નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં સતત વધી રહેલા સીએનજીના ભાવ વચ્ચે આજે પ્રથમ વખત સીએનજી ગેસમાં ભાવ ઘટાડો સામે આવ્યો છે. ભાવ ઘટાડાના કારણે મોંઘવારીનો બોજ સહન કરી રહેલી જનતાને સામાન્ય અંશે રાહત મળી છે. ઓગસ્ટ મહિનામાં જ અદાણી સીએનજીના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો. આ મહિનાના પહેલા જ અઠવાડીયામાં 2 દિવસમાં પ્રતિ કિલો CNG ગેસના ભાવમાં રૂ. 3.48નો વધારો થયો હતો. જ્યારે આજે અદાણી સીએનજીના ભાવ પહેલીવાર ઘટાડો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં અદાણી સીએનજીના ભાવમાં પ્રતિ કિલ્લોએ 3.48 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજી ગેસમાં ભાવ ઘટાડાના કારણે ગેસનો નવો ભાવ 83.90 રૂપિયા પ્રતિ કિલો થયો છે. અદાણી સીએનજી ગેસનો જુનો ભાવ જુનો ભાવ 87.38 હતો. 2 ઓગસ્ટએ 1.99 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે 4 ઓગસ્ટએ ફરી 1.49 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 4 ઓગસ્ટએ અદાણી સીએનજી ગેસના ભાવમાં વધારો થતા સીએનજીનો ભાવ પ્રતિ કિલ્લોએ 87.38 પર પહોંચી ચુક્યો હતો.
ગુજરાતમાં CNGનો ભાવ એક વર્ષ અગાઉ 52 રૂપિયાની આસપાસમાં હતો. જો કે એક વર્ષમાં જ 35 રૂપિયા જેટલો ભાવ CNG ગેસમાં વધી ગયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે બે પૈસા બચાવવા માટે જે લોકોએ વાહનોમાં CNG કીટ નખાવી હતી, અથવા CNG વાહન વસાવ્યું હતું તેમના રાતાપાણી રોવાનો વારો આવ્યો છે. આગામી સમયમાં ગુજરાતમાં ચુંટણી આવી રહી છે. અગાઉ 4 રાજ્યમાં ચુંટણી સમયે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાતમાં ચુંટણીના સમય સુધીમાં સીએનજીના ભાવમાં જનતાને કેટલી રાહત મળે છે.








