નવજીવન ન્યૂઝ.છોટાઉદેપુરઃ પાવીજેતપુરના ધુટણવડ ગામમાં સગા સાળાએ જ જીજાજીને ગોળી મારી તેમની હત્યા કરી નાખ્યાનો બનાવ બન્યો છે. પાવીજેતપુરમાં સ્નેહા નામની એક યુવતીએ દોઢેક વર્ષ પહેલા સુનિલ રાઠવા નામના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે પ્રેમલગ્નને કારણે સ્નેહાનો પરિવાર નારાજ થયો હતો. આ નારાજગીને પગલે દોઢ વર્ષ પછી સુનિલની સ્નેહાના ભાઈએ હત્યા કરી નાખ્યાની ઘટના બની છે.
સ્નેહાએ જ્યારે સુનિલ સાથે લગ્ન કર્યા ત્યારે ગમેતેમ કરીને સ્નેહાને તેના પરિવારના લોકો પાછી લઈ ગયા હતા. જે પછી નજીકમાં જ આવેલા ઉચાપાન ગામના એક યુવક સાથે પરિવાર બળજબરીથી લગ્ન કરાવી દીધા હતા. જોકે હવે આ બળજબરીવાળા લગ્ન સ્નેહાને મંજુર ન હતા. જેને કારણે સ્નેહા સુનિલ સાથે ભાગી ગઈ અને ધુટણવડ ગામમાં રહેવા લાગી હતી.
સુનિલ બહેનને ફરી ભગાડી ગયો છે તે જાણી સ્નેહાનો ભાઈ સચિન રાઠવા ખુબ ગુસ્સે થયો. તેને આ લગ્નથી એટલી નારાજગી થઈ કે તેણે સુનિલને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરી લીધું. તેણે આ દરમિયાનમાં પોતાના પ્લાન પ્રમાણે 25મી ઓગસ્ટે પોતાના પિતાની લાયસન્સ વાળી બંદૂક ઉઠાવી અને પહોંચી ગયો બહેન સ્નેહાના ઘરે.
સચિનને બંદૂક હાથમાં રાખી આવેલો જોઈ સુનિલ અને સ્નેહા ડરી ગયા અને તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો. જોકે થોડા જ દૂર નીકળી શક્યા કે સચિને ફાયરિંગ કરતાં સુનિલ રાઠવા ઘર પાસે જ ધડામ કરતાં ઢળી પડ્યો હતો. ગોળી વાગ્યા પછી પણ સચિનનો ગુસ્સો શાંત થયો ન હતો તેણે સુનિલના માથામાં બંદૂકના ફટકા માર્યા. ફાયરિંગનો ધડાકાભેર અવાજ આવતા આ તરફ લોકો પણ દોડી આવ્યા. જોકે સચિનના હાથમાં બંદૂક હોઈ કોઈ વચ્ચે પડ્યું નહીં.
જોકે કોઈએ 108ને ફોન કરી તુરંત ઈજાગ્રસ્તને સારવાર મળે તેનો બંદોબસ્ત કર્યો. જોકે સચિન તો એટલો ગુસ્સામાં હતો કે 108ના સ્ટાફને પણ ઈજાગ્રસ્ત સુનિલ પાસે જવા જ દેતો ન હતો. 108ને આ દરમિયાનમાં પોલીસની મદદ મળતા તેઓ સુનિલ સુધી પહોંચી શક્યા. પોલીસે સચિનને ઝડપી પાડ્યો અને તેની ધરપકડ કરી લીધી. જોકે સારવાર મળે તે પહેલા સુનિલનું મોત નિપજી ચુક્યું હતું. જોકે વિગતો મળી રહી છે કે સ્નેહા હવે ગર્ભવતી છે અને તે તેના ભાઈ સચિનને આ જધન્ય અપરાધની કડકમાં કડક સજા મળે તેવી માગ કરી રહી છે.








