Thursday, June 25, 2026
HomeGujaratનિર્લિપ્ત રાય શોધી રહ્યા છે આ 5 બુટલેગરનેઃ માહિતી આપનારને મળશે આટલું...

નિર્લિપ્ત રાય શોધી રહ્યા છે આ 5 બુટલેગરનેઃ માહિતી આપનારને મળશે આટલું મોટું ઈનામ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાત અને તેની દારુબંધીની અમલવારી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં જાણિતી છે, જોકે જ્યાં ગુજરાતમાં દારુ બંધ કરાવવો પરસેવો છોડાવી દે તેવું કામ છે ત્યાં ગુજરાતના અત્યંત કઠોર આઈપીએસ તરીકેની છબી ધરાવતા આઈપીએસ નિર્લિપ્ત રાય અને નિરજા ગોટરુંના કાંધે એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલની) કમાન છે. બુટલેગરોને પકડવાની સતત કાર્યવાહીઓ ચાલી રહી છે અને તેમાં પણ હાલમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ક્યાંય દારુની રેલમછેલ થઈ જાય નહીં તેની પર પોલીસની સતત નજર છે. સ્ટેટ મોનિયરિંગ સેલ હાલમાં ગુજરાતના કુખ્યાત ગણાતા પાંચ બુટલેગર્સને શોધમાં છે. જેમના પર સ્ટેટ મોનિયરિંગ સેલ દ્વારા કુલ સવા લાખ રૂપિયાનું જંગી ઈનામ પણ જાહેર કર્યું છે.

ગુજરાતમાં ટુંકા ગાળામાં ચૂંટણીની જાહેરાત થાય તેની સંપૂર્ણ શક્યતાઓ છે તેવા સંજોગોમાં ઘણી પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાતો પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત ગુજરાતમાં દારુની રેલમછેલ આ ચૂંટણી ટાણે થાય અને પોલીસ તે નાથવામાં નિષ્ફળ જાય તેવા સંજોગો ઊભા થવા દેવા માગતી નથી. ગુજરાતના સ્ટેટ મોનિયરિંગ સેલ દ્વારા આ કારણે વડોદરા, સુરત જ નહીં પરંતુ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના બુટલેગર્સને શોધવા માટે પોલીસની મદદ કરનારને ઈનામની જાહેરાત કરી છે.

- Advertisement -

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરા ખાતે આવેલી જાનકીનગર સોસાયટીમાં રહેતા વિશ્વાસ ભીમરાવ ગડરી (બોડોગે) કે જેના પર 71 ગુનાઓ નોંધાયા છે જેમાંથી 16 ગુનામાં તે વોન્ટેડ છે તેની સામે 25000 રૂપિયાનું ઈનામ, સુરતના બારડોલી ખાતે રહેતા પિન્ડુ ઉર્ફે બારડોલી પરષોત્તમ પટેલ કે જેના માથે 32 ગુના નોંધાયેલા છે જેમાંથી 10માં તે વોન્ટેડ છે તેની વિગતો આપનારને અને તેને પકડાવનારને 25000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.

આ ઉપરાંત મૂળ ઉત્તરપ્રદેશના મથુરાનો વતની અને અહીં અમદાવાદમાં ચાંદખેડાના ફાયર સ્ટેશન રોડ પર રહેતો દેવેન્દ્ર ઉર્ફે બંસી રામકુલસિંગ પરીહાર કે જેના માથે 20 ગુનાઓ છે અને 2માં તે વોન્ટેડ છે તેની સચોટ જાણકારી આપી પકડાવનાર માટે પણ 25000 ઈનામ, પાંચ ગુનાનો આરોપી અને 2 ગુનામાં વોન્ટેડ એવો વડોદરાનો વારસિયા વિસ્તારમાં આવેલી સંત કંવર કોલોનીમાં રહેતો સુનિલ ઉર્ફે અદો પ્રકાશમલ કેવલરામાણીને પકડાવનારને 25000 ઈનામ તથા રાજસ્થાનના ઉદેપુર ખાતે આવેલા થાના-ઘાંસાના ગંડોલી ગામમાં રહેતો સુનીલ ઉર્ફે ભંવરલાલ મોતીલાલ દરજી કે જેના માથે 65 કેસ નોંધાયેલા છે અને જેમાંથી 16માં તે વોન્ટેડ છે તેને પણ પકડાવનારને 25000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પોલીસે આ સાથે આશ્વાસન પણ આપ્યું છે કે આ આરોપીઓને પકડાવનારની માહિતી સંપુર્ણ પણે ગુપ્ત રાખવામાં આવશે. જો તેઓ અંગે કોઈ પાસે સચોટ માહિતી છે તો તે સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરને મો. નં. 9978409153 પર સંપર્ક કરી શકે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular