નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કૉપૉરેશનની ચૂંટણીના મતદાન (Ahmedabad Municipal Corporation Elections) ટાણે કુબેરનગર વોર્ડમાં બોગસ મતદાનના આરોપો બાદ ભાજપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ સામ-સામે (Clashes between BJP and Congress) આવી ગયા હતા. ઉગ્ર બોલચાલ બાદ મારમારી થતાં કૉંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ભાજપ કાર્યકરને જોઈ લેવાની ધમકી આપી હતી. આ મામલે મેઘાણીનગર પોલીસે (Meghaninagar Police) નિકુલ તોમર સહિત ચાર શખસો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.

રવિવારે મતદાન દરમિયાન બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ બોગસ મતદાન થયું હોવાની ફરિયાદ કુબેરનગરના ભાજપ ઉમેદવાર ઉમેદસિંહ યાદવના ભાઈ સુરજસિંહને મળી હતી. તેમના વિસ્તારના કેટલાક લોકોનું મતદાન અગાઉથી જ કોઈએ કરી દીધું છે. બોગસ મતદાનની ખાતરી કરવા સુરજસિંહ વી.વી. તોમર સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કૉંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમર (Nikul Singh Tomar Congress) અને તેમના સમર્થકો હાજર હતા. વાતચીત ઉગ્ર થતાં મારામારી શરૂ થઈ ગઈ હતી. જેમાં સુરજસિંહને આંખના ભાગે ઈજા થઈ હતી. નિકુલસિંહ તોમરે આક્ષેપ કર્યો હતો કે, વી. વી. તોમર સ્કૂલમાં મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે ભાજપના ઉમેદવાર ગિરીવરસિંહ શેખાવત અને કલાબેનનો પુત્ર તેમજ અન્ય કેટલાક લોકો સ્કૂલમાં પહોંચીને બોગસ વોટિંગ કરાવતા હતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે બોલાચાલી કરી હતી. કલાબેનના પુત્રએ મારૂ ગળું પકડી લીધું હતું.








