Friday, May 1, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના પાંચકૂવા પાસેના સિંધી માર્કેટની 30થી વધુ દુકાનો આગની ઝપેટમાંઃ વેપારીઓને ભારે...

અમદાવાદના પાંચકૂવા પાસેના સિંધી માર્કેટની 30થી વધુ દુકાનો આગની ઝપેટમાંઃ વેપારીઓને ભારે નુકસાની

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના પાંચકુવા દરવાજા પાસે આવેલી દુકાનો (સિંધી માર્કેટ) માં આજે બુધવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. કાપડ માર્કેટમાં લાગેલી આગ ગણતરીની ક્ષણોમાં આસપાસની દુકાનોમાં પ્રસરી જતાં ગીચ બજારમાં અફરાતફરી મચી ગઈ હતી. ધૂમાડાના ગોટેગોટાએ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. ફાયરબ્રિગેડની 32 જેટલી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા ભારે જહેમત કરી હતી.

અમદાવાદના પાંચકુવા દરવાજા પાસે આવેલા સિંધી માર્કેટમાં એકબીજાને અડીને આવેલી અનેક દુકાનો છે. ગીચ બજારમાં સૌથી વધુ કપડા તેમજ અન્ય ચીજવસ્તુઓની દુકાનો આવેલી છે. માર્કેટમાં આગ લાગવાની ઘટના બનાતા પાડોશમાં આવેલા પાંચકુવા ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી આવી હતી. આગ વિકરાળ બનતા એક પછી એક એમ 32 જેટલી ગાડીઓનો કાફલો ધસી આવ્યો અને આગ કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યા હતા. સુરક્ષાના કારણોસર આસપાસની દુકાનો તેમજ વિસ્તારને ખાલી કરી દેવાયો હતો. ગીચ વિસ્તાર હોવાથી આસપાસના રોડ પરના ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવાની પોલીસને ફરજ પડી હતી.

- Advertisement -

સિંધી માર્કેટના વેપારીના જણાવ્યાનુસાર બપોરે એકાદ વાગે આગ લાગી હતી. પ્લાસ્ટિક મટીરીયલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને તે આગ આસપાસની દુકાનોમાં પણ પ્રસરી હતી. આ ઘટનાના પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કર અને ચીફ ફાયર ઓફિસરે આગ ઝડપથી કાબુમાં લેવા માર્ગદર્શન આપ્યું હતું. ફાયર વિભાગના 32 વાહનો અને 80 જેટલાં ફાયરના જવાનો આગ ઓલવવાની કામગીરીમાં રોકાયા હતા. આગની ઘટનામાં 25 જેટલી દુકાનો સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular