નવજીવન ન્યૂઝ. ભરૂચઃ ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાન માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે છેલ્લી અનેક બેઠક પર નવાજુનીના દ્રશ્ય દેખાય રહ્યા છે. આ વર્ષની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં રહેલી બેઠક ઝઘડીયાને લઈને મહત્વાના સમાચાર સામે આવ્યા છે. આ બેઠક પર પિતા-પુત્રએ સામ સામે ઉમેદવારી નોંધાવી હતી. જોકે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પુત્ર મહેશ વસાવાએ દાવેદારી પાછી ખેંચી છે.
ઝઘડીયા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત બીટીપી અને અપક્ષના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ તેમના જ પિતાનું પત્તુ કાપીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. મહેશ વસાવાએ ડેડીયપાડાના બદલે ઝઘડીયા બેઠકથી ચૂંટણી લડવનો નિર્ણય કર્યો હતો. જેના કારણે તેમના પિતાની પરંપરાગત બેઠક છીનવાય ગઈ હતી. ઉપરાંત છોટુ વસાવાના અન્ય દિકરા દિલીપ વસાવાએ પણ અપક્ષ દાવેદારી કરી હતી, જોકે તેમણે ગત બુધવારે જ ઉમેદવારી પરત ખેંચી હતી. ત્યારે આજે પુત્ર મહેશ વસાવાએ પણ દાવેદારી પાછી ખેંચી લીધી છે. ઝઘડીયા બેઠક પર છેલ્લા સાત વર્ષથી છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવે છે.હવે આ બેઠક પર મુકાબલો ભાજપ, કોંગ્રેસ, આપ અને છોટુ વસાવા વચ્ચે ચૂંટણી જંગ જામશે.








