નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા RTE એક્ટ હેઠળ બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં 25 ટકા લેખે નબળા અને વંચિત વર્ગના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે કેટલાંક વાલીઓ આ યોજનાનો ગેરલાભ લેવા માટે બોગસ દસ્તાવેજો (Fraud Documents)રજૂ કરીને RTE હેઠળ ખાનગી શાળામાં બાળકોના પ્રવેશ મેળવતા હોય છે, જેને કારણે જરૂરિયાતવાળા બાળકો આ લાભથી વંચિત રહી જતા હોય છે. ત્યારે આવી બોગસ એડમિશન પ્રક્રિયાને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ એલર્ટ બન્યુ છે. જિલ્લા શિક્ષણ વિભાગની તપાસમાં 135 જેટલા વાલીઓ RTE હેઠળ બોગસ દસ્તાવેજો સાથે એડમિશન લેતા ઝડપાયા છે.
જાણો જિલ્લા શિક્ષણાધિકારીએ શું કરી કાર્યવાહી?
અમદાવાદમાં જિલ્લા શિક્ષણ વિભાગની તપાસમાં 135 વાલીઓ બોગસ દસ્તાવેજના આધારે RTE એક્ટ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ લેવા જતાં ઝડપાયા છે. જેને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આવા વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ રદ કર્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે, આ વાલીઓએ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સુચના નંબર 5નો ભંગ કર્યો હોવાથી તેમના પ્રવેશ રીજેક્ટ કરવામાં આવ્યા છે.
સુચના નંબર પાંચમાં શું છે નિયમ?
RTE એક્ટ હેઠળ જે પ્રવેશ પ્રક્રિયા માટેનું ફોર્મ ભરવામાં આવે છે, તેમાં સુચના નંબર પાંચમાં નિયમ છે કે, વાલીઓએ પોતાના બાળકનો અગાઉ કોઈ શાળામાં ધોરણ 1 કે 2 માં પ્રવેશ લીધો ન હોવો જોઈએ. તેમ છતાં કેટલાંક વાલીઓ આ અંગે ખોટા પુરાવા રજૂ કરીને બાળકોના પ્રવેશ મેળવતા હોય છે. ત્યારે જિલ્લા શિક્ષાધિકારી પણ સતર્ક થઈને આધાર ડાયસ કોડના આધારે તપાસ કરી એડમિશન અટકાવી રહ્યા છે. જેમાં હાલ તો અમદાવાદમાં 135 ખોટા દસ્તાવેજો રજૂ કરીને બાળકોના એડમિશન લેતા વાલીઓ ઝડપાયા છે. જેમની સામે કાર્યવાહીના ભાગરૂપે એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આગામી દિવસોમાં હજી પણ આવી ગેરરીતિથી લેવાયેલા એડમિશનોના ખુલાસા થવાની શક્યતાઓ છે.
કેવી રીતે ફૂટ્યો બોગસ દસ્તાવેજનો ભાંડો?
RTE એક્ટ હેઠળ પ્રથમ રાઉન્ડમાં 10,748 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 9,622 વિદ્યાર્થીઓના એડમિશન થતાં તેમને સ્કૂલ એલોટ કરવામાં આવી છે. જ્યારે 135ના પ્રવેશ રીજેક્ટ કરવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ મીડિયાને જણાવ્યા અનુસાર, આ 135 એવા એડમિશન હતા કે, જેમણે ગયા વર્ષે ધોરણ-1માં પ્રવેશ પહેલેથી લઈ લીધો હતો. જેના કારણે તેઓનો આધાર ડાયસ નંબર જનરેટ થઈ ગયો હતો. આધાર ડાયસ નંબર ફરી જનરેટ ન થાય તે માટે RTE એક્ટ હેઠળ પ્રવેશ લેવા આવતા વાલીઓના બાળકોના યુ ડાયસ પર તેઓએ અગાઉ પ્રવેશ લીધો છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. આ ચકાસણી કરતા જ 135 વિદ્યાર્થીઓના અગાઉ એડમીશન ધોરણ 1માં થઈ ગયા હોવાનો ભાંડો ફૂટતા તેમના એડમિશન રદ કરવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796