નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના દરિયાપૂર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં એક વર્ષ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને સ્થાનિક પોલીસની સંડોવણી છતી કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ દરિયાપૂર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઈન્સ્પેકટર, ડી-સ્ટાફ સહિત કુલ 12 પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલે પડેલી રેડ અત્યાર સુધીમાં ગુજરાતની સૌથી મોટી રેડ માનવમાં આવે છે.
અમદાવાદમાં દરિયાપૂર પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે આવેલા મનપસંદ જીમખાનામાં 6 જૂને 2021ના રોજ સ્ટેટ મોનોટરિંગ સેલે દરોડા પાડીને 180 જેટલા જુગારીઓને ઝડપી પાડી હતા. આ રેડમાં સ્ટેટ મોનિટરિંગની ટીમે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મનપસંદ જીમખાનું ગોવિંદ અને તેના 5 જેટલા ભાગીદારો ચલાવતા હતા. જુગારધામ કુલ 7 જેટલા મકાનમાં ચલાવવામાં આવતું હતું અને તેની અંદર અને બહારની સાઈડ 25થી વધુ CCTV લગાવવામાં આવ્યા હતા.
સમગ્ર જુગાર પ્રકરણની હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદના જે પણ પોલીસકર્મી જીમખાનાના માલિક સાથે ફોન પર અથવા તો જીમખાના પર સંપર્કમાં હતા તે તમામ પોલીસકર્મીઓને તપાસ માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. જુગારધામના મલિકોએ, રમવા આવતા લોકોએ અને ખુદ પોલીસ કર્મચારીઓએ પોતાના નિવેદનોમાં કેટલાક પોલીસકર્મીઓના નામ લખવ્યા છે. ઉપરાંત આ કેસની તપાસ પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, પરંતુ તપાસના નામે મીંડું વળતાં ક્રાઇમ બ્રાન્ચ 60 જેટલા પોલીસકર્મીઓને પણ ગાંધીનગરનું તેડું આવી ગયું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાતની સૌથી મોટી જુગાર રેડમાં અમદાવાદના કેટલા પોલીસકર્મીઓની સંડોવણી બહાર આવે છે.








