નવજીવન ન્યૂઝ. અમદાવાદ: IT વિભાગ દ્વારા બોગસ ડોનેશન અને ટેક્સ કૌભંડ મામલે અમદાવાદ સહિત રાજ્યભરમાં પાડવામાં આવેલા દરોડાથી ખળભળાટ મચ્યો છે. જેમાં IT વિભાગને રાજકીય પાર્ટીઓ પાસેથી 4000 કરોડના ડોનેશનના હિસાબો મળી આવતા સમગ્ર બોગસ ડોનેશન કૌભાંડ બહાર આવ્યું હતું. જેને લઈને IT વિભાગ આકરી કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે આજરોજ રાજકીય પક્ષોને બોગસ ડોનેશન આપનારા 4000 કરોડનો ટેક્સ ચોરી કરનાર કરદાતાઓને IT વિભાગે નોટિસ પાઠવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્કમ ટેક્સ વિભાગની તપાસ કાર્યવાહીમાં ખુલાસો થયો હતો કે, કરચોરીથી બચવા માટે રાજકીય પાર્ટીઓને ચેક મારફતે ડોનેશન આપી બાદમાં રોકડા પૈસા પરત લઈ કરચોરીનું કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે. જેમાં 23 જેટલા નાના-નાના રાજકીય પક્ષોને ડોનેશન આપ્યું હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. આ કૌભાંડમાં ગુજરાત રાજ્ય તેમજ રાજ્ય બહારના કેટલાક એજન્ટની પણ સંડોવણી સામે આવી છે. જેથી આ કાર્યવાહીમાં બોગસ ડોનેશનના નામે કરચોરીનું કૌભાંડ આચરતા 4 હજાર કરચોરી માફિયાઓને IT વિભાગે નોટિસ ફટકારી છે. જેનાથી કરચોરી માફિયાઓમાં ખળભળાટ મચ્યો છે.
કઈ-કઈ રાજકીય પાર્ટી સાથે થયા બોગસ ડોનેશનના વ્યવહાર
IT વિભાગે કરેલી તપાસ કાર્યવાહીમાં અંદાજિત 23 જેટલા રાજકીય પક્ષોને બોગસ ડોનેશન આપ્યું હોવાનું સામે આવ્યુ છે. જેમાં ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી, રાષ્ટ્રવાદી જનતારાજ પાર્ટી, નવસર્જન ભારત પાર્ટી, જનતાવાદી કોંગ્રેસ પાર્ટી, સત્તા કલ્યાણ પાર્ટી, ભારતીય જન ક્રાંતિ દળ, અપના દેશ પાર્ટી, રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી, સરદાર વલ્લભભાઈ પાર્ટી, લોકકલ્યાણ પાર્ટી, રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી, જનસંઘર્ષ વિરાટ પાર્ટી, યુવા જન જાગૃતિ પાર્ટી, સૌરાષ્ટ્ર જનતાપ્રકાશ, મધરલેન્ડ નેશનલ પાર્ટી, લોકતંત્ર જાગૃત પાર્ટી, ભારતીય કિસાન પરિવર્તન પાર્ટી, રાષ્ટ્રીય કોમી એકતા પાર્ટી, લોકશાહી સત્તા પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, ઈન્ડિયન સ્વર્ણ સમાજ પાર્ટી, જન મન પાર્ટી, ગુજરાત જનતા પંચાયત પાર્ટીનો સમાવેશ થાય છે. ત્યારે આ 23 રાજકીય પાર્ટીઓને ઈન્કમ ટેક્સ વિભાગે કડક કાર્યવાહીના ભાગરૂપે સાગમટે નોટિસ ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 8 મહિનાની બોગસ ડોનેશન અને ટેક્સ કૌભાંડ મામલે ઇન્કમટેક્સ વિભાગ તપાસ કાર્યવાહી કરી રહ્યું છે. અમદાવાદમાં 96 સ્થળોએ પાડેલા દરોડામાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં આજરોજ 23 પાર્ટીઓને નોટિસ ફટકારાઈ છે. મહત્વનું છે કે, ઇન્કમટેક્સ વિભાગ હજી પણ આ મામલે રોકડ તેમજ ચેકથી થયેલા વ્યવહારોની વધુ તપાસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ બોગસ ડોનેશન કરચોરી કૌભાંડમાં મોટા રાજકીય માથાઓની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે હવે આ કરચોરી કૌભાંડમાં કોના કોના નામ સામે આવે છે તે તો આગળની તપાસ કાર્યવાહીમાં જ માલૂમ પડશે.








