેજી ન્યૂઝ ચેનલ પણ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ મર્યાદિત સમય માટે કરી રહી છે ત્યારે પ્રણવ રૉયનું સાહસ અગત્યનું બની રહ્યું છે.
મીડિયામાં આજે અફરાતફરી છે. ઘણાં કિસ્સામાં તો રિપોર્ટિંગમાં સ્પષ્ટ ચિત્ર ઉપસતું નથી. વિશેષ કરીને તો જ્યારે ચૂંટણી હોય છે ત્યારે તો ગ્રાઉન્ડ પર શું થાય છે તે અંગે મીડિયા પણ કોઈ સ્પષ્ટ વાત કરતું નથી. આવા માહોલમાં પ્રણવ રૉય જેવા પત્રકારોની ભૂમિકા અગત્યની બને છે. તેઓ ચૂંટણી એનાલિસિસના નિષ્ણાત છે. આ અંગે તેમનું એક પુસ્તક જાણીતું છે. તેમણે અને દોરાબ સોપારીવાલાએ ‘ધ વર્ડિક્ટ : ડિકોડિંગ ઇન્ડિયાઝ ઇલેક્શન્સ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે દેશની ચૂંટણી વિશેના પોતાના અનુભવ આધારીત નિરીક્ષણોને નોંધ્યા છે. ન્યૂઝ ચેનલની દુનિયામાં જ્યારે ચૂંટણીઓનું ઝીણવટથી વિશ્લેષણ કરવાની શરૂઆત થઈ તો તેમાં પ્રણવ રૉય પણ ઉભરી આવ્યા હતા. દેશના દરેક હિસ્સાનું ચૂંટણી દરમિયાન આંકડાકીય ચિત્ર આપવું તે તેમના કાર્યક્રમનો મહત્ત્વનો હિસ્સો હતો. ચૂંટણીના પરિણામ આવે અને તે વખતે રસપ્રદ ચર્ચા થાય, મતદાતાએ શું વિચારીને મત કર્યો છે, કેમ કોઈ પક્ષ ન ચાલ્યો કે કેમ કોઈ પક્ષ ચાલ્યો તેની સટિક ચર્ચા ‘એનડીટીવી’માં પ્રણવ રૉય સહિત ટીમ કરતી અને તેમાં તથ્યો પણ મૂકતી.
એકવીસમી સદીની શરૂઆતથી જ અનેક ન્યૂઝ ચેનલો દેશના માર્કેટમાં આવી અને તેમાં ‘NDTV’ સહિત ‘Aajtak’ કે ‘Zee News’ને ટક્કર મળી, તેમ છતાં ‘એનડીટીવી’નો એક ચેનલ તરીકેનો વ્યાપ વિસ્તરતો ગયો. 2005 સુધીમાં ‘એનડીટીવી’ની દેશભરમાં 19 જેટલી ઑફિસ થઈ ચૂકી હતી. ‘એનડીટીવી’નો વ્યાપ પછી પણ વિસ્તરતો ગયો અને અલગ-અલગ સેક્ટરમાં પણ ‘એનડીટીવી’ પ્રવેશ્યું. 2007માં ‘એનડીટીવી’ ગૂડ ટાઇમ્સ નામે ચેનલ શરૂ કરવામાં આવી. ‘ધ હિંદુ’ જેવા જાણીતા અખબાર સાથે તેની ભાગીદારી સુધ્ધા થઈ. ‘એનડીટીવી’ અનેક અડચણો સાથે પણ આમ આગળ વધતું ગયું. એવુંય નથી કે ‘એનડીટીવી’નો કારભાર વધ્યો તેમ છતાં તેના પર કોઈ ડાઘ ન લાગ્યો. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે કોર્પોરેટ ઉદ્યોગગૃહ માટે સરકારમાં લોબિંઇંગ કરતા નીરા રાડિયાની ટેપ બહાર આવી ત્યારે તેમાં નીરા રાડિયા સાથે વાત કરનારાઓમાં ‘એનડીટીવી’ના પત્રકાર બરખા દત્ત પણ હતાં. એ ટેપમાં એવી અનેક વિગતોના ખુલાસા થયા હતા કે ‘એનડીટીવી’માં કોનું રોકાણ છે અને તે રોકાણ કેવી રીતે આવી રહ્યું છે.
