નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બે દિવસ અગાઉ સિનિયર સિટીઝનને તેમના જ ઘરમાં બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. દિનદહાડે આ પ્રકારની ઘટના બનતા સિનિયર સિટીઝના સુરક્ષા અંગેની અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારે આજે પોલીસની સતર્કતાના કારણે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના વેજલપુરમાં ખાદીમ સોસાયટીમાં રહેતા 73 વર્ષના નિવૃત એન્જીનીયર જમાલુદ્દીન વઢવાણિયાના ઘરમાં ભરબપોરે બે લૂંટારૂ આવી પહોંચ્યા હતા. તેમને મકાન વહેવાનું હોવાથી અવાર-નવાર અજાણી વ્યક્તિઓ આવતી રહેતી હતી. લૂંટારૂઓએ પણ મકાન અંગેની વાતચીત કરી હતી. જોકે જમાલુદ્દીનની તબયીત સારી ન હોવાના કારણે પછીથી વાત કરવાનું કહીને નંબર આપતા જવાનું કહ્યું હતું.
ત્યાર બાદ મકાન જોવાના બહાને આવેલા લૂંટારૂઓએ જમાલુદ્દીનના હાથ-પગ નાયલોન દોરીથી બાંઘી દીધા હતા અને મોંઢા પર સેલોટેપ મારી દીધી હતી. લૂંટારૂ દ્વારા ઘરમાં પડેલી ચેકબુક પર જબરજસ્તીથી સહીઓ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. લૂંટારૂ દ્વારા ઘરના લોકરમાં રહેલા 1 લાખ 11 હજાર રોકડની લૂંટ ચલાવી, કોરા ચેક પર સહિઓ કરાવી હતી. સાથે જ મકાનના જરૂરી કાગળો પર જબરજસ્તીથી સહી કરાવી આરોપી નાસી છૂટ્યા હતા. સમગ્ર બનાવ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
પ્રૌઢની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આજે ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમના નામ રાહીલ શેખ, કાસમ શેખ અને શાહેબાજ મોમીન છે. આ તમામ આરોપી જુહાપુરા અને સરખેજ વિસ્તારના રહેવાસી છે. પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી મોમીન ભોગબનાર પ્રૌઢના ઘરની સામે જ રહેતો હતો. પ્રૌઢ એકલા રહેતા હતા અને તેમને ડરાવવાથી મકાનના દસ્તાવેજ પર સહી કરી દેશે તેમ વિચારીને અન્ય બે મિત્ર રાહીલ શેખ અને કાસમ શેખની સાથે લૂંટનું પ્લાનિંગ કર્યું. આરોપીઓએ પ્રૌઢને બંધક બનાવીને મકાનના દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી. ઉપરાંત પ્રૌઢ ગભરાય જતાં સહી કરતા હાથ ધ્રુજતા હોવાના કારણે સહી ન કરી શકતા અને તેના કારણે આરોપીઓએ માર પણ માર્યો હતો.








