નવજીવન ન્યૂઝ.સુરતઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ માટે આમ આદમી પાર્ટી માથાનો દુઃખાવો બની રહી છે. ખાસ કરીને જ્યારથી કેજરીવાલ દ્વારા ગુજરાતના પ્રવાસ દરમિયાન લોકોને સ્પર્શતા મુદ્દાઓને છંછેડવામાં આવ્યા છે ત્યારથી ભાજપના નેતાઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. જોકે ભાજપ દ્વારા જાહેરમાં આપને જનતા સ્વીકારશે નહીં તેવી વાત કરવામાં આવે છે પરંતુ ભાજપમાં આંતરિક ચિંતા જોવા મળી રહી છે. આ તરફ આવા માહોલ વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે. તેની સાતત્યતા અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે પંરતુ આ વીડિયો માત્ર અંગે વાત કરીએ તો તેમાં એક કારખાનાના વીઝ્યૂઅલ્સ છે.
આ કારખાનામાં હિરાઘસુઓ કામ કરી રહ્યા છે ત્યારે વ્યક્તિ પોતાના મોબાઈલથી વીડિયો શૂટ કરે છે અને તેમાં ઓડિયોમાં સંભળાય છે કે તે કહે છે, સાંભળો બધા, કડક અમલીકરવાનું છે, ખાસ વિનંતિ છે કે તમારા બધાના મોબાઈલમાં સોશિયલ નેટવર્કની અંદર કે સોશિયલ મીડિયામાં મહેરબાની કરીને કોઈ કેજરીવાલનો પ્રચાર થતી પોસ્ટ શેર કરવાની નહીં. અને જે પણ મિત્રોએ કેજરીવાલની પોસ્ટ કરવી હોય તો ઊભા ઊભા જ હિસાબ કરી જવાની છુટ્ટી છે. હવે પછી મારા કારખાનામાં કોઈનો મોબાઈલ કેજરીવાલની પાર્ટીનો પ્રચાર કરતો પકડાશે તો હું ઊભા ઊભા જ રજા આપી દઈશ. એની નોંધ લેવાની છે.
આ વીડિયો હાલ સોશિયલ મીડિયા વ્હોટસએપથી માંડી ઘણા પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેજરીવાલ સમર્થકો વીડિયોમાં જણાવી રહ્યા છે કે, કારખાનાના માલીકો પર કેટલી હદે દબાણ હશે તે વિચારો. ઉલ્લેખનીય છે કે આ વીડિયો અને તેમાં સંભળાતા ઓડિયોની કોઈ પૃષ્ટી નવજીવન ન્યૂઝ દ્વારા થઈ રહી નથી. હાલ અહીં વીડિયો માત્ર ચર્ચામાં છે તેના કારણે સોશિયલ મીડિયા પર લોકો તેની વાત કરતા થયા છે.








