નવજીવન ન્યૂઝ.ગીર સોમનાથઃ સોમનાથમાં શ્રાવણ મહિનામાં દર્શનનો લાહવો લેવામાં સામાન્ય માણસો સહિત નેતાઓને પણ તત્પરતા રહેતી હોય છે. જોકે સોમનાથથી રાજનીતિ ચમકી પણ જતી હોય છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ શ્રાવણ મહિનાના અંતિમ દિવસે પરિવાર સાથે સોમનાથના દર્શન માટે આવ્યા હતા. અહીં તેમણે અને તેમના પરિવારે દર્શન કર્યા હતા. દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચિત કરી હતી અને ચૂંટણીમાં પોતાની ઉમેદવારીને લઈને નિવેદન આપ્યું હતું.
તેમણે મંદિરમાં દર્શન કર્યા પછી મીડિયા સાથે વાતચિત કરી હતી અને તેમણે કહ્યું હતું કે, પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ. તેમણે કહ્યું કે, અમે કોઈ પદ્દ માટે કામ નથી કરતા. ટિકિટો માટે કામ નથી કરતા. આ એક સ્વપ્ન છે કે ભારતમાતા એક શક્તિશાળી માતા બને. ભારત પરમવૈભવના શિખર પર પહોંચે તેવા એક સ્વપ્ન માટે અમે કામ કરીએ છીએ. પાર્ટી જે કામ સોંપે એ હંમેશા કરતા આવ્યા છીએ અને કરીશું. પાર્ટી ચૂંટણી લડવાનું કહે તો લડીએ, ચૂંટણી ન લડવાનું કહે તો પાર્ટીને ચૂંટણી જીતાડવા કામ કરીએ. અને, આ જ અમારી પદ્ધતિ રહી છે.
જોકે આ દરમિયાન પત્રાકરોએ તાજેતરમાં ભાજપના નેતાઓની થયેલી ખાતાબદલી અંગે અને જુના જોગીઓને રિપિટ કરવા મામલે સવાલ કરતાં તેમણે કહ્યું કે, હજુ ભાજપે એવી કોઈ પોલિસી નક્કી કરી નથી, પણ ભાજપ પાર્ટી વિકાસના આધારે પોતાની રીતે સ્વતંત્ર, કોઈ દબાણ વગર આગળ વધશે અને યોગ્ય નિર્ણયો અમારું નેતૃત્વ કરશે. ભાજપમાં કોઈ જુથવાદ નથી, કોઈ પ્રોબલેમ નથી, કોઈ ગભરાતા પણ નથી. જે બધી વાતો છે તે હવામાં છે. અમે એક છીએ, અમે અમારી રીતે આગળ વધીશું.








