નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સામાન્ય રીતે પોલીસ કોન્સ્ટેબલ કંઈ ન કરી શકે તેવી માનસિકતા આપણા મનમાં હોય છે. માટે જો આપણને કોઈ એમ કહે કે પાંચ સિતારા હોટલ (5 Star Hotel) ના ધનાઢય માલિકને તેમની જ હોટલમાંથી જુગાર રમતા એક પોલીસ કોન્સ્ટેબલે ઝડપી લીધા અને કાર્યવાહી કરી તો વિશ્વાસ ન આવે. પરંતુ અમદાવાદના પી.સી.બી. (Ahmedabad PCB) માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તુષારદાન ગઢવીએ (Police Constable TusharDan Gadhvi) આ કામ કરી બતાવ્યું છે. આમ તો કહી શકાય કે આ એક કોન્સ્ટેબલના પાવરનો પરચો છે!

અમદાવાદ પ્રિવેન્સન ઑફ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ તુષારદાન ગઢવીને માહિતી મળી હતી કે અમદાવાદના સિંધુ ભવન (Ahmedabad Sindhu Bhavan) રોડ પર આવેલી પાંચ સિતારા હોટલ તાજ સ્કાયલાઈનમાં (Hotel Taj Skyline) જુગારધામ ચાલે છે. આ વાત ઓછી ગળે ઉતરે તેવી હતી ત્યાં માહિતી મળી કે આ ગોરખધંધો ખુદ હોટલના માલિક કૈલાશ ગોયન્કા (Hotel owner Kailash Goenka) દ્વાર જ ચલાવવામાં આવે છે. માહિતી મળતા જ તુષારદાને ખરાઈ કરતા ગળે ન ઉતરે તેવી વાત હકિકત હોવાનું માલૂમ પડ્યું હતું. પરંતુ આ દરોડો કોઈ સામાન્ય જુગારનો દરોડો નહીં હોય અને કાર્યવાહી કરવામાં પણ કોઈ અડચણ નહીં આવે તેવી કલ્પના પણ ન કરાઈ તે તુષારદાન જાણતા હતા. માટે તેમણે પુરી તૈયારી સાથે દરોડો કરી રંગે હાથ જુગારધામ ઝડપી પાડવા માટે બાતમીદારોને કામે લાગાવ્યા હતા.
વધુ વાંચો: અમદાવાદની વિખ્યાત તાજ હોટલના માલિક સહિત 10 લોકો જુગાર રમતા ઝડપાયા, PCBનો સફળ દરોડો
પરંતુ આ કામમાં મુશ્કેલી અનેક હતી. જેમાં સૌથી પહેલી મુશ્કેલી જણાઈ કે આ હોટલમાં ખાનગી સિક્યોરીટી અને કેમેરાનું નેટવર્ક એટલું જબરદસ્ત છે કે દરોડો કરી સ્થળ સુધી પહોંચી તે પહેલા જ જુગાર બંધ થઈ જાય. ઉપરાતં ત્યાં નજર રાખવા માટે પણ સહેલાઈ ન હતી. માટે તુષારદાને બાતમીદારના નામે હોટલ તાજ સ્કાયલાઈનમાં રૂમ બુક કરાવી વૉચ ગોઠવવી પડી હતી. તેઓ વૉચમાં હતા ત્યારે તેમને માહિતી મળી હતી કે જુગારધામ હોટલના સાતમાં માળે રૂમ નંબર 721માં શરૂ થયું છે. બસ માહિતી મળતા જ તુષારદાન પોતાની સાથે બે કોન્સ્ટેબલોને લઈ રૂમ નંબર 721નો દરવાજો ખટખટાવે છે. દરવાજો ખુલતાની સાથે જ સામે ઉભેલો માણસ જોઈ તુષારદાનની આંખો ભરોસો નહોતી કરતી કે આ હોટલનો માલિક કેલાશ ખુદ દરવાજો ખોલીને ઉભો છે. પરંતુ આ હકિકત જ હતી અને તેમની બાતમી મુજબ હોટલમાં જુગાર રમાતો હતો.

તુષારદાને રૂમમાં ઘુસી તરત જ તમામ આરોપીઓને કોઈ હલનચલન નહીં કરવા સૂચના આપી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી હતી. પરંતુ આ કોઈ સામાન્ય જુગારના કેસના આરોપીઓ પણ ન હતા કે પોલીસ કોન્સ્ટેબલથી ડરી જાય. સામેથી અવાજ આવ્યો તું 10 મીનિટ રાહ જો તમને ગૃહમાંથી ફોન આવી જશે (આ માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થયેલી છે.). તુષારદાને પણ વળતો જવાબ આપતા કહ્યું કે કરાવો ફોન પણ કેસ બને છે માટે કાર્યવાહી તો થશે જ. થોડી વાર કોન્સ્ટેબલે રાહ તો જોઈ પરંતુ હોટલના માલિક કૈલાશની ધારણા ખોટી પડી કારણ કે ગૃહમાંથી ફોન આવવાને બદલે પી.સી.બી.ના પી.આઈ. તરલ ભટ્ટ આવી પહોંચ્યા હતા. બાદમાં તરલ ભટ્ટે ઘટના સ્થળે પહોંચી તમામ મુદ્દામાલ કબ્જે કરી 10 આરોપીઓની જુગટું ખેલવા બદલ ધરપકડ કરી લીધી હતી.
પોલીસે પકડેલા 10 આરોપીઓ વિરૂધ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પી.સી.બી.એ કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો હતો. સાથે જ પી.સી.બી.ના પી.આઈ. તરલ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ તુષાર ભટ્ટની આ કાર્યવાહીના ચારેતરફ વખાણ પણ થવા લાગ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








