નિમેશ જોશી (ભાજપ મીડિયા કમિટિના સભ્ય): ૧૭ સપ્ટેમ્બર – ગુજરાતના પનોતાપુત્ર અને સૌથી વિશેષ તો આપણા પોતાના એવા નરેન્દ્ર મોદીનો જન્મદિન. નરેન્દ્ર પાસેથી પ્રેરણા લેવાની કેટકેટલી બાબતો છે. ડગલેને પગલે આપણને તેમની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા, સમાજ પ્રત્યેની સંવેદના, ફરજ પ્રત્યેની સભાનતા, વંચિતો પ્રત્યેની સહદયતા, સૌ પ્રત્યેનો અપાર પ્રેમ, વિચારધારા પ્રત્યેની અડગ શ્રદ્ધા, દેશના દુશ્મનો સામે મજબૂત રણટંકાર અને ભ્રષ્ટાચારીઓને અક્ષમ્ય શિક્ષા.
આત્મનિર્ભર ભારતના સ્વપ્રદૃષ્ટા એવા અદ્ભુત, અભૂતપૂર્વ, અતુલનીય અસ્તિત્વ ધરાવતા નરેન્દ્રની આફતને પણ સેવાના અવસરમાં પલટાવવાની ક્ષમતા કે ગામડાના સહજ, સરળ માણસથી લઈને જે – તે ક્ષેત્રના વિશ્વભરના નિષ્ણાત કે ધુરંધર વ્યક્તિને પણ કોઈ ને કોઈ બાબતે પ્રેરણા આપતું નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વએ આપણી માટીએ ઘડ્યું છે તેનું ગૌરવ આપણને સૌને અકલ્પનીય, અનરાધાર અને અલૌકિક છે.

નરેન્દ્ર સ્વયંથી આગળ વધતાં-વધતાં ન માત્ર એક સંસ્થા કે સરકાર બન્યા છે પરંતુ એક ‘વિચાર’ બની ગયા છે. આ વિચાર દ્વારા જ તેઓ રાષ્ટ્રને પરમવૈભવના શિખરે બિરાજમાન કરવા પોતાનું સમગ્ર જીવન – દિવસની પ્રત્યેક ક્ષણ આપવા કટિબદ્ધ છે.
વિચાર તો કરો – ૨૫-૨૫ વર્ષના જાહેર જીવનમાં અનીતિ, અન્યાય કે અપ્રામાણિકતાનો એક અંશ આ બેદાગ વ્યક્તિત્વને સ્પર્શી પણ સુધ્ધાં શક્યો નથી. નરેન્દ્રના વ્યક્તિગત જીવનની આ પ્રામાણિકતાની મૂડીએ સમગ્ર વિશ્વને અકિંચન જીવનની દીવાદાંડી પૂરી પાડી છે.
આવો, અગણ્ય ગુણોના અસરકારક અને છતાં એટલા જ નમ્ર, નિરાળા અને નિઃસ્વાર્થ નરેન્દ્ર પાસેથી કોઈ ને કોઈ બાબતની પ્રેરણા લઈ તેને આપણા જીવનના કર્મમાં પરિવર્તિત કરી રાષ્ટ્રના અવિરામ-અવિચલ સાધક બની રાષ્ટ્રવંદના કરતા રહીએ.
(અહેવાલ નિમેશ જોશીના શબ્દોમાં સીધી પ્રકાશીત કરાયા છે)








