નવજીવન ન્યૂઝ. છતરપુર: Bageshwar Dham Dhirendra Shastri brother: દેશભરમાં હાલ બાગેશ્વર ધામના (Bageshwar Dham) મહંત ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) ચર્ચામાં છે. કેટલાક લોકો શાસ્ત્રીને ઠગ કહે છે તો કેટલાક ચમત્કારી બાબા તરીકે પુજે છે. તાજેતરમાં અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિએ ધિરેન્દ્ર શાસ્ત્રી ચમત્કારના નામે લોકોને ગુમરાહ કરતા હોવાનો દાવો કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે શાસ્ત્રીનો ભાઈ શાલીગ્રામ ગર્ગનો હાથમાં બંદૂક અને મોંઢામાં સિગારેટ સાથે આતંક મચાવતા હોવાનો કથિત વિડીયો સામે આવતા ફરી વિવાદ જાગ્યો છે. શાલિગ્રામ ગર્ગ કથિત વિડીયોમાં લગ્ન પ્રસંગમાં જઈ દલિત પરિવારને બેફામ ગાળો ભાંડતા અને નશાની હાલતમાં હથિયાર બતાવી ધમકી આપતો જોવા મળ્યો હતો. જે મામલે આખરે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
આખરે નોંધાઈ ફરિયાદ
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં સ્થિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈની કથિત દબંગાઈનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ હતી. વિડીયો સામે આવતાની સાથે જ દેશભરમાં તેના વિરૂધ્ધ કાર્યવાહી માગણી થવા લાગી હતી. સાથે જ ધિરેન્દ્ર શાસ્ત્રી પર પણ સવાલો ઉઠવા લાગ્યા હતા. અંતે પોલીસે કથિત વિડીયો મામલે પીડિત દલિત પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. છોટે મહારાજ ઉર્ફે શાલીગ્રામ ગર્ગ વિરૂધ્ધ પોલીસે ફરિયાદી કલ્લૂ અહિરવારની ફિરયાદના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસે બમીઠા પોલીસ સ્ટેશનમાં શાલીગ્રામ ગર્ગ વિરૂધ્ધ એસ.સી. એક્ટ સહિત આઈ.પી.સી.ની કલમ 294, 323, 506, 427 હેઠળ ગુનો દાખલ કર્યો હોવાની જાણકારી મળી રહી છે.
12 વાગ્યે કટ્ટા સાથે ધસી આવ્યો
પીડિત કલ્લૂ રામે ફરિયાદમાં નોંધાવ્યું છે કે,”11 ફેબ્રુઆરીના રોજ મારી દિકરીના લગ્ન હતા. ત્યારે ઘર સામે જ લાગેલા લગ્ન મંડપમાં રાત્રિના સમયે 12 વાગ્યે શાલિગ્રામ ગર્ગ ઘુસી આવ્યો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. તે ઊંચા અવાજે વાગતા ગાયનને કારણે ટોકી રહ્યો હતો. ત્યારે તે સિગારેટ પીતા પીતા તેના હાથમાં કટ્ટો લઈ લોકોને ડરાવવા લાગ્યો તેમજ લગ્ન સમારોહમાં હાજર લોકો સાથે ધક્કા મુક્કી પણ કરી. બાદમાં તેણે કહ્યું કે જો તેની વાત નહીં માનીએ તો તે જાનથી મારી નખાશે.”
શાલિગ્રામથી જાન પર જોખમ
ઉપરાંત પીડિત કલ્લૂ રામે મોડી ફરિયાદ નોંધાવવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, તેમના ઘરે પ્રસંગ હતો જેથી તેઓ વ્યસ્ત હતા અને તેમને શાલિગ્રામ ગર્ગનો ભય પણ લાગતો હોય ફરિયાદ નોંધાવી રહ્યા ન હતા. તેમણે ઉમેર્યું કે તેમને અને તેમના પરિવારને શાલિગ્રામ ગર્ગથી ખતરો છે.
વાગશે તો બાગેશ્વર ધામનું જ ગીત…
આ બાબતે ધ લલ્લનટોપ ન્યૂઝના અહેવાલમાં જણાવાયું છે કે, નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે આ માથાકૂટ ગાયન વગાડવાને લઈને શરૂ થઈ હતી. સાથે જ વિડીયોમાં જોઈ શકાય છે કે શાલિગ્રામ એક વ્યક્તિને પકડીને મારપીટ કરતા જણાવી રહ્યો છે કે, ‘રાઈ નહીં બજેગી. ઈસ ગઢા ગાંવ મેં બજેગા તો સિર્ફ બાગેશ્વર ધામ કા ગાના.’
દલિત સંગઠનની ચિમકી !
ઘટના પ્રકાશમાં આવતા ઉત્તર પ્રદેશથી ભીમ આર્મીના ચંદ્ર શેખર આઝાદે ટ્વિટ કરી આરોપી ધરપકડની કરી હતી. તેમણે ટ્વિટ કરી જણાવ્યું છે કે, ‘બાગેશ્વર મામલામાં પોલીસ તાત્કાલીક આરોપીની ધરપકડ કરે. સંવિધાન અને કાયદાએ કોઈ પણ પાખંડીના દરવાજાથી કોઈ ખચકાટ ન રાખવો જોઈએ. એફ.આઈ.આર.માં ગુંડાની ભાષા જૂઓ. આરોપીની જો 48 કલાકમાં ધરપકડ નહીં થાય તો અમે આગામી પગલાનું એલાન કરીશું. સમાજના સન્માન અને સ્વાભિમાન સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં થાય.’
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