સ્વાભાવિક છે કે ‘એનડીટીવી’ના વ્યાપથી પ્રણવ રૉયનું પણ કદ વધ્યું હોય. અને તેથી જ 2013માં ‘એનડીટીવી’ના 25 વર્ષ સ્થાપનાની ઉજવણી વેળાએ રાષ્ટ્રપતિ ભવન ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તે વખતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી હતા. આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં કેવી રીતે થઈ શકે તે અંગે પણ સવાલો ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં દેશની 25 હસ્તીઓને સન્માનિત કરવામાં આવી હતી. અને તે સન્માન આપનારા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી હતા. દુનિયાભરના અલગ-અલગ ક્ષેત્રના ભારતીય હસ્તીઓને તેમાં સન્માનવામાં આવી હતી. તે હસ્તીઓના નામ વાંચીને ખ્યાલ આવી શકે કે ‘એનડીટીવી’નું કદ તે વખતે શું હોઈ શકે. તેમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, શાહરૂખ ખાન, એ. આર. રહેમાન, રતન તાતા, મુકેશ અંબાણી, નારાયણ મૂર્તિ, એમ. એસ. સ્વામિનાથન, ઝુબિન મહેતા, વિક્રમ શેઠ અને ફલી નરીમાન જેવી ખ્યાતનામ હસ્તીઓ સામેલ થઈ હતી.
‘એનડીટીવી’ અને પ્રણવ રૉયનો આ શ્રેષ્ઠ સમય હતો અને તે પછી 2014માં વર્તમાન સરકાર શાસનમાં આવી અને તે પછી ‘એનડીટીવી’ પર વિવિધ પ્રકારના અંકુશ લાગતા ગયા. 2015માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટૉરેટ (Enforcement Directorate) દ્વારા ચેનલ પર વિદેશી ભંડોળ મેળવવા નિયમોના ઉલ્લંઘનની નોટિસ આવી. તે પછી 2016માં ‘એનડીટીવી’ હિંદી પર રાષ્ટ્રીય સુરક્ષાના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો. જોકે તે પછી તે પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો. 2017માં ‘એનડીટીવી’ પર આઇસીઆઇસી બેન્ક સાથે ગેરરીતિ બદલ ‘સીબીઆઈ’ દ્વારા પગલાં લેવાયા. પ્રણવ રૉયના ઘરે પણ દરોડા પડ્યા. થોડા સમય પછી ‘આઇસીઆઇસી’ બેન્ક વતી થયેલી આ ફરિયાદમાં કંપનીની કોઈ સંડોવણી બહાર ન આવી. આખરે 2024માં ‘એનડીટીવી’ અને તેની સાથે જોડાયેલી અન્ય કંપનીઓને અદાણી ગ્રૂપે ટેકઓવર કરી લીધી. આ રીતે ટેલિવિઝન ન્યૂઝ ચેનલનો એક યુગ પૂરો થયો. આજે ‘એનડીટીવી’ બદલાઈ ચૂક્યું છે અને હાલમાં તો તે નવા રંગરૂપ સાથે ફરી આવી રહ્યું છે. ‘એનડીટીવી’ જાયન્ટ બન્યું છે અને તેની માલિકી હવે અદાણી ગ્રૂપ જેવાં ઉદ્યોગગૃહ પાસે છે. પરંતુ તેની સામે ‘એનડીટીવી’ના સ્થાપક પ્રણવ રૉય ગ્રાઉન્ડ રિપોર્ટિંગ (Pranav Roy Ground Reporting) કરી રહ્યા છે. બેશક, પ્રણવ રૉયની અસર હાલામાં ‘એનડીટીવી’ જેટલી ભલે ન હોય, પણ તેઓ તટસ્થ પત્રકારત્વ માટે આશા લઈને આવ્યા છે. તેમણે જેમ જે-તે વખતે પત્રકારત્વ કર્યું તેમ આ સમયમાં પણ કેવી રીતે પત્રકારત્વ થઈ શકે છે તે તેમને ગ્રાઉન્ડ પર જોઈને ખ્યાલ આવી શકે.








