Friday, September 26, 2025
HomeGujarat'ઓરલ હિસ્ટ્રી' : ઇતિહાસ રચવાની નવી દુનિયા!

‘ઓરલ હિસ્ટ્રી’ : ઇતિહાસ રચવાની નવી દુનિયા!

- Advertisement -

દિલ્હી સરકારનું આર્કાઈવ્ઝ ડિપાર્ટમેન્ટ અને આંબેડકર યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે હાલમાં‘ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ’ પર કામ કરી રહ્યાં છે. ‘હિસ્ટ્રી’ એટલે કે ઇતિહાસ એ શબ્દથી આપણે પરિચિત છીએ, પરંતુ ‘ઓરલ હિસ્ટ્રી’એ ઇતિહાસ શાખાનો નવોસવો શબ્દપ્રયોગ છે, વિશેષ કરીને ભારતના સંદર્ભે. ભારતમાં ‘ઓરલ હિસ્ટ્રી’નું કામ થયું હોવા છતાં તેનો પદ્ધતિસરનો વ્યાપક ઉપયોગ હજુ પણ જૂજ જગ્યાએ થયો છે; તેમાંનો એક પ્રયાસ હાલમાં દિલ્હી સરકારના આર્કાઈવ્ઝ ડિપાર્ટમેન્ટે આરંભ્યો છે. ‘ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ’માં અત્યાર સુધી બસ્સો વ્યક્તિની મુલાકાતો થઈ ચૂકી છે. આ મુલાકાતોનો મહદંશે સંદર્ભ હિન્દુસ્તાનના ભાગલા છે. આ એવાં લોકો છે, જેઓને ભાગલાનો સમય આબેહૂબ સ્મૃતિમાં સાચવી શક્યા છે અને જો તેઓને હવે ભાગલા વિશે પૂછવામાં નહીં આવે તો તે ઇતિહાસ પર પૂર્ણવિરામ મૂકાઈ જશે!

સામાન્ય રીતે ઇતિહાસને દર્જ કરવાનું માધ્યમ કાગળ રહ્યું છે. કાગળ પર જ ઇતિહાસ લખાતો રહ્યો છે; પણ છેલ્લા પચાસ વર્ષમાં જે રીતે ટેકનોલોજીનો વિસ્તાર થયો છે તે પ્રમાણે ઇતિહાસ હવે કાગળ સાથે ઓડિયો-વિઝ્યુઅલ ફોર્મમાં પણ સંગ્રહિત થઈ રહ્યો છે. બસ, આ રીતે ઓડિયો-વિઝ્યુઅલ ફોર્મમાં ઇતિહાસને સાચવવો એટલે ‘ઓરલ હિસ્ટ્રી’. આપણી ભાષામાં ‘ઓરલ હિસ્ટ્રી’ને ‘મૌખિખ ઇતિહાસ’ કહી શકાય. આજે આ પ્રકારે ઘટનાઓને સંગ્રહિત કરવાનું ઐતિહાસિક સંશોધનમાં વિશિષ્ટ સ્થાન બન્યું છે. સંશોધનમાં ‘મૌખિખ ઇતિહાસ’ આગવો કહેવાય છે. ‘ઓરલ હિસ્ટ્રી’નો કન્સેપ્ટ આપણે ત્યાં ઉપયોગમાં લેવાયો નથી, પરંતુ જે દેશો ટેક્નોલોજીની રીતે આગળ રહ્યાં છે, ત્યાં આ કન્સેપ્ટ ક્યારનોય અમલમાં મૂકાયો છે. અને એટલે જ ઇન્ટરનેટ પર ‘ઓરલ હિસ્ટ્રી’ એવું સર્ચ મારીએ એટલે તેના ઢગલાબંધ સંદર્ભ મળી રહે છે. આ માહિતીમાં દર્શાવવામાં આવ્યું છે કે ‘ઓરલ હિસ્ટ્રી’ની શરૂઆત 1960ના આસપાસના ગાળામાં મુલાકાતો ટેપ પર રેકોર્ડ કરવાને લઈને થઈ હતી. મૌખિખ રીતે ઇતિહાસ સાચવવાનું પહેલુંવહેલું જંગી કામ જે થયું તે જર્મનના યહૂદી સંહાર વખતનું છે, જેમાં 70,000 જેટલી મૌખિખ મુલાકાતો લેવામાં આવી. આ મુલાકાતો આજે અમેરિકાના હોલોકોસ્ટ મેમોરિયલ મ્યુઝિયમમાં સચવાયેલી છે.

