નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ડ્રગ્સ સંબંધી અપરાધોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સ પ્રતિબંધિત છે તેમ છતાં દારૂની જેમ ડ્રગ્સ પણ મોટા પાયે ગુજરાતમાં તસ્કરી કરવામાં આવે છે. અવાર નવાર મોટી સંખ્યામાં તો ડ્રગ્સ પકડવામાં આવે જ છે પરંતુ અમદાવાદ જેવા શહેરમાં સ્થાનિક પોલીસ દ્વારા પણ ઘણું ડ્રગ્સ પકડવામાં આવે છે. ગઇકાલે અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ આવી રીતે એક વ્યક્તિને MD ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો છે.
અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એ.ડી.પરમારની સ્કોડના PSI જે.બી.દેસાઇ અને તેમની ટિમ જ્યારે પેટ્રોલિંગમા હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ પાસે મેફેડ્રોન નામનું ડ્રગ્સ છે તે શહેરના સિટીએમ વિસ્તારમાં છે, બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં મોહમંદ ફારૂક નામનો એક વ્યક્તિ 60.700 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડાયો હતો. જેની અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગે આજે અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જયરાજસિંહ વાળાએ પ્રેસ સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, “પીઆઇ એ.ડી.પરમારની ટીમ દ્વારા મોહમંદ ફારૂક નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી 60.700 ગ્રામ MD ડ્રગ્સ પકડવામાં આવ્યુ છે, આ ડ્રગ્સની હાલની બજાર કિંમત 6,07,000 રૂપિયા છે. આરોપી પાસેથી એક સ્વિફ્ટ કાર અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, એમ કુલ 11,29,600 રૂપિયાનો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો છે. ધરપકડ વખતે જ્યારે આરોપીની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી સત્ય ગુજરાત સાપ્તાહિકનું પ્રેસનું કાર્ડ પણ મળી આવ્યું છે આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.”
જ્યારે પત્રકાર પરિષદમાં ડીસીપી જયરાજસિંહ વાળાને પ્રશ્ન પુછવામાં આવ્યો કે આ આરોપી ડ્રગ્સ ક્યાથી લાવ્યો અને કોને આપવાનો હતો તેનો જવાબ આપતા તેમણે જણાવ્યુ હતું કે હજુ તે તપાસ કરવાની બાકી છે, પૂછપરછ દરમિયાન જે જાણવા મળશે તે મીડિયાને જણાવવામાં આવશે. જ્યારે આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે પુછવામાં આવ્યું ત્યારે પણ ડીસીપીએ જણાવ્યુ હતું કે તે અંગે પણ હજુ અમને જાણ નથી, કઈ જાણવા મળશે તો મીડિયાને જણાવીશું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











