નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં રખડતા ઢોર (Stray Cattle) મુદ્દે છેલ્લા ઘણા સમયથી અનેક લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં (Gujarat High Court) થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકાર અને મ્યુનિસિપાલ કોર્પોરેશનનો (AMC) ઉધડો લીધો હતો તેવા અહેવાલ સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. રખડતાં ઢોર મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં ન્યાયાધીશ દિવ્યેશ જોષી તથા આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકાર અને મહાનગરોના કોર્પોરેશનને સ્પષ્ટ શબ્દોમાં પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. રસ્તામાં રખડતા ઢોરને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે હાઈકોર્ટ દ્વારા આ બાબતે પગલાં લેવા સરકારને અવાર નવાર આદેશ આપવામાં આવ્યા છે. છતાં પરિસ્થિતિ એવી ને એવી જ છે, ત્યારે એડવોકેટ અમિત પંચાલે કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી. જેમાં અમિત પંચાલે કહ્યું કે, રખડતાં ઢોર મુદ્દે હાઈકોર્ટ દ્વારા આકરા પગલાં લેવા જણાવવામાં આવ્યું છે છતાં સરકાર દ્વારા આજ સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી વાહન ચાલકો અને રાહદારીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. સરકાર અને કોર્પોરેશન દ્વારા માત્ર કાગળ પર જ પોલિસી બનાવવામાં આવી છે પણ ગ્રાઉન્ડ પર તે પ્રમાણે કઈ જ થયું નથી.
રખડતાં ઢોર મુદ્દેની કન્ટેમ્પ્ટ અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશની ખંડપીઠ દ્વારા સરકારના કેટલાક પગલાંની પ્રશંસા કરાઈ હતી સાથે જ કેટલાક મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરાઈ હતી. હાઈકોર્ટે એક માર્મિક ટકોર કરતાં કહ્યું કે, કાગળ પરની પોલીસી અને જમીની હકીકત અલગ છે. સરકાર દ્વારા માત્ર કાગળ પર જ કાર્યવાહી કરવામાં આવી છે. રખડતાં ઢોરોનો ત્રાસ આજે પણ યથાવત છે. હાઈકોર્ટ સરકારને ખખડાવવા નથી માગતી પણ જાહેર હિત પ્રાથમિકતા હોવી જોઈએ. સરકાર વતી સુનાવણીમાં હાજર વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, રખડતાં ઢોર મુદ્દે અરજદાર દ્વારા કોઈ સૂચન હોય તો તેને આવકારવામાં આવશે ત્યારે હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું કે, અરજદાર પાસે સૂચન હોય કે ન હોય હાઈકોર્ટ પોતાની રીતે ઓર્ડર પાસ કરશે. ત્યારે જોવાની વાત એ પણ છે કે, સરકાર અને કોર્પોરેશન દ્વારા રખડતાં ઢોર મુદ્દે હવે કેવા પગલાં લેવામાં આવશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








