નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા પોલીસના મૉટર ટ્રાન્સપોર્ટ વિભાગ (Motor Transport Department Junagadh Police) માં આગ લાગવાથી ભારે નુકસાન થયું છે. પોલીસ દ્વારા ગુનાના કામે જપ્ત કરાયેલા વાહનોને એમટી વિભાગમાં રાખવામાં આવ્યા હતા. રહસ્યમ રીતે લાગેલી આગની ઝપટમાં એક પછી એક એમ 18 જેટલાં વાહનો આવી જતાં ખાખ થઈ ગયા છે. આગની ઘટનાના પગલે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. જૂનાગઢ ફાયર બ્રિગેડ (Junagadh Fire Brigade) ની ટીમે 15 હજાર લિટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આગમાં 15 થી વધુ બાઈક, બે રિક્ષા અને એક કાર સંપૂર્ણપણે બળી ગયા છે. પોલીસ દ્વારા વિવિધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત જપ્ત કરીને એમટી વિભાગના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ 18 થી વધુ નાના-મોટા વાહનોને નુકસાન થયું છે. આ મામલે જૂનાગઢ પોલીસે ‘જાણવા જોગ’ નોંધ કરી તપાસ આરંભી છે. આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે FSL ની મદદ લેવામાં આવી છે.