- Advertisement -

કોઈ ઘટના સંદર્ભે જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી તેનું લખાણ લેવું અસંભવિત લાગે ત્યારે તો ‘ઓરલ હિસ્ટ્રી’ની વ્યવસ્થા ખૂબ કામ આવી છે. ઇવન, જ્યારે નિરક્ષર વ્યક્તિ પાસેથી કોઈ ઘટના સંદર્ભનું વર્ઝન લેવાનું થાય ત્યારે પણ તે બોલે અને તેનું રેકોર્ડિંગ થઈ જાય તો તે ‘જેવું છે તેવું જ’ અન્ય લોકો સુધી પહોંચી શકે. ઇતિહાસ જ્યારે લખાય છે ત્યારે તે અલગ-અલગ પર્સેક્ટિવથી લખાય છે, પણ ઓરલ હિસ્ટ્રી’માં તે શક્યતા રહેતી નથી, તેમાં જે-તે વ્યક્તિના અનુભવ-મુલાકાત એ જ સ્વરૂપે અન્ય સુધી પહોંચે છે. આવાં અનેક ‘ઓરલ હિસ્ટ્રી’ના જમા પાસાંને ધ્યાનમાં રાખીને જ 1966માં જેમ્સ મિન્કના નામના ઇતિહાસકારે અમેરિકામાં ‘ઓરલ હિસ્ટ્રી એસોશિએશન’ની શરૂઆત કરી હતી. પછી તો તેની સાથે અનેક ઇતિહાસકાર જોડાયા. આ એસોશિએશનને પોતાનું મિશનના ઉદ્દેશ્ય શબ્દોમાં વ્યક્ત કરતાં લખ્યું હતું : “માનવીય ગૌરવાર્થે અને જ્ઞાનના સંવર્ધન માટે માનવીય સ્મૃતિઓને એકઠી-સ્પષ્ટ કરીને મૌખિખ ઇતિહાસમાં રસ ધરાવનારને સૌને એક સાથે લાવવા.” ઓરલ હિસ્ટ્રી કેટલી અગત્યની છે તેના વિશે આ જ એસોશિએશનના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ રીચીએ ટાંક્યું છે કે, “શૈક્ષણિક હેતુસર જ નહીં, સામાન્ય લોકો માટે પણ મૌખિખ ઇતિહાસ તૈયાર કરવાનો અવકાશ રહે છે. અને તે ટૂંકાગાળાની ટ્રેઇનિંગથી પણ તે સંભવી શકે. જેમ કે હોલાકોસ્ટ(જર્મનીમાં થયેલાં યહૂદીઓના સંહાર)ના કેસમાં બન્યું હતું, આવી ઘટનામાંથી સુરક્ષિત બહાર આવેલાં લોકોને પોતાની વાત કહેવા માટે પત્રકાર કરતાં વધુ ઇતિહાસકાર કે પરિવારના સભ્યો વધુ અનુકૂળ આવી શક્યાં.

અમેરિકામાં મૌખિખ રીતે ઇતિહાસ સંવર્ધિત કરવાની એક આખી પરંપરા ઊભી થઈ અને તે અંતર્ગત ત્યાર બાદ ‘સ્ટોરીકોર્પ’ નામનું એક જાણીતું પ્લેટફોર્મ નિર્માણ પામ્યું, જે અંતર્ગત અમેરિકાની રોજબરોજની અનેક કથાઓ તેમાં સંગ્રહીત કરવામાં આવી છે. આ પ્લેટફોર્મને જીવંત રાખવા માટે અમેરિકાના જાણીતાં ઇતિહાસકાર, લેખક, અભિનેતા અને બ્રોડકાસ્ટર તરીકે ઓળખાતાં સ્ટડ્સ ટાર્કેલની અગત્યની ભૂમિકા રહી છે. સ્ટડ્સ ટાર્કેલે શિકાગોમાં લાંબા સમય સુધી રેડિયો શો ચલાવ્યો હતો, જેમાં તેમણે સામાન્ય અમેરિકનોની કથાઓ બહાર લાવી હતી. ઓરલ હિસ્ટ્રીનો ઇતિહાસ જેમ અમેરિકામાં પાંગર્યો અને ત્યાં તે અંગેનું સારું એવું કામ પણ થયું. એ જ રીતે બ્રિટનમાં પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા મુલાકાતો અને અનુભવ રેકોર્ડિંગ કરી લેવાનું કામ કર્યું છે.

ભારતમાં મૌખિખ ઇતિહાસનું જે કામ ઉલ્લેખનીય બન્યું તે https://www.1947partitionarchive.orgનું છે. નોન પ્રોફીટ અને નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા થયેલાં આ કામમાં ભાગલાને લગતાં લોકોના ઓડિયો-વિડિયોમાં ડોક્યુમેન્ટ કરવાનું કામ થયું છે. ખૂબ સારી કહી શકાય તેવી આ સાઈટ ડોનેશન પર ચાલે છે અને તેમાં દેશના અલગ-અલગ ભાગમાંથી ભાગલાની વાતો શોધવાનો ક્રમ છે. અત્યાર સુધી આ કામ હેઠળ 7500 મુલાકાતો એકઠી કરવામાં આવી છે. અને તેની સ્ટોરીઝ સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવે છે, જેનાથી ભાગલાની પીડા શું હતી તે લોકો જોઈ શકે.

