ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): સોનામાં હવે પછી શું? પ્રશ્ન તમને, મને અને બધાને થવો વાજબી છે. સોનામાં લેણ કારવાવાળાને આકર્ષવાનો સંઘર્ષ જારી છે. વારંવાર આવતા પ્રત્યાઘાતી ઘટાડા સૂચવે છે કે બુલિયન બજારને હજુ તેજીના પગ નથી આવ્યા. શુક્રવારે અમેરિકન જુલાઇ નોન ફાર્મ પેરોલ (બિન કૃષિ રોજગારી)ના આંકડા, બજારની અપેક્ષા ૨.૫ લાખ સામે ૫.૨૮ લાખ આવ્યા, તેથી બજારનો સીનારિયો બદલાઈ ગયો હતો. સોનાના ભાવ, વધ્યા પછી બમ્પર રોજગારી છતાં ઘટીને બંધ રહ્યા હતા. શુક્રવારે એક તબક્કે ભાવ ૧૭૮૦.૨૦ ડોલર સુધી ઘટયા હતા, પણ આખરે સતત ત્રીજા સપ્તાહે હકારાત્મક નોંધ સાથે બંધ થયા હતા.
ટ્રેડરોને એવી આશા છે કે ચોથા વર્તમાન સપ્તાહે પણ ભાવ હકારાત્મક ઝોનમાં રહેશે. નબળો ડોલર, અમેરિકન ટ્રેઝરીનું ઘટતું યીલ્ડ, અને શેરબજારોમાં વહેલા સુધારાની આહલેક, સોનાને ફરી સલામત મૂડી રોકાણના સ્વર્ગની પ્રતિસ્થા અપાવી શકે છે. પણ જો શેરબજારો અને જોખમી અસકયામતોમાં મંદિવાળા પાછી પકડ જમાવી લેશે તો, ઉક્ત બધા સંકેતો સોનાની તેજીમાં અંતરાયો ઊભા કરશે. મંગળવારે એશિયન ટ્રેડિંગમાં નાયમેક્સ ડિસેમ્બર વાયદો ૧૮૦૬.૭૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) બોલાયો હતો. સ્પોટ (હાજર) સોનું ૧૭૮૮ ડોલર મુકાયું હતું.
બુધવારે રજૂ થનાર અમેરિકન ફુગાવાના આંકડા બજારને નવી દિશાદોર આપશે, સાથે જ અમેરિકન અર્થતંત્રની તંદુરસ્તી પણ રજૂ કરશે, આ જોતાં ટ્રેડરોએ બહુ ઉતાવળા સોદાનું જોખમ નહીં લેવું જોઈએ. કેટલાંક બુલિયન ડીલરોનું માનવું છે કે ફેડરલ રિઝર્વ નાણાંનીતિ માટે બહુ કડક પગલાં ભરવાને બદલે વ્યાજદર વૃધ્ધિ માટે થોડા હળવા હલેસા મારશે. આ જોતાં કહી શકાય કે સોનાના તેજીવાળાને ટેકો મળે તેવા કોઈ ફંડામેન્ટલ્સ અત્યારે નિર્માણ નથી થઈ ગયા. અલબત્ત, જો ફુગાવાના આંકડા ઠંડા પડશે તો, તે સોનાને ઊંચે જવાના દરવાજા ખોલી આપશે.
અમેરિકન કંજુમર પ્રાઇસ ઇંડેક્સ (ફુગાવા) ઉપરાંત ગુરુવારે પ્રોડ્યુસર પ્રાઇસ ઇંડેક્સ સાથે સાપ્તાહિક બેરોજગારી ભથ્થાના દાવા તેમજ મિશિગન યુનિવર્સિટીનો કંજુમર સેનાટિમેન્ટ ઇંડેક્સ શુક્રવારે રજૂ થશે. આ બધી ઘટનાઓ છતાં એનાલિસ્ટઓ માને છે કે ફુગાવાને લક્ષ્યાંકના વર્તુળમાં લાવવા ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવાનું ચાલુ રાખશે. બુલિયન એનાલિસ્ટઓ કહે છે કે સર્વાંગી રીતે જોઈએ તો તેજી માટે ભાવિ ઉજળું છે, પણ જેની રાહ જોવાય છે તે ડોલર ઇંડેક્સ રિબાઉન્ડ થયા તો ત્યાર પછીના નફા બુકિંગમાં સોનાના ભાવ ૧૭૫૦ કે ૧૭૨૦ ડોલરના તળિયે જઇ બેસે તેવી સંભાવનાઓ પણ નકારાતી નથી.
ટૂંકાગાળામાં ઘણાબધા ફંડામેન્ટલ્સ સોનાના ભાવ પર અસર કરનાર છે, આથી ટ્રેડરોએ અત્યંત સાવધતા પૂર્વક પોતાના લક્ષ્યાંકો બાંધવા પડશે. બજારમાં ચર્ચાની એરણ પર અમેરિકન ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જુલાઇ ફુગાવાના આંકડા જે વર્તમાન સપ્તાહે રજૂ થવાના છે, તે મહત્વની કોમોડિટીના ભાવને ટાઈટ રેન્જમાં રાખવા પ્રયાસ કરશે. શક્યતા એવી છે કે ક્રૂડ ઓઇલના ભાવ નીચે જઇ શકે છે, પણ સોના ભાવ આગળ વધવા પ્રયાસ કરશે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આ વર્ષે જુલાઇ સુધીનો ફુગાવા આંક ૮.૭ ટકા રહેશે, જે જૂન મહિનામા પૂરા થયેલા ૧૨ મહિના માટે ૯.૧ ટકા હતો. જો આ સાચું પડશે તો, બજારમાં એવો સંદેશો જશે કે ફેડરલ રિઝર્વ જે કઇ પગલાં લઈ રહી છે તેની અસર થઈ રહી છે.
અમેરિકન સેન્ટ્રલ બેન્કનું લાંબાગાળાનું ફુગાવા દર લક્ષ્યાંક, વાર્ષિક બે ટકા છે અથવા જુલાઇના કંજુમર પ્રાઇસ ઇન્ડેક્સથી ૪.૫ ગણું નીચે રાખવાનું છે. ફેડરલ રિઝર્વે શૂન્ય નજીકના વ્યાજદરને, માર્ચથી અત્યાર સુધીમાં ચાર વખત વધારીને ૨.૫ ટકા કર્યા છે. વર્ષાન્ત પહેલા હજુ ત્રણ વખત વ્યાજદર સુધારવાની જોગવાઈ છે, આમાનું પહેલું ૨૧ સપ્ટેમ્બરે નિર્ધારિત છે. આનો અર્થ એ થશે કે ૨૮ વર્ષમાં પહેલી વખત આટલી ગતિથી વ્યાજ વધારવાનું શરૂ થયું છે.
(અસ્વીકાર સુચના: વેબસાઈટ commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








