નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારો નવા નવા રસ્તા અપનાવીને ગુનાને અંજામ આપતા હોય છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ ચાલુ વીજળીના વાયર કાપીને ચોરી કરી લેતા હતા અને ત્યાર બાદ આ વાયર ઓગળીને અંદરથી મળતું એલ્યુમિનિયમ વેચીને તેના પૈસા મેળવતા હતા.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ આ આરોપીઓ છેલ્લા છ-સાત મહિનાથી આ પ્રકારની ચોરી કરતાં હતા, જેમાં લગભગ 9 જેટલા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ પણ કરવામાં આવી છે. આ આરોપીઓએ અત્યાર સુધી અમદાવાદ, મહેસાણા અને સુરત જેવા જિલ્લાઓમાં 29 જેટલી જગ્યાએ આવી રીતે ચાલુ વીજળીના વાયર કાપીને ચોરી કરી લીધા હતા અને તેનું એલ્યુમિનિયમ વેચી કાઢ્યું હતું.
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વીજચોરીનું આખું નેટવર્ક રાજસ્થાનથી ચાલતું હતું. રાજસ્થાનમાં રહેતા રાધેશ્યામ કુમાવત અને નારાયણ કુમાવત આ નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે, આ બંનેમાંથી નારાયણ કુમાવત હાલ ગુજરાતનાં સુરત જીલ્લામાં રહે છે. આ બંને આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા ત્રણેય આરોપીઓ અલગ અલગ વિસ્તારોમાં ખુલ્લા ખેતરોમાં જઈને વીજળીના વાયરોની રેકી કરતાં હતા અને ત્યાર બાદ તેમની કુમાવત ગેંગના અન્ય મેમ્બર્સ સાથે મળીને આ વાયરો ઉપર દોરડું નાખીને બે વાયર ભેગા કરી દેતા હતા, જેના કારણે વીજપુરવઠો ખોરવાઈ જતો હતો અને આ આરોપીઓ એક ખાસ પ્રકારના કટરની મદદથી વાયરો કાપી લેતા હતા. વાયરોની ચોરી કર્યા બાદ આરોપીઓ તેને ઓગળીને એલ્યુમિનિયમ વેચી દેતા હતા. ત્રણ આરોપીઓની ધરપકડ બાદ હવે પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.