- Advertisement -

દિલ્હી સરકારના આર્કાઈવ્ઝ ડિપાર્ટમેન્ટ અને આંબેડકર યુનિવર્સિટી દ્વારા જે પ્રોજેક્ટ હાલમાં લોન્ચ કરવામાં આવ્યો છે તેમાં કેટલાંક જાણીતાં લોકોની પણ મુલાકાત લેવાઈ છે, જેમ કે એમડીએચ મસાલાના માલિક ધરમપાલ ગુલાટી, લેખક ક્રિષ્ના સોબતી અને ફોટોગ્રાફર રઘુ રાય. આ પ્રોજેકટ અંગે માહિતી આપતાં દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું હતું કે, આમ જોવા જઈએ તો આ લોકોની વ્યક્તિગત સફર જોઈએ તો આપણે તે દિલ્હીના સફરની કહાની કહેશે, જેની વિગત કોઈ પણ ઇતિહાસના પુસ્તકમાં નથી. મનીષ સિસોદીયાનું કહેવું છે કે, દિલ્હીનો ઇતિહાસ માત્ર યુદ્ધોનો કે ચઢતા-પડતા રાજાઓનો જ નથી, બલ્કે તે ઇતિહાસ ગીતોનો, ઉત્સવોનો, વ્યંજનોનો અને વેપારનો પણ છે.

વહી ગયેલી મહત્ત્વની ઘટનાઓનો ઇતિહાસ દસ્તાવેજીત થયો હોવા છતાં ઘણાં કિસ્સામાં એવું થાય છે કે અનેક મહત્ત્વની કડીઓ તેમાં છૂટી જાય છે. હિન્દુસ્તાનના ભાગલા એવી જ ઘટના હતી કે તેનાં વિશે ઘણું લખાયું હોવા છતાં તેમાં દરેક વ્યક્તિના અનુભવ જે-તે વખતે ઇતિહાસ તરીકે સંગ્રહીત ન થયા! દેશભરમાંથી જો આવી ઘટનાઓને મૂકીને તેની સાથે તેના લખાયેલાં ઇતિહાસને તપાસીએ તો હજુ પણ તેમાં ઘણું ખૂટે છે, તેવું અનુભવાય. બસ આ ખૂટતી કડીઓને જોડવાનો આ પ્રયાસ છે અને તેની વિગત એકઠી કરીને ગેલેરીઝ કે આર્કાઈવ્ઝમાં નથી મૂકવાની, બલ્કે તેને વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવશે, જેથી સામાન્ય લોકો સરળતાથી તે નિહાળી શકશે.

ભાગલાની અનેક કથાઓ આ રીતે જીવંત થઈ રહી છે. જોકે અહીં એ વાત યાદ રાખવી જોઈએ કે આ તમામ સ્મૃતિઓ જે રેકોર્ડિંગ થાય છે તે વ્યક્તિગત અનુભવકથા છે. તે રિપોર્ટીંગ કે પત્રકારત્વનો ભાગ નથી. ઘણી વખત આ કિસ્સામાં સમય જતાં આ સ્મૃતિ નાશ પામે છે. જોકે આ પ્રકારનો ઇતિહાસ જ્યારે દસ્તાવેજીત થાય ત્યારે તેનાથી એક સર્વવ્યાપી ઇતિહાસનું ચિત્ર ખડું થાય છે. આનો સીધો મતલબ એ છે કે આનાથી ઇતિહાસને જાણવા-સમજવાનો નવો માર્ગ મળે છે.

- Advertisement -

સ્ક્રોલ વેબસાઈટ પર ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ વિશે થયેલા વિગતવાર રિપોર્ટમાં પાકિસ્તાનના સંશોધક અને લેખક અનામ ઝકરિયાનું કહેવું છે કે, આ પ્રકારના કામના ઇતિહાસને નોંધવાનું કામ ભારે હોય છે, અને તે જ કારણે મુખ્ય ધારાના માધ્યમોમાં એ કામ થતું નથી, એટલે 2010માં પાકિસ્તાનમાં ‘ધ સિટિઝન્સ આર્કાઈવ ઓફ પાકિસ્તાન’ નામનું એક પ્લેટફોર્મ તૈયાર કર્યું, જ્યાં આ પ્રકારનો મૌખિખ ઇતિહાસ સાચવવામાં આવે છે. અનામ ઝકરિયાએ આ અંગે વિસ્તૃત કામ કર્યું છે અને તેથી જ તેઓ આ વિશે બોલતા અધિકારપૂર્વક કહે છે કે, ઓરલ હિસ્ટ્રીથી સામાન્ય લોકોના પરિપ્રેક્ષ્યથી ઇતિહાસને સમજવાની તક મળે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular