યૂરોપમાં નિકાસ મોસમનો આરંભ થયો ત્યાંજ રશિયાએ સસ્તા ઘઉ બજારમાં થાલવવાનું શરૂ કર્યું
રશિયાથી બિનસત્તાવાર નિકાસના તળિયાના ભાવ હાલમાં ૨૩૦ ડોલર પ્રતિ ટન એફઓબી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : ઘઉ વાયદા ગત સપ્તાહે ઢીલા ચાલી રહ્યા હતા, સીબીઓટી સપ્ટેમ્બર વાયદો અન્ય અનાજ સાથે શુક્રવારે ૩.૨૨ ટકા ઘટીને ૬.૪૬ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) બંધ થયો હતો. જગાણામાં રશિયાએ (Russia) ટેબલ પછાડીને કહી દીધું હતું કે અમે યુનાઈટેડ નેશન્સની દલાલીવાળા કાળા સમુદ્રના અનાજ વેચાણના કોઇ સોદાને ૧૭ જુલાઇ પછી મંજૂર નહીં રાખીએ. પણ હા, ગરીબ રાષ્ટ્રોને અનાજ નિકાસ કરવાનું જારી રાખશુ. ટ્રેડરો કહે છે કે રશિયાના સસ્તા અનાજની આખા જગતમાંથી જબ્બર માંગ નીકળી હોઇ, યુરોપિયન યુનિયનને ઘઉની નિકાસ (Wheat Export) બજારમાં મજબૂત સ્પર્ધાનો સામનો કરવો પડશે. આમ જાગતિક ઘઉ બજાર દિશાદોર વગરની થઈ ગઈ છે.
અમેરિકન ઘઉ સ્ટોક અને વાવેતરના આંકડા બજારને સહેજ તેજી તરફ ઝુકાવ રાખવાનું કહે છે. આખરએ ૨૦૨૨-૨૩નો આખરી વર્ષાન્ત ઘઉ સ્ટોક ૫૮૦૦ લાખ બુશેલ (૨૫.૨૧૬ કિલો) રહ્યાનું અનુમાન છે. જ્યારે નવા પાકનો આખરી સ્ટોક ૫૪૦૦થી ૫૫૦૦ લાખ બુશેલ અંદાજાયો છે. આખરે સ્ટોક ૫૦૫૦થી ૫૨૦૦ લાખ બુશેલ રહેવાનું જોખમ ટ્રેડરો જોઇ રહ્યા છે. ૨૦૨૩નું કૂલ અમેરિકન ઘઉ વાવેતર માર્ચના અંદાજો કરતાં ૩ લાખ એકર ઘટીને ૪૯૬ લાખ એકર અને શિયાળુ વાવેતર પણ પાંચ લાખ એકર ઘટાડો રહેવાનું અનુમાન છે. દૂરમ વાવેતર પણ ૧૭ ટકા ઘટવાનો અંદાજ છે. પાનખર મોસમમાં પણ ૫.૭ લાખ એકર ઘટશે.
હજુ તો યૂરોપમાં ઘઉ નિકાસ મોસમનો આરંભ થયો છે ત્યાંજ રશિયાએ સસ્તા ઘઉ બજારમાં થાલવવાનું શરૂ કરી દીધું છે, પરિણામે યુરોપિયન યુનિયને મોરોક્કો, ચીન જેવા દેશોમાં તેમની પુરાંત ઘઉની નિકાસ પર નિર્ભરતા વધારવી પડશે. રશિયાથી બિનસત્તાવાર નિકાસના તળિયાના ભાવ હાલમાં ૨૩૦ ડોલર પ્રતિ ટન એફઓબી બોલાઈ રહ્યા છે. જે પશ્ચિમ યુરોપિયન દેશોના નિકાસ ભાવ કરતાં ટને ૨૩થી ૩૦ ડોલર સસ્તા છે.
જો આગલા સપ્તાહના સીબીઓટી વાયદાના ૭.૬૪ ડોલરના ભાવ જોઈએ અને ગત સપ્તાહના ૬.૪૬ ડોલર સાથે તુલના કરી તો ભાવ ૧૨.૮ ટકા ઘટયા હતા. પણ ૩૦ મે ૨૦૨૩ના ૫.૮૮ ડોલર ભાવની તુલનાએ જોઈએ તો તે ૭.૫ ટકા વધ્યા હતા. ૨૦૨૨ના આ સમયને આધારે જોઈએ તો ૮.૯૨ ડોલરના ભાવ સામે વર્તમાન ભાવ ૨૭ ટકા ઘટયા છે. સત્તાવાર એગ્રી એજન્સી ફ્રાન્સેએગ્રીમેરના કહેવા મુજબ ૨૬ જૂનથી શરૂ થયેલા સપ્તાહમાં ફ્રાન્સના ખેતરોમાં ઊભા સોફટ ઘઉની સ્થિતિ ૮૧ ટકા ગુડ ટુ એક્સેલન્ટ હતી, જે તે અગાઉના સપ્તાહમાં ૮૩ ટકા હતી.
અમેરિકન નેશનલ એગ્રિકલ્ચરલ સ્ટેટેસ્ટીકસ સર્વિસ (નાસ)ના જૂન ૨૦૨૩ના અહેવાલમાં ઘઉ માટે કેટલાંક આશ્ચર્યજનક વિગતો રજૂ કરી હતી, પણ મકાઇ અને સોયાબીન માટે ખાસ કઈ વધુ કહેવાયું ના હતું. ઘઉનું વાવેતર વેપારી અનુમાનોની નજીક ૪૯૫ લાખ એકર હતું, પણ માર્ચના અંદાજો કરતાં ૨.૫૫ લાખ એકર ઓછું હતું, ૨૦૨૨ના વાવેતર કરતાં ૩૮.૬ લાખ એકર વધુ હતું.
રશિયાએ હવે ઘઉ બજારમાં પોતાની ક્ષમતા વધુ કઠોર રીતે વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે, નિકાસ બજારમાં ભાવને નીચા લઈ જવામાં તેની જ ભક્તિ અત્યારે તો ચાલે છે. ઉત્તર કુકાસુસ વિસ્તારમાં તો ધરખમ લણણી થઈ છે. અમેરિકન કૃષિમંત્રાલય કહે છે કે ૧ જુલાઇથી શરૂ થતી ઘઉ નિકાસ મોસમમાં જગતમાં નિકાસ થતાં પાંચ કાર્ગોમાંથી એક રાશિયાનો રહેશે. યુનાઈટેડ નેશન્સના ડેટા કહે છે કે યુક્રેન યુદ્ધ પહેલા રશિયાએ ૧૦ અબજ ડોલરનું અનાજ નિકાસ કર્યું હતું.
આર્જેન્ટિના સરકારની આગાહી મુજબ ૨૦૨૩-૨૪ની મોસમમાં ઘઉનું ઉત્પાદન ૧૮૦થી ૧૮૯ લાખ ટન આવશે, જે ગતવર્ષે ૧૨૬ લાખ ટન હતું. હાલના સપ્તાહોમાં જ આર્જેન્ટિના ખેડુતોએ ઘઉનું વાવેતર શરૂ કર્યું છે, જેની લણણી ડિસેમ્બર/જાન્યુઆરીમાં થશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








