Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadકાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના ઘરમાં જ વિવાદ: 'હનીમૂનમાં જમવામાં સફેદ પાઉડર જેવું...

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના ઘરમાં જ વિવાદ: ‘હનીમૂનમાં જમવામાં સફેદ પાઉડર જેવું ભેળવ્યું, 100 કરોડ માગ્યાના આક્ષેપ’

- Advertisement -

પ્રખ્યાત અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજના પુત્ર વ્રજેન્દ્રપ્રસાદે તેની પત્ની અને સાસરિયા સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પત્ની અને સાસરીયાએ રૂ.11 લાખ પડાવી અને રૂ.100 કરોડ માંગણી કરી છે. તેમજ હનીમૂન દરમિયાન જમવામાં સફેદ પાઉડર જેવું ભેળવ્યું હતું.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદ કૌશલેન્દ્રપ્રસાદ પાંડેએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પાલડીમાં રહેતા શશીકાંત તિવારી નામના વ્યક્તિની તેમના દાદા સાથે નારણપુરા સ્વામિનારાયણ મ્યુઝિયમ ખાતે વર્ષ 2023માં ઓળખાણ થઈ હતી. તેઓએ અવારનવાર મુલાકાત કરીને મિત્રતા કેળવી લીધી હતી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે રહેતી યુવતી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 2024ના ફેબ્રુઆરી માસમાં અવંતિકા અને તેના પરિવારજનો મેમનગર ખાતે આવેલા સ્વામિનારાયણ બાગના બંગલામાં પોતાના પરિવારજનોને મળ્યા હતા.

- Advertisement -

ત્યાર બાદ આ યુવતી અને વ્રજેન્દ્ર પ્રસાદની સગાઈ નક્કી કરી હતી. તેઓને ઉતાવળ હોવાથી એપ્રિલ 2024માં પ્રયાગરાજ ખાતે સગાઈ કરવામાં આવી હતી. જુલાઈ 2024માં પ્રયાગરાજમાં જ બંનેના હિન્દુ વિધિથી લગ્ન કરવામાં આવ્યા હતા. વ્રજેન્દ્ર પ્રસાદ અને તેની પત્ની ઇન્ડોનેશિયાના બાલી ખાતે હનીમૂન માટે ગયા હતા. પહેલા જ દિવસે હોટલના રૂમમાં જમવાનું મંગાવ્યું હતું અને બાદમાં તેઓ સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે તેની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. જમ્યા પછી તેને કશું યાદ નહોતું. બીજા દિવસે જ્યારે સવારમાં તપાસ કરી તો પત્નીના બેગમાં સફેદ પાવડરની પોટલી જોઈ હતી.

વ્રજેન્દ્ર પ્રસાદે પત્નીને પૂછ્યું હતું કે આ પોટલી શેની છે, જેથી તેણીએ કહ્યું હતું કે આ આયુર્વેદિક દવા છે. બાદમાં તેઓ નોર્મલ રૂમમાંથી સ્યુટમાં રહેવા જતા રહ્યા હતા. આ દરમિયાનમાં બીજા દિવસે પણ હોટલ રૂમમાં જમવાનું મંગાવી દીધું હતું અને વ્રજેન્દ્રપ્રસાદ જ્યારે ફોન પર વાત કરતા હતા ત્યારે ખાવામાં પત્નીને કંઈક સફેદ કલરનો પાવડર ભેળવતા જોઈ ગયા. જેથી તેઓએ કોઈ કારણસર નજર ચૂકવીને બાલકનીમાંથી ખાવાનું ઢોળી દીધું હતું અને નાદુરસ્ત તબિયતનું કહીને બીજા રૂમમાં સુવા જતા રહ્યા હતા.

હનીમૂનમાંથી પરત આવવાના આગલા દિવસે આ ઘટના બની હતી અને અમદાવાદ આવ્યા બાદ તેઓએ પરિવારજનોને કોઈ જાણ કરી નહોતી. ત્યાર બાદ પત્ની દ્વારા પૈસાની માંગણી શરૂ કરવામાં આવી. એક વખત ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા. જે તેના ભાઈની એજ્યુકેશન ફી માટે જોઈએ છે તેમ કહી લીધા હતા. આ પૈસા પણ તેણે તાત્કાલિક આપવાનું કહ્યું હતું. જેથી જ મિત્ર પાસેથી મંગાવીને આ પૈસા આપવા પડ્યા હતા. અલગ અલગ કારણો દર્શાવી કુલ 11 લાખ રૂપિયા મેળવી લીધા હતા.

- Advertisement -

વ્રજેન્દ્ર પ્રસાદે પોતાની પત્ની દ્વારા આ રીતનું વર્તન અને પૈસાની માંગણી હોવા છતાં પણ તેઓએ નજર અંદાજ કર્યું હતું. બાદમાં દુબઈ જવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. ઈન્ડોનેશિયાના બાલી ખાતે થયેલી આ ઘટના બાદ સાવધાની રાખી હતી.

દુબઈથી પરત આવ્યા બાદ પણ પત્નીનું વર્તન અલગ જ જોવા મળતું હતું. બગીચામાં કોઈની સાથે ફોન ઉપર વાતચીત કરતી હતી. ગિફ્ટ સ્વરૂપે આપેલો આઈફોન વાપરતી હતી. જુનો ફોન રૂમમાં જ રહેતો હતો અને એક દિવસ વ્રજેન્દ્ર પ્રસાદે તેનો જુનો ફોન ખોલી અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને તેની વોટ્સએપ ચેટ અંગે તપાસ કરતા આઘાતજનક વાતચીત કરેલી જોઇ હતી. જેમાં સ્ત્રી મિત્ર સાથે કૌશલેન્દ્ર પ્રસાદના પરિવારજનોને હાનિ પહોંચાડીને 100 કરોડ રૂપિયા પડાવી ભાગી જવાની વાત કરી હતી. તેના સ્ક્રીનશોટ પણ લઈ લેવામાં આવ્યા હતા.

વ્રજેન્દ્ર પ્રસાદે આ બધી બાબત તેમના પરિવારજનો અને વડીલોને કહી હતી. જેથી પત્નીના માતા-પિતાને પ્રયાગરાજથી બોલાવી તેમને ઇન્સ્ટાગ્રામ ચેટના સ્ક્રીનશોટ પણ બતાવ્યા તો તેઓ ઉગ્ર થઈ કહ્યું કે, આ બધું ઉપજાવી કાઢેલું છે. દીકરીને પ્રયાગરાજ લઈ જવાની વાત કરીને ‘હમકો ઇસકો ઇન ભેડીયો કે ઘર મેં નહિ રખના હૈ’ કહી દીધું હતું. આ પ્રકારનું વર્તન જોઈ બધા ડઘાઈ ગયા હતા. તેની સાથે સાથે સ્ત્રીધન માંગ્યું હતું. પેપર ઉપર લખાણ લખવાની વાત કરી હતી, પરંતુ દિવાળીની રજાઓ હોવાથી સ્ટેમ્પ પેપર મળ્યું નહીં અને બે રસીદ ઉપર હસ્તાક્ષર લઈ અને લખાણ કરાવીને જતા રહ્યા હતા અને જીવન નર્ક ભર્યું કરવાનું કહી ધમકી આપી હતી.

- Advertisement -

થોડા મહિના બાદ સાસુ-સસરા અને અન્ય લોકોએ નારણપુરા ખાતે સ્વામિનારાયણ મ્યુઝિયમમાં મળવાની વાત કરી હતી. જે વાતને વ્રજેન્દ્રપ્રસાદ અને તેમના પરિવાર દ્વારા સ્વીકારીને પારિવારિક મિત્રો સાથે મળવાનું નક્કી થયું હતું. બધું ભૂલીને લગ્નજીવન ફરીથી શરૂ કરવા માટેની તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ વ્રજેન્દ્ર પ્રસાદ અને તેમના પરિવારે આ વાતને ધ્યાનમાં લીધી નહીં. જેથી સાસરિયાઓ ઉશ્કેરાઈ ગયા હતા. તમે અને તમારો પરિવાર કેવી રીતે જીવો છો? જોઈ લઈશું તેમ કહી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી અને 100 કરોડ રૂપિયા પહોંચાડી દેવાની વાત કરી હતી. આ સમગ્ર બાબતને લઈ અને હવે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના પરિવારજનો સહિત 6 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular