નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં રોડ પર રખડતાં પશુઓને લઈને ગુજરાત હાઈકોર્ટનું અગાઉ આકરૂ વલણ જોવા મળ્યું હતું. હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા તંત્ર એકશન મોડમાં આવી ગયું હતું. ગુજરાતના અનેક જિલ્લાઓમાં રખડતા ઢોર અંગે તાબડતોબ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, તો કેટલીક જગ્યાએ ઢોર પાર્ટી અને પશુપાલકો વચ્ચે ઝપાઝપીના બનાવ પણ સામે આવ્યા હતા. ત્યારે આજની સુનાવણીમાં હાઈકોર્ટ ફરી એકવાર તંત્રની ઝાટકણી કાઢી છે.
ગુજરાતમાં રખડતા ઢોરને લઈને અનેક લોકોની જિંદગી છીનવાઈ ગઈ છે. સામાન્ય માણસ તો અવારનવાર રખડતા ઢોરનો શિકાર બનતો હોય છે, પરંતુ તાજેતરમાં જ મંત્રીઓને પણ ઢોરનો કડવો અનુભવ થઈ ગયો હતો. રખડતા ઢોરને લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે તંત્રનો ઉધડો લેતા કહ્યું હતું કે, રખડતા ઢોરની સંખ્યા પ્રમાણે AMCની કાર્યવાહી ધીમી છે, માત્ર ફરિયાદો જ થાય છે, ધરપરડ પણ કરાય છે.? કોઈ એક કિસ્સો બતાવો જેમાં કડકાઈ પુર્વક કામગીરી કરવામાં આવી હોય.
ગુજરાત હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, દર વખતેની જેમ આંસુ સારવાથી કામ નહીં ચાલે, ઢોર પાર્ટી પર હુમલો કરનારા વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરો. હજી પણ તંત્ર ઢોર પકડવામાં ઢીલાશ રાખી રહી છે. હાઈકોર્ટે AMCને સતત ત્રણ દિવસ રાત દિવસ એમ 24 કલાક ઢોર પકડવા માટેનું કામ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત તમામ પાલિકાઓને એક અઠવાડિયા સુધી કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ હાઈકોર્ટના કડક વલણ બાદ AMCએ 7 ઝોનમાં ઢોર પાર્ટીની 21 ટીમ તૈનાત કરીને ત્રણ દિવસમાં 500થી વધુ ઢોર પકડવાની કાર્યવાહી કરી હતી.








