નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ક્રિકેટ સટ્ટાના રૂપિયા 1414 કરોડના વ્યવહારો ઝડપી પાડી સટ્ટાકિંગ રાકેશ રાજદેવ (Rakesh Rajdev) વિરૂધ્ધ ગુનો દાખલ કરતા સટ્ટા બજારમાં હડકંપ મચી ગયો છે. સટ્ટાની દુનિયાના બેતાજ બાદશાહ બનેલા રાકેશ રાજદેવના બેનામી નાણાકિય વ્યવહારો અમદાવાદ ખાતેથી આરોપી કર્મેશ પટેલ અને હરિકેશ પટેલ કરતા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. બંને આરોપી કર્મેશ અને હરિકેશ પટેલ ડમી બેંક એકાઉન્ટ ખોલાવી સટ્ટાના રૂપિયા હવાલા મારફતે દુબઈ મોકલી આપતા હતા. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ગુનો નોંધતા આરોપીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોય પોલીસે આરોપીઓની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
શરૂઆતમાં લોટરી બાદમાં શેરબજારનો ડબ્બો અને બાદમાં ક્રિકેટ સટ્ટાકિંગના કિંગ બનેલા રાકેશ રાજદેવનું સામ્રાજ્ય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા ગુના બાદ ખતરમાં જોવા મળી રહ્યું છે. ડિંગુચા પ્રકરણની તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ અમદાવાદમાંથી ચાલતું સટ્ટાના રૂપિયાનું હવાલા કૌભાંડ પણ ઉજાગર થઈ ગયું હતું. સટ્ટા અને હવાલા કૌભાંડની કડીઓ જોડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સપને પણ ખ્યાલ નહીં હોય કે તે સટ્ટાના કિંગ રાકેશ રાજદેવ સુધી પહોંચી જવાશે. પરંતુ આખરે બાહોશ અધિકારીઓની આ ટીમે કોઈની શરમ ભર્યા વગર રાકેશ રાજદેવ સહિતના આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધતા બુકી આલમમાં સન્નાટો છવાયો ગયો છે. આ કાંડની મળતી વિગત એવી છે કે, રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર.એ ‘ઓન વૉલ્સ 777’ નામની સટ્ટાની એપ બનાવી હતી. આ એપમાં જુગાર રમવાની કે રમાડવાની સુવિધા ઈચ્છતા બુકીઓને ડિપોઝીટ પેટે રૂપિયા મેળવી આઈ.ડી. અને પાસવર્ડ આપવામાં આવતા.
આમ જે રકમ આ પ્રકારના ઓનલાઈન સટ્ટાના ધંધામાં હેરફેર થતી તે હવાલા અને ડમી બેંક અકાઉન્ટ મારફતે થતી હતી. આમ કરોડો રૂપિયા કર્મેશ પટેલ અને હરિકેશ પટેલ ડમી બેંક એકાઉન્ટ ખોલાવી હવાલા મારફતે મોકલી દેતા હતા. જેમાં રાકેશ ઉર્ફે રાકેશ રાજદેવ, ખન્ના અને આશિક પણ સંડોવાયેલા હોવાનું ખલ્યું હતું. પરંતુ રાકેશ,ખન્ના અને આશિક દુબઈમાં હોવાના કારણે ત્રણેય વિરૂધ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબસ એકાઉન્ટમાં થયેલી નાણાની હેરફેરમાં હરિકેશ અને કર્મેશ માસ્ટર માઈન્ડ છે. આમ જ્યારે આરોપીઓની ધરપકડ થાય ત્યારે જ સમગ્ર ઘટનાનો ચિતાર વિગતવાર મળી શકે તેમ છે. સાથે જ હાલ રાકેશ રાજદેવ અને તેના સટ્ટાના નેટવર્કની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચે અન્ય એજન્સીઓની પણ મદદ મેળવી છે. ઉપરાંત સાયબર ક્રાઈમ અને એફ.એસ.એલ.ની ટીમે પણ ઓનલાઈન સટ્ટો રમાડવા માટે ઉપયોગમાં લેવાતી એપની તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








