Sunday, May 24, 2026
HomeNavajivan CornerLink In Bioસુરક્ષા દળોમાં માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ ગંભીર છે?

સુરક્ષા દળોમાં માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ ગંભીર છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): જયપુર-મુંબઈ ટ્રેનમાં રેલવેમાં જે સુરક્ષાકર્મીએ ફાયરીંગ (Jaipur-Mumbai Train Firing) કરીને ચાર વ્યક્તિનો જીવ લીધો, તેના શિરે ખરેખર તો રેલવેના પ્રવાસીઓની સુરક્ષાની જવાબદારી હતી! અનેક જગ્યાએ આપણી સુરક્ષા જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ પાસે છે અને તે સુરક્ષા અર્થે તેઓ હથિયાર પણ ધરાવે છે. આ હથિયારનો ઉપયોગ ખોટી રીતે થાય અને લોકોનો જીવ જાય, તેવી ઘટના સમયાંતરે બને છે. સુરક્ષા દળોમાં (Security Forces) માનસિક સ્વાસ્થ્ય (Mental Health) અંગે અનેક વાર પ્રશ્નો ઉઠ્યા છે. જોકે તે અંગે કોઈ ઠોસ આયોજન દેખાતું નથી. 2022માં જ સરકાર દ્વારા સંસદમાં જ્યારે અર્ધસૈનિક દળોના માનસિક સ્વાસ્થ્ય વિશેના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા તેમાં તેની ગંભીરતા દેખાઈ હતી. જેમ ‘સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ’(સીઆરપીએફ)માં 2020માં માનસિક સ્વાસ્થ્યની બીમારીના દરદીઓ 3,584 હતા, જેની સંખ્યા 2022માં વધીને 4,940 સુધી પહોંચી હતી. આ રીતે દરેક જુદી-જુદી સુરક્ષા એજન્સીઓમાં માનસિક સ્વાસ્થ્યની બીમારીઓ વધી રહી છે. તે જ કારણે 2018થી 2022ની વચ્ચે ‘સીઆરપીએફ’માં 230 જવાનોએ આત્મહત્યા કરી હતી. ‘બોર્ડર સિક્યૂરીટ ફોર્સ’(બીએસએફ)માં આત્મહત્યાનો આ આંકડો 174 હતો. ‘સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરીટી ફોર્સ’(સીઆઈપીએફ)માં 91, શસ્ત્ર સીમા બલમાં 51 અને ‘ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસ’(આઇટીબીપી)માં 47 જવાનોએ આત્મહત્યા કરી હતી. સુરક્ષા દળોમાં આત્મહત્યા સાથે ઘણી વખત એવી પણ ઘટના બને છે જેમાં સુરક્ષાકર્મીઓ તેનાં સાથીઓ કે સામાન્ય લોકોને નિશાન બનાવે.

indian security forces
indian security forces

અનેક અભ્યાસમાં એ તો વિગત સ્પષ્ટ છે કે, સુરક્ષા દળોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ હોય છે અને એટલે નિષ્ણાતો એવી સલાહ આપે છે કે જે સુરક્ષા દળોમાં શસ્ત્ર ફરજિયાત હોય ત્યાં માનસિક સ્વાસ્થ્યની તપાસ દર મહિને થવી જોઈએ. ‘સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યૂરીટી ફોર્સ’ અને મુંબઈ પોલીસ સાથે ટ્રેઇનિંગમાં જોડાયેલા ડૉ. અમ્બરીશ ધર્માધિકારી કહે છે કે, સુરક્ષા દળોમાં હંમેશા શારીરિક શિસ્તને મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ માનસિક સ્વાસ્થની મહત્ત્વ અંકાતું નથી.

- Advertisement -
indian armed force Mental Health
indian armed force Mental Health

સુરક્ષા દળોમાં સ્ટ્રેસના અનેક કારણો છે અને તે કારણે સુરક્ષાકર્મીઓ દ્વારા હિંસક ઘટના બને છે. આ વર્ષે પંજાબના ભટીંડાના મિલિટરી સ્ટેશનમાં ચાર સૈન્યના જવાન માર્યા ગયા હતા. ભટીંડાના મિલિટરી સ્ટેશનમાં સવારે ચાર વાગ્યાના સુમારે જ્યારે આ ઘટના બની ત્યારે પહેલાં તો ઘટનાને આંતકવાદ સાથે જોડી દેવામાં આવી, પરંતુ ત્યાર પછી તપાસ થતાં માલુમ પડ્યું કે એક અન્ય સૈન્ય જવાને તેમના જ સાથીઓ પર ગોળીઓ ચલાવી હતી. ભટીંડાની ઘટના બની ત્યાર પછી અનેક દિવસો સુધી તે અંગે તર્કવિતર્ક ચાલતા રહ્યા; પરંતુ સૈન્ય તરફથી ઠોસ કોઈ માહિતી ન આવી. ઘણી વાર સૈન્યમાં આ પ્રકારની ગુપ્તતાના કારણે પણ શું સ્થિતિ છે તે ક્યારેય બહાર આવતું નથી. સૈન્ય પોતાનું વ્યવસ્થાપન અલગ રીતે ચલાવે છે, તેથી સૈન્યમાં રહેલી મર્યાદા બહાર ડોકાતી નથી.

indian armed force Mental Health
indian armed force Mental Health

દેશમાં હાલમાં અંદાજે સુરક્ષા દળોમાં વીસ લાખ હથિયારધારી જવાનો છે અને આ જવાનો સતત વિપરિત સ્થિતિમાં કામ કરે છે. તેમની સૌથી મોટી મર્યાદા પરીવાર સાથે ન રહેવાની છે અને તે પણ લાંબા સમય સુધી. મોતના જોખમે સુરક્ષા દળોને સંઘર્ષમય સ્થિતિમાં પણ સતત રહેવાનું આવે છે. હાલમાં મણિપુરમાં જે પ્રકારની સ્થિતિ છે ત્યાં કોઈની પણ જાન સુરક્ષિત નથી. પરંતુ એક સૈનિક આ સ્થિતિમાં પણ ત્યાં રહે છે, ત્યારે તેનું માનસિક સ્વાસ્થ્ય સતત સ્થિર ન રહી શકે. તેના પરિણામે તનાવ જન્મે છે અને તેમાં ન ગમે તેવી સ્થિતિમાં કામ કરવાનું જો ભારણ લાગે તો ભટીંડા જેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે.

સૈન્યમાં માનસિક સ્વાસ્થ્યની કટોકટી આવી પડી છે એવું નથી, પરંતુ જ્યારે જ્યારે હાલમાં ટ્રેનમાં બનેલી કે ભટીંડા જેવી ઘટના બને ત્યારે સુરક્ષા દળોના માનસિક સ્થિતિ અંગે ચર્ચા થાય છે અને તેમાં તત્કાલ પગલાં જરૂરી બની જાય છે, જેમ કે હમણાં જ ‘સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ’ દ્વારા સુરક્ષાકર્મીઓનું માનસિક સ્વાસ્થ સારું રહે તે માટે પગલાં લેવાયા છે. આ માટે સુરક્ષાકર્મીઓને માનસિક સ્વાસ્થ્ય બાબતે જાગ્રતિ આવે તેવી ટ્રેનિંગ આપવામાં આવી. ઉપરાંત, તેઓને આર્થિક સાક્ષરતા અને દરેક યુનિટ કે કંપની માટે પરિવારની સમસ્યા સુરક્ષાકર્મીઓ સુધી પહોંચાડી શકે તેવાં એક ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે.

- Advertisement -
indian security forces health issue
indian security forces health issue

આ માટે ‘સીઆરપીએફ’ના વેલ્ફેર વિભાગે અનેક બાબતો નોંધી છે. તેમણે કહ્યું કે મહદંશે સુરક્ષાબળોમાં આર્થિક બાબતો જાગ્રતતા ઓછી હોય છે. જેના કારણે તેઓને લોન લેવાની અને દેવું કરવાની નોબત આવે છે. આર્થિક જાગ્રતતાથી તેઓ પોતે અને પરિવાર પ્રત્યે સુરક્ષિતતા અનુભવી શકે છે. એ ઉપરાંત, સંયુક્ત પરિવારમાં માળખા બદલાઈ રહ્યા છે, બાળકોનું શિક્ષણ આ બધી બાબતોમાં ઘરથી દૂર રહેલા સુરક્ષાકર્મીને નિરાંત અનુભવાય તેવા પગલાં ‘સીઆરપીએફ’ દ્વારા લેવામાં આ છે.

સુરક્ષા દળોમાં સ્ટ્રેસના જે મુખ્ય કારણો ગણાવવામાં આવે છે તે કારણોમાં રજા ન મળવી, પૂરતી સુવિધા ન મળવી અને પાયાની જરૂરિયાતો ન સંતોષાવી પણ છે. નબળી લિડરશિપના કારણે પણ સૈન્ય કર્મચારી સ્ટ્રેસ અનુભવે છે. આ ઉપરાંત ઉપરી અધિકારીઓથી અપમાન થાય અને અણછાજતું કામ કરવું પડે તેવી પણ વ્યાપક ફરિયાદ સુરક્ષા દળોમાંથી આવતી રહે છે અને પારિવારિક પ્રશ્નોમાં સુરક્ષાકર્મી હંમેશા પોતાને મજબૂર સમજે તેવી તેની સ્થિતિ હોય છે. ઘરે કોઈ બીમાર હોય કે પ્રસંગ હોય તો પણ તેને ત્યાં હાજર રહેવા માટે ઉપરીઓને ઘણાં કારણો આપીને મનાવવા પડે છે. સૈન્યદળમાં આત્મહત્યા કરનારાં સૈનિકોના આંકડા જોઈએ તો તેનાથી વધુ ખ્યાલ આવશે. જેમ કે છેલ્લા દસ વર્ષમાં આત્મહત્યા કરનારા સૈનિકોમાંથી 90 ટકા સૈનિકો જેમણે આત્મહત્યા કરી તેઓ નીચેના રેન્ક ઓફિસર્સ હતા. અને તેમાંથી પણ 60 ટકા સૈનિકોની ઉંમર માત્ર 25-30ની વચ્ચે હતી. આ પરથી અંદાજ લગાવી શકાય કે સુરક્ષા દળોમાં માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો કેટલો ગંભીર છે.

સુરક્ષા દળમાં જ્યારે એક સૈનિક પોતાની સાથીઓથી અને આસપાસના માહોલથી નિરાશ હોય ત્યારે તેની તપાસ થવી જોઈએ. જેમ કે હાલમાં ચેતન સિંઘે ટ્રેનમાં ફાઈરીંગ કરીને ચાર વ્યક્તિઓનો જીવ લીધો તેની માનસિક તપાસનો રેકોર્ડ વિશે વિગત રેલવે પોલીસ ફોર્સ દ્વારા આવી હતી. તેમાં એમ કહેવામાં આવ્યું કે ચેતન સિંઘની જેટલી વાર માનસિક તપાસ થઈ તેમાં તે સ્વસ્થ્ય જણાયો. પરંતુ જ્યારે ન્યૂઝ લોન્ડ્રી પોર્ટલના એક રિપોર્ટરે ચેતન સિંઘના ઘરે જઈને તેના ભાઈ લોકેશ કુમાર ચૌધરીને તેની માનસિક સ્થિતિ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે માનસિક રીતે બીમાર હતો અને તેનો ઇલાજ પણ ચાલી રહ્યો હતો.

- Advertisement -

સૈન્ય દળમાં માનસિક સ્થિતિને લઈને જે પણ અભ્યાસ થયા છે તેમાં એક વાત એ પણ પ્રકાશમાં આવી છે કે, સૈન્યમાં પણ જ્યારે કોઈની માનસિક સ્થિતિ સારી હોતી નથી અને તેને ઇલાજ કરવાનું કહેવામાં આવે ત્યારે તે સૈનિક પ્રત્યે બધાનું વલણ બદલાઈ જાય છે અને આ સ્થિતિનો ઉકેલ મેડિકલ સુવિધા વધારવી અને આ ઉપરાંત પાયાની સુવિધા સૌને મળે તે તો ઉકેલ છે જ, પણ સાથે સાથે ખાસ તો યોગ્ય લિડર આ પ્રશ્નને વધુ સારી રીતે ઉકેલી શકે તેવું પણ નિષ્ણાંતો જણાવે છે. બીજું કે આવું માત્ર ભારતના સૈન્યનો પ્રશ્ન નથી, દુનિયામાં સૈન્યમાં આ પ્રકારે માનસિક બીમારીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે દેશોમાં યુદ્ધ કે સંઘર્ષની સ્થિતિ હોય ત્યાં આ પ્રશ્ન ખાસ જોવા મળે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular