નવજીવન ન્યૂઝ. મુંબઈઃ શેર માર્કેટના દિગ્ગજ રાકેશ ઝૂનઝૂનવાલાનું 62 વર્ષની વયે નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારે 6.45 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું મૃત્યુ થયું હતું. તે થોડા દિવસો પહેલા પણ હોસ્પિટલમાં ગયા હતા. તેમને 2-3 અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ છોડ્યા બાદ પણ તેમની તબિયત સારી રહી ન હતી.
સવારે હૃદયરોગનો હુમલો આવતા તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લાવવામાં આવતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ઝૂનઝૂનવાલા સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી પીડિત હતા અને છેલ્લીવાર એક અઠવાડિયા પહેલા અકાસા એરના લોન્ચિંગ વખતે જોવા મળ્યા હતા. તેઓ આ એરલાઇનના સ્થાપક પણ હતા, જે તાજેતરમાં શરૂ કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, ‘રાકેશ ઝૂનઝૂનવાલા જીવંત, બુદ્ધિશાળી અને ઊંડી સમજણ ધરાવતા વ્યક્તિ હતા. તેમણે આર્થિક જગતમાં અમીટ છાપ છોડી છે. તે (ઝૂનઝૂનવાલા) ભારતની પ્રગતિ માટે ખૂબ જ ઉત્સાહી હતા. તેમની દુનિયામાંથી વિદાય દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.’.








