Saturday, May 30, 2026
HomeGujaratAAP ગુજરાતનાં નેતાઓ કહે છે અમારા કાર્યાલય ઉપર પોલીસે દરોડા પાડ્યા, પોલીસે...

AAP ગુજરાતનાં નેતાઓ કહે છે અમારા કાર્યાલય ઉપર પોલીસે દરોડા પાડ્યા, પોલીસે વાત નકારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં નવી આવેલી આમ આદમી પાર્ટી સતત ચર્ચામાં રહે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે અને ગુજરાતની જનતાને પોતાના તરફ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતની રાજનીતીમાં પ્રવેશ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગઇકાલે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવી પહોંચ્યા હતા, તે જ સમયે આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તેવી ટ્વિટ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી, જોકે અમદાવાદ પોલીસ આ વાતને નકારી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા પણ ટ્વિટ કરીને આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે આ માત્ર એક અફવાહ છે અમદાવાદ પોલીસ દ્વારા આવા કોઈ દરોડા પાડવામાં આવ્યા નથી.

- Advertisement -

આપ નેતા ઈશુદાન ગઢવીએ ટ્વિટ કર્યું હતું કે, “કેજરીવાલ અમદાવાદ પહોંચતા જ ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. બે કલાક સુધી શોધખોળ કરી. કંઈ મળ્યું નથી. તેમણે કહ્યું કે તે ફરી આવશે.” ત્યાર બાદ તેમણે બીજી એક ટ્વિટ કરી હતી કે, “ત્રણ પોલીસ વાળા આવ્યા હતા. તેમની પાસે કોઈ વોરંટ કે કોઈ કાગળ નહોતો. દેખીતી રીતે રેઈડ “અનધિકૃત” હતી. રેકોર્ડમાં ક્યાંય તેનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. ગુજરાતમાં લોકોને હેરાન કરવાની આ ભાજપની સ્ટાઈલ છે.”

આ અંગે ખુલાસો કરતાં અમદાવાદ પોલીસે ટ્વિટ કર્યું હતું કે, “ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીની ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો, આ સમાચાર સોશિયલ મીડિયા પરથી જાણવા મળ્યા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા કોઈ દરોડા પાડવામાં આવ્યા નથી.”

અમદાવાદ પોલીસનું આ ટ્વિટ આવ્યા બાદ AAP ગુજરાતનાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કર્યું હતું કે, “ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.”

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે બંને પક્ષો દ્વારા અલગ અલગ વાત કરવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય તપાસ બાદ જ સામે આવશે કે આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા કે નહીં અને જો પાડ્યા હતા તો તે પોલીસ હતા કે નહીં.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular