નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં નકલી પોલીસની ઓળખ આપીને યુવક પાસેથી બળજબરીપુર્વક રૂપિયા પડાય લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસની નકલી ઓળખ આપીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 55 હજારની માગણી કરવામાં આવી હતી. યુવક જોડે એટલા પૈસા ન હોવાના કારણે આખરે બે નકલી પોલીસ તેને એટીએમમાં લઈ જઈને પૈસા પડાવ્યા હતા. સમગ્ર મામલે હાલ બે નકલી પોલીસ બની આવેલા રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, નડિયાદના ખેડા રોડ આવેલી કંપનીમાં નોકરી કરતાં અને ડભાણ ખાતે રહેતા વિપુલ સુથાર ધનતેરસના દિવસે નોકરીથી છૂટીને તેમના બહેનના ઘરે સુરેલિયા એસ્ટેટ ખાતે જમવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રીના સમયે ઈશ્વર વે બ્રિજ નામના કાંટા પાસે બાઈક પર પહોંચ્યા હતા ત્યારે બે લોકો બાઈક પર આવીને તેમને રોક્યા હતા.
બાઈક પર આવેલા બે વ્યક્તિએ અમે વટવા જીઆઈડીસી પોલીસ ડિસ્ટાફમાં છીએ. પોતાનું નામ વિક્રમ બાપુ જણાવીને તું ખોટા કામ કરે છે, અમારી સાથે ચાલ કહીને યુવકનું બાઈક અન્ય વ્યક્તિ લઈને આગળ જતો રહ્યો હતો. ત્યારબાદ નકલી પોલીસની ઓળખાણ આપનારાએ યુવકને હાટકેશ્વર પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી. ઉપરાંત મોટા કેસમાં ફસાવી દઈશ તો જિંદગી બગડી જશે કહીને યુવક પાસે રહેલા સામાનની તલાસી લીધી હતી.
નકલી પોલીસે પતાવટ કરવા માટે 55 હજારની માગણી કરી હતી. જોકે આટલી મોટી રકમ યુવક પાસે ન હોવાથી રૂપિયા આપવાની મનાઈ કરતા તેને જશોદાનગર પોલસ સ્ટેશન લઈ જવાનું કહીને પુનિતનગર તરફ લઈ ગયા હતા. જ્યાં તેની પાસે 20 હજારની માગણી કરવામાં આવી હતી. યુવકે ના પાડતા તેને માર મારીને એટીએમમાં લઈ ગયા હતા. જ્યાં યુવક પાસેથી પહેલા 20 હજાર અને બાદમાં 1 હજાર કુલ 21 હજાર પડાવી લીધા હતા. ત્યારબાદ યુવક વટવા જીઆઈડીસી તરફ જતાં નકલી પોલીસ બનીને આવેલા બંને તેની પાછળ ગયા હતા અને પોલીસ સ્ટેશન બહારથી જ બંને ફરાર થઈ ગયા હતા. સમગ્ર બાબત અંગે હાલ રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.








