નવજીવન ન્યૂઝ. ખેડાઃ ગુજરાતની જનતાને સુરક્ષા પુરી પાડનારી ગુજરાત પોલીસ હવે સુરક્ષીત નથી તેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. પોલીસ અને પ્રજા વચ્ચેના ઘર્ષણમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ખેડામાં વધુ એક ઘટના ખેડામાં સામે આવી છે. જોકે નવાઈની વાત હતી એ છે કે જાહેર રોડ પર કે તેવી જગ્યા પરથી નહીં પણ પોલીસ ચોકીમાં ઘૂસીને પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડાના મહેમદાવાદ રેલવે પોલીસ ચોકીમાં ઘુસીને છથી સાત લોકોએ હલ્લાબોલ કર્યો હતો. પોલીસ ચોકીમાં ઘુસી આવેલી ટોળકીએ કર્મચારી પર હુમલો કરીને તોડફોડ કરી હતી. આ બનાવમાં બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત પણ થયા હતા. બનાવના પગણે ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ ચોકીમાં ઘુસી આવેલી ટોળકીમાં બે રીઢા ગુનેગાર પણ હતા. મહેમદાવાદના પોલીસ કોન્સટેબલ રવિ ચૈહાણએ અગાઉ રીઢા ગુનેગાર સાહિલ નામના આરોપી વિરુધ્ધ IPC 332નો ગુનો દાખલ કર્યો હતો. જેથી અદાવાદ રાખીને ટોળકી પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસ કોન્સટેબલ રવિ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ દિલીપ વસાવા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવના પગલે DySP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. DySPએ આરોપીને ઝડપી પાડવા માટે ચાર ટીમને કામ પર લગાઈ છે. સમગ્ર મામલે 7 હુમલાખોરો વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.








