નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ આવેલી હાઈરાઈઝ ઇમારતો અંગે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને સંબંધિત સત્તાધિકારીઓને આ ઇમારતોનો એરોનોટિકલ સર્વે કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ 6 ડેવલપર્સ દ્વારા કરવામાં આવેલી અરજીઓના સંદર્ભમાં આપવામાં આવ્યો છે.
આ ડેવલપર્સને નિર્ધારિત ઊંચાઈ કરતાં વધુ બાંધકામ કરવા અને વિમાનોની અવરજવર માટે જોખમ ઊભું કરવા બદલ ડિમોલિશનની નોટિસો આપવામાં આવી હતી. અરજી મુજબ માહિલ ઇન્ફ્રા, અબજીબાપા ઇન્ફ્રા, પ્રેયસ ઇન્ફ્રા, બાલાજી ડેવલપર્સ, કલશ ઇન્ફ્રા અને પાર્થ ડેવલપર્સ દ્વારા હંસપુરા, નરોડા, નાના ચિલોડા અને આસપાસના વિસ્તારોમાં જરૂરી અનુમતિ મેળવ્યા બાદ બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ડેવલપર્સે તમામ સત્તાધિકારીઓ પાસેથી NOC મેળવી મહત્તમ 102.7 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા ટાવર્સ બનાવ્યા હોવાનું જણાવ્યું છે.
સત્તાધિકારીઓએ દાવો કર્યો હતો કે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ બાંધકામ કરવામાં આવ્યું છે, જેથી તેને દૂર કરવું જોઈએ. વર્ષ 2024માં દાખલ થયેલી અરજીઓમાં બિલ્ડરોએ આ ડિમોલિશન નોટિસોને પડકારતા એરોનોટિકલ સ્ટડી કરવાની માંગ કરી હતી. તેઓનો દાવો હતો કે બાંધકામ મ્યુનિસિપલ પરવાનગી મુજબ જ છે અને ઊંચાઈમાં તફાવત જમીનની એલિવેશનને કારણે છે, ગેરકાયદેસર બાંધકામને કારણે નહીં.
બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દલીલ કરી હતી કે બિલ્ડરોએ મૂળ NOCનો ભંગ કર્યો છે અને જ્યાં સુધી વધારાનું બાંધકામ દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ નવી મંજૂરી અથવા એરોનોટિકલ સ્ટડી પર વિચાર કરી શકાય નહીં.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે સત્તાધિકારીઓ દ્વારા પહેલા બાંધકામ તોડી પાડવાની શરત મૂકવી અયોગ્ય છે. તેથી કોર્ટએ એરોનોટિકલ સર્વે કરવાનો આદેશ આપ્યો છે અને તેનો ખર્ચ ડેવલપર્સ દ્વારા ભરવાનો રહેશે.
કોર્ટે આ પણ નોંધ્યું કે સમાન પ્રોજેક્ટ્સને સુધારેલી ઊંચાઈ માટે મંજૂરી આપવામાં આવી હોય ત્યારે આ કેસમાં ડિમોલિશનનો આગ્રહ તર્કસંગત નથી. તેથી ડેવલપર્સને આપવામાં આવેલી ડિમોલિશન નોટિસો રદ કરવામાં આવી છે. જોકે, કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે સર્વે પૂર્ણ થયા બાદ જો વધારાનું બાંધકામ જણાશે, તો સત્તાધિકારીઓ તેને દૂર કરવાનો આદેશ આપી શકશે.








