નવજીવન ન્યૂઝ.મુંબઈઃ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન થઈ ગયું છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર મુંબઈથી અડીને આવેલા પાલઘર પાસે મુંબઈ અમદાવાદ હાઈવે પર આ ઘટના બની હતી. એક પોલીસ અધિકારીએ એજન્સીને કહ્યું કે ટાટા સંસના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કાર રવિવારે મહારાષ્ટ્ર તરફ પાલઘર પાસે ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત થયો હતો. તેઓ મર્સિડીઝ કારમાં અમદાવાદથી મુંબઈ તરફ આવી રહ્યા હતા. આ ઘટનામાં કાર ચાલક સહિત બે અન્ય લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને ગુજરાતની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીએ કહ્યું, “આ અકસ્માત બપોરે 3.15 વાગ્યે થયો હતો. મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. આ અકસ્માત સૂર્યા નદી પરના પુલ પર થયો હતો. એવું લાગે છે કે તે અકસ્માત છે.” શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

આ કારમાં કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા જેમાંથી બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે જ્યારે અન્ય બે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાયરસ મિસ્ત્રીને પણ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. MH-47-AB-6705 નંબરની મર્સિડીઝ કારમાં તેઓ અમદાવાદથી લગભગ બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં મુંબઈ તરફ આવતા સૂર્યા નદીનો પુલ પાર કર્યા પછી આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાયરસ સાથે જહાંગીર દિનશા પંડોલેનું પણ મૃત્યુ થયું છે. અનાયતા પંડોલે (મહિલા) અને દરીયસ પંડોલે પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે લંડનમાં અભ્યાસ કર્યા પછી મિસ્ત્રીએ 1991માં પોતાના પારિવારિક બિઝનેસમાં હાથ અજમાવ્યો હતો. તે પછી 94માં તે શાપૂરજી પાલોનજી ગ્રુપના ડાયરેક્ટર બન્યા હતા. વર્ષ 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામુ આપ્યું હતું જે પછી આ પદભાર સાયરસ મિસ્ત્રીને સોંપવામાં આવ્યો હતો. ટાટા સન્સના તેઓ સૌથી યુવા ચેરમેન તરીકે કામ કરનારા બન્યા અને તેમના પરિવારની 18.4 ટકા જેટલી ભાગીદારી ટાટા સન્સમાં છે. તેઓ ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સના બીજા મોટા શેર હોલ્ડર છે. જોકે 4 વર્ષમાં જ વર્ષ 2016માં ટાટા સન્સના ચેરમેન પદ પરથી તેમને હટાવાયા અને તેમની જગ્યાએ રતન ટાટાને ઈન્ટ્રીમ ચેરમેન તરીકે કામગીરી સંભાળવાની થઈ હતી.








