Friday, June 5, 2026
HomeGujaratમેઘાણીની 75મી પૂણ્યતિથિ: રણછોડભાઈએ કાઠિયાવાડમાં આ રીતે બનાવ્યું છે 'મેઘાણીનું સાહિત્ય મંદિર'

મેઘાણીની 75મી પૂણ્યતિથિ: રણછોડભાઈએ કાઠિયાવાડમાં આ રીતે બનાવ્યું છે ‘મેઘાણીનું સાહિત્ય મંદિર’

- Advertisement -

ભાર્ગવ મકવાણા (નવજીવન ન્યૂઝ.ભાવનગર): ‘ગુજરાતી સાહિત્ય જગતનું ઘરેણું’ એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani)એટલે કે આપણા માનીતા મેઘાણીબાપુને આજે 9 માર્ચ 2023ના દિવસે દેહ છોડ્યાના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ કાઠિયાવાડની કોતરમાં આજે પણ મેઘાણી જીવતા હોય એવું લાગે છે. મેઘાણીબાપુની સુપ્રસિદ્ધ પંક્તિ “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” (Kasumbi No Rang)ને ભાવનગર જિલ્લાના પાલીતાણાનાં વતની રણછોડભાઈ મારૂએ કંઈક આ રીતે આત્મસાત કરી છે. તેઓ કહે છે “હો રાજ મને લાગ્યો મેઘાણીનો રંગ”

ગુજરાતી સાહિત્યના વિશ્વમાં મેઘાણીનું સાહિત્ય અનમોલ છે. મેઘાણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ (Saurashtra Ni Rasdhara), ‘સોરઠી બહારવટિયા’, ‘સોરઠ તારા વહેતા પાણી’ જેવી સાહિત્ય રચનાઓમાં સૌરાષ્ટ્રના પાણે-પાણાનો ઇતિહાસ ટાંક્યો છે. એવું કહેવામાં આવે છે કે, જાણે સૌરાષ્ટ્રના પાળિયાઓએ જીવતા થઈ મેઘાણી સામે પોતાનો ઇતિહાસ મૂક્યો હોય એવું ઝીણવટ ભર્યું લખાણ છે. આપણે તો મેઘાણીને માત્ર જન્મજયંતિ અને નિર્વાણદિને જ યાદ કરીએ છીએ.

- Advertisement -

આજે વાત કરવી છે એક એવા વ્યકતિની; જેમનું જીવન જાણે મેઘાણીમય બની ગયું છે. ભાવનગરનાં પ્રખ્યાત તીર્થ સ્થળ પાલિતાણામાં જઈએ ત્યાં સામેથી વાંકડિયા વાળ, ઘાટી મૂછો અને કાઠિયાવાડી પોશાકમાં સામેથી આવતો માણસ ભલભલાને અવઢવમાં મૂકી દે, અરે અદ્દલ મેઘાણી જેવી જ વેશભૂષા અને હાવભાવથી લાગે કે આ મેઘાણી જ છે કે શું!

દેખાવથી મેઘાણી જ લાગતી આ વ્યકતિનું નામ છે. રણછોડભાઈ મારૂ. જે મેઘાણીના નામે પણ જાણીતા છે. પાલિતાણાના આંબેડકર નગરમાં રહેતા રણછોડભાઈ માત્ર 1 જ ચોપડી ભણયા ને તેમાંય નાપાસ થયા. સામાન્ય બાળક જેમ દાદા-દાદી પાસે કાલાવાલા કરતો વાર્તાઓ સાંભળતો હોય તેમજ રણછોડભાઈ પણ નાની ઉંમરમાં દાદા પાસેથી મેઘાણીની વાર્તાઓ સાંભળતા, દાદા અને પિતા વાંચનમાં રૂચી ધરાવતા. બાપ-દાદાનો આ વારસો તેમણે પણ જાળવી રાખ્યો. તેમની આર્થિક સ્થિતિ નબળી હતી. લોખંડ-પતરાનો ભંગાર વેંચી દિવસો પસાર થતા ત્યારે પસ્તીમાંથી સૌરાષ્ટ્રની રસધારનો મેળ પાડ્યો. પછી તેઓ ઝવેરચંદના ચાહક બનવા લાગ્યા. મેઘાણી બાપુનું સાહિત્ય વાંચી એટલા પ્રભાવિત થયા; કે ઘર પરિવારની વ્યાધી, પૈસે-ટકે અકળામણ બધું પડતું મુકી મેઘાણીના પગલે-પગલે કાઠિયાવાડની એ ભોમકાને માથુ નમાવવા નીકળી પડ્યા. આ સૌરાષ્ટ્રનાં પ્રદેશોમાં મેઘાણીની મારફતે રણછોડભાઈ ફર્યા. જેમાં તેમને ઘણા સારા-નરસા અનુભવો થયા. તેઓ નરસા પ્રસંગોનો ઉલ્લેખ ટાળે છે પણ સારા પ્રસંગોની વાતો હંમેશા વાગોળતા રહે છે. તેઓ કહે છે “હું કાઠિયાવાડમાં 22 જેટલી જ્ઞાતિઓનો મહેમાન થયો , 438 ગામોની મુલાકાત લીધી અને 104 ગામોમાં રાત પણ રોકાયો. તેમાં પોરબંદરનો જે ઘેડ પ્રદેશ છે (મૂળ મેર જ્ઞાતિનો) ત્યાંનો અનુભવ સારામાં સારો રહ્યો. આમ તો આખા સૌરાષ્ટ્રના અનુભવો સારા જ ગણાય પરંતુ આ વિશેષ ગણાય.”

રણછોડભાઈએ સૌરાષ્ટ્રની યાત્રા દરમિયાન ડગલે ને પગલે મેઘાણીને યાદ કરીને “મેઘાણીના પગલે કાઠિયાવાડની કોતરોમાં ભાગ 1 અને ભાગ ૨” એમ બે પુસ્તક પણ લખ્યાં છે. તેમના ઘરનાં એક ખૂણે મેઘાણીનું ભરપૂર સાહિત્ય, ત્યાં જ બીજા ખૂણે મેઘાણીની યાદમાં “મેઘાણી સ્મૃતિભવન” પણ બનાવ્યું છે. જેને જોવા માટે મેઘાણીના ચાહકો અને સાહિત્ય રસિકો આવતા રહે છે. સામાન્ય શ્રદ્ધાળું વ્યક્તિ મંદિરમાં જેમ ઈશ્વરને પૂજે છે; તેમ રણછોડભાઈએ ઘરમાં મેઘાણીનું મંદિર બનાવ્યું છે અને તેની પૂજા કરે છે.

- Advertisement -

૯ માર્ચે મેઘાણીબાપુની પૂણ્યતિથીમાં આખો દેશ મેઘાણીઘેલો થાય છે ત્યારે રણછોડભાઈ માનતા જ નથી કે મેઘાણી અવસાન પામ્યા છે. તેઓ કહે છે કે, તિથી તો અવસાન પામેલાઓની હોય છે, મેઘાણી અવસાન પામ્યા જ નથી. મારા મને તો રોજ મેઘાણીનો જન્મ દિવસ જ છે. રણછોડભાઈ મકાનનાં બાંધકામ માટે વપરાતો સેન્ટ્રિન્ગનો સમાન ભાડે આપે છે. તેમના બે સંતાનનાં લગ્ન થયા જ્યારે બે સંતાન અપરણિત છે.

જ્યારે રણછોડભાઈને પૂછવામાં આવે કે, મેઘાણી સાહિત્યને ટકાવી રાખું જોઈએ કે? ત્યારે રણછોડભાઈ જણાવે છે કે, “મારો અંતરાત્મા તો કહે જ છે મેઘાણીનું સાહિત્ય ટકવું જ જોઈએ અને આજે ૨૧ મી સદીનો યુવાન પણ જો મેઘાણી બાપુનું સાહિત્ય વાંચે તો તેમને પણ લાગશે કે આ સાહિત્ય ટકાવી રાખવું જોઈએ. આ જૂની સંસ્કૃતિ જે લુપ્ત થઈ ગઈ છે તેનું મને દુ:ખ છે પણ, સમયના પ્રવાહમાં બધું બનતું હોય અને આમાં ઈશ્વર ભાગ ભજવે તો ટકી શકે એવું છે. મેઘાણી સાહિત્ય કે જૂનું સાહિત્ય; જેમાં ઘણું પડ્યું છે તેને આપણે વાંચીને પણ ટકાવી રાખી શકીએ. જેમ કે હું પહેલા પેન્ટ-શર્ટ પહેરતો પરંતુ હવે મેઘાણીનો જ પહેરવેશ પહેરું છું એ મારા મને મેઘાણીને ટકાવી રાખવું છે. માણસો તો સવાર-સાંજ પૂજા-આરતી કરે; પણ હું તો જ્યારે મેઘાણી સાહિત્ય વાંચતો હોઉં એ જ મારે મન પૂજા છે.”

અત્યારે આવા ઉત્કૃષ્ટ સાહિત્યવારસાને ટકાવી રાખવા માટે ઘણી સંસ્થાઓ, સરકાર અને વ્યક્તિ પોતાની રીતે પ્રયત્ન કરે છે. રણછોડભાઈ જેવા ઘણાં લોકો કામ કરે છે. પરંતુ પરિસ્થિતિ જોતા લાગે છે કે, હજુ વધારે સભાનતાથી મહેનત કરવાની જરૂર છે. આના ઉપર જો પૂરતું ધ્યાન આપવામાં નહીં આવે તો એક દિવસ મેઘાણી, સહિત અન્ય પ્રખર સાહિત્યકારો અને સાહિત્ય પણ વિસરાઈ જશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular