Sunday, May 10, 2026
HomeGujaratઆણંદમાં બની હરિયાણા-રાંચી જેવી ઘટના, રોકવા જતા ટ્રક ચાલકે પોલીસ કર્મી પર...

આણંદમાં બની હરિયાણા-રાંચી જેવી ઘટના, રોકવા જતા ટ્રક ચાલકે પોલીસ કર્મી પર ચઢાવી દેતા મોત, માતા બાદ બાળકોએ પિતા પણ ગુમાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.આણંદઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં આરોપીઓ દ્વારા પોલીસ પર વાહન ચઢાવી દઈ તેમના હત્યા કરી નાખવાની ત્રણ ઘટનાઓ બની છે. હરિયાણામાં ડીએસપી સુરેન્દ્રસિંહ બિશ્નોઈ અને ઝારખંડના રાંચીમાં મહિલા સબ ઈન્સપેક્ટર સંધ્યા ટોપને વાહન ચેકિંગ દરમિયાન એક પીક અપ વાનને રોકવા જતાં તેણે અડફેટે લઈ લીધા હતા. આવી જ રીતે આણંદના બોરસદ રૂરલ પોલીસના કર્મચારી પર ટ્રક ચાલકે ટ્રક ચઢાવી કચળી નાખી હત્યા કરી દીધી હતી.

હરિયાણાના ડીએસપી પર ડમ્પર ચાલક સહિત ખાણ માફિયાઓએ ડમ્પર ચઢાવી દઈ તેમને ઈજાગ્રસ્ત કર્યા અને તેમાં તેમનું મોત નિપજ્યું હતું. આ દરમિયાન એન્કાઉન્ટરમાં ડમ્પર ચાલકને પગમાં ગોળી વાગી હતી. આવી જ ઘટના ઝારખંડના રાંચીમાં બની હતી. મહિલા સબ ઈન્સપેક્ટર તુપુદાના ઓપી હદ વિસ્તારમાં વાહન ચેકિંગ કરતા હતા ત્યારે પીએસઆઈ સંધ્યા ટોપએ જાનવરથી ભરેલી પીક અપ વાનને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાન ચાલકે તેમને કચડી નાખ્યા અને પછી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

- Advertisement -



આવી જ ઘટના ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ ખાતે બની છે. ગત મોડી રાત્રે તેઓ એક શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા હતા ત્યારે આ ઘટના બની હતી. ટ્રાફીકમાં ફરજ બજાવતા રાજકિરણ નામના પોલીસ કર્મચારી નાઈટ ડ્યૂટી પર હતા. ગત રાત્રે તેઓ બોરસદ આણંદ રોડ ખાતે ફરજ પર હતા. ત્યાંથી તેમને પસાર થઈ રહેલી એક ટ્રક પર શંકા જતા તેમણે તેને રોકવાનો પ્રયાસ કર્યો. રાજકિરણે ટ્રક ઊભી ન રહેતા પોતાની પ્રાઈવેટ ગાડીમાં સવાર થઈ તેનો પીછો કર્યો અને ટ્રકની આગળ લાવી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે ટ્રક ચાલકે ઊભા રહેવાને બદલે તેમના પર ટ્રક હંકારી મુકી હતી. અકસ્માત પછી ટ્રક ચાલક માણેજ ગામ પાસે ટ્રક મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પોલીસ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે ત્યાં તેમનું મોત નિપજ્યું હતું. તેમના મૃત્યુની ઘટનાથી પોલીસ બેડામાં શોકની લાગણી હતી.

- Advertisement -



આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજીયાની પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે પોલીસને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાની સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે રાજકિરણભાઈને બે પુત્રો છે, થોડા સમય પહેલા જ આ બંને પુત્રોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. હવે જ્યારે પિતા પણ આ દુનિયામાં ન રહેતા બંને બાળકોને માથે મોટી વજ્રઘાત પડી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular