પ્રશાંત દયાળ નવજીવન: આપણી પાસે આપણી સમસ્યાના વિષય ખલાસ થઈ ગયા હોય તેવુ લાગે છે. છેલ્લાં ત્રણ દિવસથી આપણે એવી ક્ષુલ્લક બાબત ઉપર ચર્ચા કરવા લાગ્યા છીએ જેના કારણે સામાન્ય માણસની જીંદગીમાં કોઈ ફેર પડતો નથી, પણ જેમની જીંદગીમાં ફેર પડતો નથી તેવા સામાન્ય માણસને પણ આ વિષયની ચર્ચામાં મઝા પડી રહી છે. ઘટનાની શરૂઆત કઈક આવી રીતે થઈ હતી. રાજકોટ કોર્પોરેશન દ્વારા રસ્તા ઉપર ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર પ્રતિબંધ મુકવાનો મૌખીક આદેશ આપ્યો, કારણ એવુ આપવામાં આવ્યુ કે ટ્રાફિકની સમસ્યા થાય છે, કોઈ પણ સામાન્ય માણસને તમે સવાલ પુછો કે તમે જયાં પણ ટ્રાફિકની સમસ્યા નડે છે ત્યાં ઈંડા અને નોનવેજની લારીઓ કેટલી હોય છે અને તેના સિવાય શાકભાજી- ફળ- પુરીશાક અને પાણી પુરી સહિત અન્ય જીવન જરૂરીયાનીનું વેચાણ કરતી લારીઓ કેટલી તો જવાબ મળે ઈંડા અને નોનવેજની લારીનો ક્રમ સૌથી છેલ્લે આવે છે. આમ છતાં વાત માત્ર ઈંડા અને નોનવેજની લારીની કરવામાં આવી કારણ રાજકિય રીતે આ વિષય વેચાય તેવો છે.
કોઈ અમલદાર આવુ નિવેદન કરે અને નિર્ણય કરે તો સમજાય પરંતુ વડોદરામાંથી ચુંટાઈ આવેલા ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી તો નામાંકિત વકિલ રહી ચુકયા છે, શિક્ષીત અને સમજદારની સાથે લોકોના પ્રશ્ન સમજવાની ક્ષમતા છે. ગુજરાત વિધાનસભાની અધ્યક્ષ રહી ચુકયા પછી હાલમાં રાજયના મહેસુલ મંત્રી છે, તેમણે પણ ઈંડા નોનવેજની લારીના મામલે કહી દીધુ કે લારી ઉભી રાખવાની ઘટના લેન્ડ ગ્રેબીંગ બરાબર છે, રાજેન્દ્ર ત્રિવેદી જેવી સંવેદનશીલ વ્યકિત આવુ નિવેનદ કરે તેવી અપેક્ષા હરગીજ રાખી શકાય નહીં, ત્રિવેદી સાહેબે રસ્તા ઉપર ઉભી રહેતી તમામ લારીઓના મુદ્દે આવુ નિવેદન કર્યુ હતું તો મહંદ્દ અંશે તેનો સ્વીકાર થાય પરંતુ માત્ર સરકારમાં બેઠા પછી તેઓ માત્ર ઈંડા અને નોનવેજની લારી અંગે બોલે તે સ્વીકાર્ય નથી. કારણ આવા નિવેદનની પાછળ લોકોની સુખાકારી અને ચીંતા કરતા વધારે રાજકિય નફા નુકશાનનો ધુમાડો દેખાય છે.
ટ્રાફિક સમસ્યા માટે ઈંડા-નોનવેજની લારીને જ કેમ જવાબદાર માની લેવાની ભુલ થાય છે તેની પાછળનું રાજકારણ સમજવાની જરૂર છે, કારણ જેવી વાત ઈંડા-નોનવેજની વાત આવે એટલે સામાન્ય માણસ તેવુ માની લેવાની ભુલ કરે છે આ તો મુસ્લિમના ખોરાકની વાત છે. તે માન્યતા સાચી નથી, એક અંદાજ પ્રમાણે પચાસ ટકા હિન્દુ વસ્તી ઈંડા ખાય છે અને ત્રીસ ટકા વસ્તી માંસાહાર કરે છે વાત રહી મુસ્લિમોની તો તેમના ઘરમાં ઈંડા અને નોનવેજ હોય છે તેમને ઈંડા અને નોનવેજ માટે લારી ઉપર જવુ પડતુ નથી, ઈંડા અને નોનવેજની લારી ઉપર જમવા આવનાર 95 ટકા ગ્રાહક હિન્દુ હોય છે જેમના ઘરમાં ઈંડા અને નોનવેજ ઉપર પાબંધી છે, ઈંડા અને નોનવેજનું પણ દારૂ જેવુ છે, અડધુ ગુજરાત દારૂ પીવે છે છતાં આપણે દારૂબંધી ઉપર સરસ ભાષણ કરી શકીએ છે તેવુ ઈંડા અને નોનવેજના મુદ્દે પણ જાહેરમાં આપણે કહેવાની હિમંત નથી કે હું ઈંડા -નોનવેજ ખાઉ છુ હું અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહુ છુ, આખા વિસ્તારમાં પચાસ કરતા વધુ ઈંડાની લારીઓ હશે, આ તમામ લારી ઉપર તમે ભીડ જુવો તો હિન્દુઓ જ છે, મઝાની વાત એવી છે કે શ્રાવણ મહિનો આવે એટલે લારીઓ સુમસામ થઈ જાય કારણ ત્યારે ધર્મ આડો આવે છે ત્યારે ઈંડાના ભાવ પડી જાય છે.
