નવજીવન ન્યૂઝ,અમદાવાદ : Ahmedabad Crime Branch એ વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં બંધ પડેલા મકાનમાં JCB થી તોડફોડ કર્યા બાદ 20 ફૂટ ઊંડા ખાળકૂવામાંથી એક માનવ કંકાલ શોધી કાઢી ત્રણ દસકા જૂના હત્યા કેસનો ભેદ ઉકેલ્યો છે. કુતુબનગરના એક મકાનમાં ભૂત છે અને તેની વર્ષો પહેલાં હત્યા થઈ હતી તેવી વાત ક્રાઈમ બ્રાંચના એક કૉન્સ્ટેબલને મળતા સક્રિય થયેલી પોલીસ ટીમને હાથ લાગે છે મહત્વના પુરાવા. હત્યાની આ ઘટના એક ફિલ્મી સ્ટોરીથી (Murder incident is like a movie story) કમ નથી.
કુતુબનગરના એક મકાનમાં છેલ્લાં સાતેક વર્ષથી કોઈ રહેતું નહોતું, કારણ કે મૃતકનો આત્મા પરેશાન કરે છે. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ ગુરૂવારે સવારે વટવાના કુતુબનગર ખાતે JCB સાથે પહોંચી જાય છે અને માનવ અવશેષો શોધવા શરૂ થાય છે તોડફોડ. ભારે મહેનત બાદ ખાળકૂવામાંથી માનવકંકાલના અવશેષો હાથ લાગતા પોલીસને શંકા વધુ દ્રઢ બની જાય છે. પોલીસ તપાસમાં સામે આવે છે કે, મૃતકનું નામ ફરજાના છે અને તે ધોળકાની રહેવાસી છે. વર્ષ 1992માં સત્તરેક વર્ષની ફરજાનાના લગ્ન થાય છે, પરંતુ તે કોઈ કારણોસર પિતાના ઘરે પાછી આવી જાય છે અને દેહવ્યાપાર કરવા લાગે છે. ફરજાના સમસુદ્દીન નામના શખસ સાથે લગ્ન કરે છે, પરંતુ તેની પ્રવૃત્તિઓના કારણે તેને પતાવી દેવા માટે સમસુદ્દીન તેના ભાઈ ઈકબાલ, મિત્ર અબ્દુલકરીમ અને સાલીયાબીબી સાથે મળીને હત્યાનું કાવતરૂં રચી વટવા ખાતે લઈ જાય છે. સાલીયાબીબીના કુતુબનગર ખાતેના ઘરમાં ફરજાનાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેને 20 ફૂટ ઊંડા ખાળકૂવામાં ફેંકી દઈ તેના પર પ્લાસ્ટર કરી દે છે. પોલીસને આ ઘટનાને નજરે જોનારો એક સાક્ષી પણ મળી આવ્યો છે.
પોલીસને મળેલું માનવ કંકાલ ફરજાનાનું છે તે સાબિત કરવા DNA સેમપ્લ મેળવી તેના જીવિત ભાઈના ડીએનએ સાથે સરખાવવામાં આવશે. ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત પટેલ (Bharat Patel ACP)ના જણાવ્યાનુસાર, FSL અને DNA રિપોર્ટ મેચ થયા બાદ જ વિધિવત ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. આ કેસમાં મુખ્ય ચાર શકમંદ આરોપીઓ પૈકી બે આરોપીઓ સાલીયાબીબી અને અબ્દુલ કરીમ મૃત્યુ પામ્યા છે. જ્યારે સમસુદ્દીન અને ઈકબાલ જીવિત છે.








