નવજીવન ન્યૂઝ, અમદાવાદ : રાજ્યના અનેક ધનાઢ્ય, માલેતુજાર લોકો તેમજ સગા સંબંધીને મસમોટી રકમની ટોપી પહેરાવી નિકુંજ ઉર્ફે મિ. નટવરલાલ ગાયબ થઈ ગયો છે. અમદાવાદના સી. જી. રોડ પર આવેલી એક આંગડિયા પેઢીના પણ કરોડો રૂપિયા ચાંઉ કરી જનારા નિકુંજ અનેક સરકારી એજન્સીઓની નજરમાં આવી ગયો છે. નિકુંજના પ્રભાવ તેમજ લાલચમાં આવેલા મોટા માથા, અધિકારીઓ અને રાજકીય નેતાઓની સંખ્યા તેમજ તેમણે ગુમાવેલી રકમ કેટલી છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આંકડો કરોડોમાં છે.
કેવી રીતે બાટલીમાં ઉતારતો હતો નિકુંજ ?
કુરિયર કંપની, ટ્રાવેલિંગ, રિયલ એસ્ટેટ અને આંગડિયાના ધંધાના નામે નિકુંજ માર્કેટમાં મોટા લોકોના સંપર્કમાં આવતો. સોશિયલ મીડિયાના માધ્યમથી નિકુંજ પ્લેનમાં બિઝનેસ કલાસમાં London, Dubai અને Delhi નો પ્રવાસ કરતો હોવાનો પ્રચાર કરતો. બ્રાન્ડેડ કપડા, લકઝુરિયસ વૉચ અને મોંઘીદાટ કારમાં ફરતો નિકુંજ સંપર્કમાં આવેલા વ્યક્તિઓને મોટા નફાની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી દેતો હતો. ગોલ્ડ, જમીન તેમજ મિલકતમાં કરવામાં આવેલા કરોડો રૂપિયાના રોકાણમાં મૌખિક નફો બતાવીને લાલચમાં આવી ગયેલા રોકાણકારોને ગોળ ગોળ ફેરવવામાં નિકુંજની કાબેલિયત છે. IPS સહિતના અધિકારીઓ, રાજકીય નેતાઓ તેમજ માલેતુજાર લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી તેમને બાટલીમાં ઉતારી દીધા છે.
મામલો પોલીસ પાસે પહોંચે તો સેટલમેન્ટ કરી લે
મહાઠગ નિકુંજે અમદાવાદના માણેકચોકથી લઈને મુંબઈ સુધી અનેક લોકોને પોતાની જાળમાં ફસાવી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે. ભૂતકાળમાં જ્યારે નિકુંજની ઠગાઈનો મામલો પોલીસ પાસે પહોંચ તો ત્યારે સેટલમેન્ટ કરીને તે આસાનીથી બહાર નીકળી જતો અને ફરી નવા શિકારને શોધી છેતરપિંડીનો સિલસિલો જારી રાખતો હતો. આ ચીટર નકલી પાસપૉર્ટ બનાવવાના ગુનામાં પણ સામેલ હોવાની વાતો સામે આવી રહી છે.
પોલીસ સહિતની એજન્સીઓના રડારમાં
છેલ્લાં કેટલાંક સપ્તાહોથી નિકુંજ અચાનક જ ગાયબ થઈ ગયો છે. પોલીસ તેમજ અન્ય વિભાગની એજન્સીઓ નિકુંજ ઉર્ફે મિ. નટવરલાલને શોધવા માટે પ્રયત્નશીલ છે. સૂત્રોની જાણકારી અનુસાર નિકુંજ દેશ છોડીને દુબઈ ભાગી ગયો છે. કેટલાંક મોટા માથાઓને કરોડો રૂપિયાની ટોપી પહેરાવનારા નિકુંજને મહિનાઓ અગાઉ અમદાવાદ પોલીસની એક એજન્સીએ બોલાવ્યો ત્યારે તેણે પીએસઆઈ સાથે ગોઠવણ કરી વાતની ગંભીરતા જાણતા રાતોરાત અમદાવાદ છોડી દુબઈ નાસી ગયો હતો. પોલીસ સાથે સાંઠગાંઠ કરીને ભાગી ગયેલા નિકુંજની વતન વાપસી માટે અનેક ભોગ બનનારા રાહ જોઈ રહ્યાં છે.