રાજેન્દ્ર ત્રિવેદીએ પહેલા પ્રશ્નની સમજવાની જરૂર છે કે રસ્તા ઉપર કોણ ધંધો કરે છે, તે ઈંડા નોનવેજવાળો હોય, શાકવાળો, કપડાની ફેરી કરતો, ફળવાળો, પકોડીવાળો કે પછી બીજો કોઈ ધંધો કરતો હોય, આ બધા જ ગરીબ માણસો છે, તેમની સરકાર પાસે કોઈ માગણી અને અપેક્ષા નથી, તેઓ નસીબને પણ દોષ આપતા નથી તેઓ મહેનતને જ પોતાની તાકાત સમજે છે, રોજ લારી લગાડે ત્યારે તેમના ઘરનો ચુલો સળગે છે, તેઓ સ્વમાની છે, છતાં રસ્તા ઉપર ધંધો કરવો હોય તો સ્વમાન ગીરવે મુકવુ પડે છે, કોર્પોરેશન અને પોલીસને હપ્તો આપ્યા પછી જ તેઓ રસ્તા ઉપર ધંધો કરી શકે છે, માત્ર ગુજરાતમાં લાખો લોકો રસ્તા ઉપર ધંધો કરે છે, રાજયનું કામ રોજગાર આપવાનું અને રોજગારનો અવકાશ પુરો પાડવાનું છે એક તરફ કારમી ગરીબી અને બેકારી છે નવ હજાર લોકરક્ષકની જગ્યા માટે 12 લાખ શિક્ષીત બેરોજગારોએ ફોર્મ ભર્યા છે તે સૌથી મોટુ ઉદાહરણ છે, આ લારીવાળા સરકાર પાસે લોન -સબસીડી કઈ માંગતા નથી માત્ર ધંધો કરવા દો એટલી અપેક્ષા છે કેન્દ્ર અને રાજય સરકારે વેન્ડર પોલીસ બનાવી છે ખરેખર તો સરકાર તરીકે આપણે રસ્તે ધંધો કરતો વેપારી સારી રીતે ધંધો કરી શકે અને બીજાને અગવડ પડે નહીં તેવી વ્યવસ્થા કરવાની છે.
પણ તેના બદલે રાજય સરકાર તરીકે જો આપણે તેવુ નિવેદન કરીએ તો કે આ ટેમ્પરરી લેન્ડ ગ્રેબીંગ છે તો પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓને મઝા પડી જશે તે ઉપરથી આદેશ છે તેવો દંડો બતાડી તેમના હપ્તા વધારી દેશે. રસ્તા ઉપર એક પણ લારી ઉભી રહેવી જોઈએ નહીં તે એક આદર્શ કલ્પના છે પણ વાસ્વીક રીતે તે શકય નથી તેની તમને ખબર છે, જો આપણે લારી વગરનું રાજય બનાવીએ શકીએ તો તે ઉત્તમ છે પરંતુ માત્ર ઈંડા નોનવેજની લારી પુરતો વિષય સિમીત રહેવો જોઈએ નહીં, કારણ કોઈને પણ રસ્તા ઉપર લારી લઈ ઉભા રહેવુ ગમતુ નથી, લારીવાળાને સામાજીક માન મળતુ નથી અને રસ્તા ઉપર રોજ વિવિધ રીતે તેમને અપમાનનો સામનો કરવો પડે છે. કોઈ પણ માણસનો ખારોક-કપડાં અને ધર્મ અત્યંત વ્યકિતગત બાબત છે, ઈંડા-નોનવેજ ખાનાર અપવિત્ર અને શાકાહારી પવિત્ર તેવો માપદંડ યોગ્ય નથી, જયાં સુધી ખારોક-પહેરવેશ અને ધર્મ કોઈને નડતર નથી ત્યાં સુધી તે વિષય ઉપર વિવાદ ઉભો કરવાની જરુર નથી, સુશાસનનો અર્થ રાજયનો દરેક નાગરિક પછી તેનો ધર્મ અને જ્ઞાતિ કોઈ પણ હોય બધા જ સુખી અને સપંન્ન થાય તેવી ઈચ્છા અને તેવા પ્રયાસ રાજયના હોવા જોઈએ.








