નવજીવન ન્યૂઝ. ભરૂચઃ અંકલેશ્વરથી પાનોલી તરફના રેલ્વે ટ્રેક પર ચાલુ ટ્રેને હાઈટેન્શન લાઈનનો કેબલ તૂટીને ટ્રેન પર પડ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે સમયસૂચકતા દાખવીને ટ્રેને રોકી દેવામાં આવતા મોટી દુર્ઘનના ટળી હતી. કેબલ તુટવાના કારણે વડોદરાથી ભરૂચ અને સુરત જતી તમામ ટ્રેનની ભરૂચ નજીક રોકી દેવામાં આવી હતી. આ બનાવના પગલે વિદ્યાર્થી અને નોકરીયાત લોકોનું શિડ્યુલ ખોરવાયું હતું.
અંકલેશ્વરથી પાનોલી તરફ બે કિમીના અંતરે ઉદયપુર સિટી ટ્રેન પસાર થઈ રહી હતી. આ દરમિયાન ટ્રેનનો હાઈટેન્શન લાઈનનો કેબલ તૂટીને ટ્રેન પર પડ્યો હતો. આ કેબલ 25000 વોટનો હતો. આ ઘટના બનતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિની બની ન હતી. સવારના સમયે અમદાવાદ અને મુંબઈની મુખ્ય 5 લાઈનનો ઈલેક્ટ્રિક સપ્લાય ઠપ થતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.
કેબલ તુટવાના કારણે રેલ્વે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. રેલ્વેની ટીમ દ્વારા તુટી ગયેલા કેબલને દુરસ્ત કરવાનૂ કામગીરી હાથ ધરી હતી. આ બનાવના પગલે વડોદરા-સુરત મેમુ અને ભરૂચ-સુરત મેમુ ટ્રેનને રદ કરવામાં આવી હતી. ઉપરાંત અજમેરથી બાંદ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન અંકલેશ્વરના પીરામણ ગરનાળાના બ્રિજ પર જ થંભી ગઈ હતી. જ્યારે ગુજરાત એક્સપ્રેસ, સયાજી નગરી, દીલ્હી-બાંદ્રા સહીતની અનેક વડોદરાથી મુંબઈ જતી ટ્રેન પ્રભાવીત થઈ હતી.








